Gujarat Politics: 2024 લોકસભા ચૂંટણી પહેલા જ રાજ્યમાં નેતાઓ પક્ષપલટો શરૂ કરી દીધો છે. આમ આદમી પાર્ટીમાંથી કોંગ્રેસમાં ગયેલ ભરતભાઈ ભૂત અને અન્ય 10 લોકો આમ આદમી પાર્ટીમાં ફરી જોડાયા હતા.


ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ શું કહ્યું

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જણાવ્યું કે, આમ આદમી પાર્ટી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજીની વિચારધારાથી પ્રેરિત થઈને સરદાર પટેલ પાર્ટીના અમદાવાદના સંગઠનના 50 જેટલા હોદ્દેદારો અને કાર્યકર્તાઓ આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. આગામી સમયમાં તેઓ સાથે મળીને વધુ હોદ્દેદારોને કાર્યકર્તાઓ સાથે એક મોટો પ્રોગ્રામ પણ કરવા જઈ રહ્યા છીએ. આજે સૌ ભાજપના શાસનથી સૌ કોઈ કંટાળી ગયા છે અને એટલા માટે જ આજે એક પાર્ટીના મોટી સંખ્યામાં હોદ્દેદારો પોતાના કાર્યકર્તાઓ સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.    




ભરતભાઈ ભૂતની ઘરવાપસી   

ઉપરાંત આમ આદમી પાર્ટીના નેતા ભરતભાઈ ભૂત જે થોડા સમય પહેલા કોંગ્રેસમાં જોડાયા હતા, તેઓ આજે ઘર વાપસી કરીને આમ આદમી પાર્ટીમાં પરત ફર્યા છે. તેમની સાથે અન્ય 10 લોકો પણ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. ભરતભાઈ આમ આદમી પાર્ટીના એક મજબૂત લીડર રહ્યા છે અને પાછલી ચૂંટણીઓમાં પણ આમ આદમી પાર્ટી માટે ખૂબ જ મહેનત કરી છે. કેટલાક આગેવાનોના કહેવાથી તેઓ કોંગ્રેસમાં ગયા હતા પરંતુ ત્યાં તેમને રહેવાનું યોગ્ય ન લાગતા તેઓ આજે પરત ફર્યા છે.    


આમ આદમી પાર્ટી મજબૂતીથી આગળ વધી રહી છેઃ ઈસુદાન ગઢવી


આ સમગ્ર જોઈનિંગની પ્રક્રિયામાં આમ આદમી પાર્ટીના કાર્યકારી પ્રમુખ ડૉ. જ્વેલબેન વસરા સહિત હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આમ આદમી પાર્ટીમાં સામેલ થયેલા દરેક વ્યક્તિનું હું સ્વાગત કરું છું. આજની આ ઘટના પરથી આપણે સ્પષ્ટપણે કહી શકીએ છીએ કે આમ આદમી પાર્ટી ઝડપથી મોટી થઈ રહી છે અને ખૂબ જ મજબૂતીથી આગળ વધી રહી છે.    


થોડા દિવસ પહેલા આમ આદમી પાર્ટી અને એનસીપીના હોદ્દેદારો તથા કાર્યકરો કોંગ્રેસમાં સામેલ થયા છે. NCP અમદાવાદ શહેર પ્રમુખ આકાશ સરકાર સમર્થકો સાથે કોંગ્રેસમાં જોડાયા છે. શક્તિસિંહ ગોહિલે તમામને ખેસ પહેરાવી કોંગ્રેસમાં આવકાર્યા હતા.