Rahul Gandhi Disqualified Live Updates: રાહુલ ગાંધીને મળ્યા જામીન, જાણો ક્યારે થશે વધુ સુનાવણી
Rahul Gandhi News Updates: આજે સેશન્સ કોર્ટમાં રાહુલ ગાંધીના વકીલો અપીલ કરશે. રાહુલ ગાંધીના નિષ્ણાત વકીલોની ટીમ સુરત પહોંચી ચુકી છે
જામીન મળ્યા બાદ રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યું કે આ લોકશાહી બચાવવાની લડાઈ છે, 'મિત્રકાળ' સામે. આ સંઘર્ષમાં સત્ય એ મારું શસ્ત્ર છે અને સત્ય એ મારો આસરો છે. રાહુલ ગાંધીને સુરત કોર્ટમાંથી જામીન મળ્યા બાદ તેમની બહેન અને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ ટ્વિટ કર્યું હતું. તેણે લખ્યું છે કે બહાદુર માણસો વિચલિત થતા નથી, એક ક્ષણ માટે પણ ધીરજ ગુમાવતા નથી, અવરોધોને સ્વીકારે છે, કાંટામાંથી રસ્તો કાઢે છે.
સુરત મોઢ વણિક સમાજની માનહાનિના કેસમાં સુરત ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ હરેશ વર્માની કોર્ટ ગઈ તા.23 મી માર્ચના રોજ આરોપી રાહુલ ગાંધીને દોષી ઠેરવી બે વર્ષની કેદ ની સજા ફટકારી હતી. જે હુકમથી નારાજ થઈ ને તેની કાયદેસરતાને પડકારતી અપીલ દાખલ કરી છે. જેમાં કોર્ટ દ્વારા સજા પર સ્ટે રાખવાની સુનાવણી 13 એપ્રીલના રોજ કરવામાં આવી છે. વકીલના કહેવા મુજબ અગામી સુનાવણી એટલે કે 13 એપ્રીલના રોજ રાહુલ ગાંધીએ ફરી કોર્ટમાં હાજરી આપવી જરૂરી નથી. આ કેસના સામેના પક્ષકારો ફરિયાદી તથા સરકારી વકીલને નોટીસ ઈસ્યુ કરી વધુ સુનાવણી તા.3 મે સુધી મોકુફ રાખી છે. રાહુલ ગાંધી સુરત કોર્ટથી બહાર નીકળીને સર્કિટ હાઉસ જવા રવાના થયા છે.
રાહુલ ગાંધીને સુરત સેશન્સ કોર્ટે જામીન આપ્યા છે. નીચલી અદાલતના નિર્ણય સામેની અપીલ પર 3 મેના રોજ સુનાવણી થશે.
રાહુલ ગાંધીની સાથે તેમની બહેન પ્રિયંકા ગાંધી, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત, છત્તીસગઢના સીએમ ભુપેશ બઘેલ, દિગ્વિજયસિંહ પણ કોર્ટ પરિસરમાં પ્રવેશ્યા.
માનહાનિ કેસમાં સુરત સેશન્સ કોર્ટમાં રાહુલ ગાંધીની સજા પર કોર્ટમાં અપીલ ફાઈલ કરવામાં આવી છે અને તેની સાથે જામીન અરજી પણ મુકવામાં આવી છે.
સુરત સેશન્સ કોર્ટમાં અપીલ કરવા રાહુલ ગાંધી સુરત પહોંચી ગયા છે. તેમની સાથે બહેન પ્રિયંકા ગાંધી પણ છે.
છત્તીસગઢના સીએમ ભુપેશ બધેલ સુરત એરપોર્ટ પહોંચ્યા છે. રાહુલ ગાંધી કોર્ટ પ્રક્રિયા બાદ ગુજરાતના અને રાષ્ટ્રીય કોંગ્રેસના નેતા સાથે બેઠક કરશે. સુરત સર્કિટ હાઉસ ખાતે મળનારી આ બેઠક લોકસભાની આગામી ચૂંટણીને લઈ મહત્વની બનશે.
