Congress New President: કોંગ્રેસ પાર્ટીમાં અધ્યક્ષની ચૂંટણીને લઈને ચાલી રહેલી તમામ અટકળો પર પૂર્ણવિરામ મુકતા પાર્ટીના સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલે બુધવારે જાહેરાત કરી છે કે 28 ઓગસ્ટે કોંગ્રેસ કાર્યકારી સમિતિની બેઠક વર્ચ્યુઅલ હશે. જેમાં પક્ષ પ્રમુખની ચૂંટણીની તારીખો પર મહોર મારવામાં આવશે. કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી દેશની બહાર હોવાના કારણે આ બેઠક વર્ચ્યુઅલ થઈ રહી છે. 


પાર્ટીના સૂત્રોએ જણાવ્યું હતું કે, ઓક્ટોબરમાં દિવાળીની આસપાસ કોંગ્રેસને નવા પ્રમુખ મળશે. ફરી પ્રમુખ બનવા માટે રાહુલ ગાંધીએ 'ના' કહ્યા બાદથી પ્રમુખની ચૂંટણીમાં રસ વધ્યો છે. આ સાથે જ સવાલ ઉઠવા લાગ્યા છે કે, શું 24 વર્ષ બાદ કોંગ્રેસની કમાન ગાંધી પરિવારની બહાર જશે?


કોંગ્રેસ અધ્યક્ષને લઈને એવી અટકળો ચાલી રહી છે કે અશોક ગેહલોત અધ્યક્ષ બની શકે છે, પરંતુ તેઓ પોતે રાહુલ ગાંધીને અધ્યક્ષ બનાવવાની અપીલ કરી રહ્યા છે. અશોક ગેહલોતે કહ્યું કે, "જો રાહુલ ગાંધી પાર્ટી અધ્યક્ષ નહીં બને તો દેશભરના પાર્ટી કાર્યકર્તાઓ નિરાશ થશે. તેઓએ કાર્યકરોની ભાવનાઓને સમજવી જોઈએ." કોંગ્રેસના મહાસચિવ તારિક અનવરે પણ CWCની બેઠકમાં રાહુલ ગાંધીને અધ્યક્ષ બનાવવા માટે વિનંતી કરવાની વાત કરી છે. તેમણે કહ્યું, 'સામાન્ય કાર્યકરોની લાગણી છે કે રાહુલ ગાંધીએ આ મુશ્કેલ સમયમાં પાર્ટીનું નેતૃત્વ સંભાળવું જોઈએ. રાહુલ ગાંધી સિવાય દૂર-દૂર સુધી પણ પ્રમુખ બનવા માટે કોઈ દેખાતું નથી. તેમના અંગત નિર્ણય કરતાં પક્ષના કાર્યકરોની ભાવના વધુ મહત્વની છે.


રાહુલ ગાંધીની 'ના'


રાહુલ ગાંધીના નજીકના સૂત્રોએ જણાવ્યું કે, તેઓ ફરીથી અધ્યક્ષ બનવા તૈયાર નથી. 2019માં લોકસભા ચૂંટણીના પરિણામો બાદ તેમણે કોંગ્રેસ અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું હતું. આ દરમિયાન તેમણે પાર્ટીની કમાન ગાંધી પરિવારની બહાર અન્ય નેતાને સોંપવાની હિમાયત કરી હતી. આ વર્ષે ઓગસ્ટમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીએ સોનિયા ગાંધીને પાર્ટીના વચગાળાના અધ્યક્ષ બનવા માટે મનાવી લીધા હતા. રાહુલ ગાંધી ભલે પદ પર ન રહ્યા હોય, પરંતુ તેમણે પડદા પાછળથી પાર્ટીના નિર્ણયોમાં મહત્વની ભૂમિકા ભજવવાનું ચાલુ રાખ્યું છે.


અધ્યક્ષના પદ માટે આ નામ ચર્ચામાંઃ


કોંગ્રેસના નવા પ્રમુખ બનવા માટે તમામ નેતાઓના નામ ચર્ચામાં છે. જેમાં અશોક ગેહલોત, દિગ્વિજય સિંહ, મુકુલ વાસનિક, મલ્લિકાર્જુન ખડગે, અંબિકા સોની, મીરા કુમાર જેવા નામ સામેલ છે. ગેહલોતના નામની સૌથી વધુ ચર્ચા થઈ રહી છે. બીજી તરફ કોંગ્રેસમાં અસંતુષ્ટ નેતાઓનું જૂથ એટલે કે G23 તેમનો ઉમેદવાર ઉતારશે કે નહી તો જોવાનું રહેશે. મહત્વનું છે કે, પાર્ટીના કેટલાક નેતાઓ સોનિયા ગાંધીને અધ્યક્ષ બનતા જોવા માંગે છે.