રાહુલ ગાંધીની સુરત મુલાકાત અંગે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું, દેશની સ્વાયત્ત સંસ્થાઓ પર દબાણ ઉભુ કરવામાં આવે છે. ED અને CBIનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. રાહુલ ગાંધીને માફી માંગવા નારે બાજી કરવામાં આવે છે. રાહુલ ગાંધીને ત્યાં દિલ્હીમાં પોલીસ ઘૂસી ગઈ, આવી મજાક મે ક્યારેય નથી જોઈ, સીબીઆઇના અધિકારીએ પણ ભૂતકાળમાં અમિત શાહને કહ્યું હતું કે આપ મોદીજીનું નામ આપો તમને છોડી દઈશું. આ ઉપરાંત તેમણે કહ્યું, દિલ્હી પોલીસ શું એ અધિકારીનું નામ જાણવાનો પ્રયાસ કરશે, ઈન્દીરા ગાંધી સાથે પણ આવો વ્યવહાર સંસદમાં કરવામાં આવ્યો હતો, મહારાષ્ટ્ર, ભરૂચ, વડોદરાથી આવનારા લોકોની અટકાયત કરવામાં આવી રહી છે, કોંગ્રેસ સત્યાગ્રહ એટલે કે સત્ય માટે આગ્રહ કરી રહી છે, આવી રીતે અટકાયત કરવાની રીત લોકો પસંદ નહિ કરે. લોકશાહીનું મુખોટું પહેરીને સત્તામાં આવેલા લોકો OBCનું અપમાન કાર્યની વાત કરી રહ્યા છે. અમે ઓબીસીમાંથી આવીએ છીએ, રાજસ્થાનમાં હું એકમાત્ર ઓબીસીનો ધારાસભ્ય છું અને મને કોંગ્રેસે મુખ્યમંત્રી બનાવ્યો.
રાહુલ ગાંધીની સાથે તેમની બહેન પ્રિયંકા ગાંધી તેમજ રાજસ્થાનના કોંગ્રેસના ત્રણ મુખ્યમંત્રી અશોક ગેહલોત, છત્તીસગઢના ભૂપેશ બઘેલ અને હિમાચલના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુ હાજર રહેશે. આ સાથે રાજ્યસભાના સાંસદ કેસી વેણુગોપાલ અને પાર્ટીના અન્ય વરિષ્ઠ નેતાઓ પણ સુરતમાં જ રહેશે.
કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે રાહુલ ગાંધી પર પ્રહાર કરતાં કહ્યું, કોંગેસ સંવૈધાનિક સંસ્થાઓને બદનામ કરી રહી છે. કોઈ એક પરિવાર સંવિધાનથી ઉપર ન હોઈ શકે.
કાયદા મંત્રી કિરણ રિજ્જુએ રાહુલ ગાંધી અંગે ટ્વિટ કરીને લખ્યું, રાહુલ ગાંધી અપીલ દાખલ કરવા સુરત જઈ શકે છે. અપીલ દાખલ કરવા માટે દોષિત માટે વ્યક્તિગત રીતે જવું જરૂરી નથી. સામાન્ય રીતે, કોઈ પણ દોષિત વ્યક્તિગત રીતે જતો નથી. તેમની સાથે નેતાઓ અને સહાયકોના વિવિધ જૂથ સાથે તેમનું અંગત રીતે જવું એ માત્ર નાટક છે. રાહુલ ગાંધી જે કરી રહ્યા છે તે પણ એપેલેટ કોર્ટ પર દબાણ લાવવાનો બાલિશ પ્રયાસ છે. દેશની તમામ અદાલતો આવી યુક્તિઓથી મુક્ત છે.
સુરત સેશન્સ કોર્ટ ફટકારેલી સજા સામે અપીલ કરવા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દિલ્હીથી સુરત આવવા રવાના થઈ ગયા છે. રાહુલ ગાંધીના આગમનને લઈ સેશન્સ કોર્ટની આસપાસ દુરબીનથી નજર રાખવામાં આવી રહી છે.
સુરત સેશન્સ કોર્ટે ફટકારેલી સજા સામે અપીલ કરવા રાહુલ ગાંધી સુરત આવી રહ્યા છે. જેને લઈ સુરત સર્કિટ હાઉસમાં કોંગ્રેસના નેતાઓની બેઠક થઈ રહી છે. પ્રભારી ડો. રઘુ શર્માની અધ્યક્ષતામાં બેઠક મળી છે. ગુજરાત કોંગ્રેસના અગ્રણી નેતાઓ અને રાહુલ ગાંધીની ટીમના સભ્યો બેઠકમાં છે. બેઠકમાં આજના દિવસની રણનીતિ ઘડવામાં આવી છે.
સુરત સેશન્સ કોર્ટે ફટકારેલી સજા સામે અપીલ કરવા રાહુલ ગાંધી સુરત આવી રહ્યા છે. આ પહેલા સુરત જિલ્લા કોંગ્રેસ મહિલા પ્રમુખ સ્વાતિ પટેલને બારડોલીમાં નજરકેદ કરાયા છે. સ્વાતિ પટેલ બારડોલી થી સુરત આવવાના હતા. સ્વાતિ પટેલે કહ્યું, આ લોકશાહી તેમજ વ્યક્તિ સ્વત્રંતા પર તરાપ છે. અમે વિરોધ કે આંદોલન માટે ભેગા થવાના નથી, અમારા નેતાના સમર્થનમાં એમનો જુસ્સો વધારવા એકત્ર થવાના હતા. આ રીતે નજરકેદ કરીને આ તાનાશાહી સરકાર ખોટું કરી રહી છે.
ભરતસિંહ સોલંકીએ કહ્યું, રાહુલ ગાંધી કોર્ટમાં આવી રહ્યા છે ત્યારે તેમના સમર્થકો પર દમન થઇ રહ્યું છે. દેશમાં અંધારું થઇ જવાનું હોય એવું વર્તન થઇ રહ્યું છે, ભાજપ કાનૂની લડત થકી રાજકીય લડત લડી રહ્યું છે. ભાજપનો ગ્રાફ નીચે જઈ રહ્યો હોવાથી રાહુલ ગાંધીને દબાવવા પ્રયત્ન થઇ રહ્યો છે. લોકોમાં ધીરીધીરે જન આંદોલન ઉભું થઇ રહ્યું છે. જનઆંદોલનનો પહેલો પડઘો કર્ણાટક ચૂંટણીમાં જોવા મળશે.
ગુજરાત કોંગ્રેસના સંગઠન પ્રભારી ડો. રઘુ શર્માએ કહ્યું, અમે કોઈ ગુનો કરવા એકત્ર નથી થઈ રહ્યા. અમારા નેતા આવે છે તેના સન્માનમાં એકત્ર થઇ રહ્યા છીએ. રાહુલ ગાંધીની સાથે રહેવા માટે દરેક નેતા આવી રહ્યા છે. ગઈકાલ રાતથી અમારા નેતાઓ અને કાર્યકરોને રોકવામાં આવી રહ્યા છે. અમારા અવાજને દબાવવામાં આવી રહ્યો છે. 3 રાજ્યના મુખ્યમંત્રી આવી રહ્યા છે, સ્ટેરીંગ કમિટીના સભ્યો પણ સુરત આવી રહ્યા છે. લોકતંત્રમાં દરેક લડાઈ મોટી હોય છે. રાહુલ ગાંધી પર હાથ નાખવામાં આવ્યો છે, રાહુલ ગાંધી લોકસભામાં નહીં રહે તો દેશમાં તો રહેશેને.
રાહુલ ગાંધીની સુરત મુલાકાત અંગે અમિત ચાવડાએ કહ્યું, સુરત કોર્ટમાં નાયાયિક પ્રક્રિયા માટે રાહુલ ગાંધી આવી રહ્યા છે. સત્ય, ધર્મ અને અહિંસાની સાથે છે તેવા લોકો રાહુલ ગાંધીના સમર્થનમાં છે, દેશ અને રાજ્યની સરકાર લોકશાહી ખતમ કરનારું કામ કરી રહ્યા છે. પોલીસ ગઈકાલે રાતથી અમારા આગેવાનો અને કાર્યકરોને ડીટેન કરી રહી છે, કોઈપણ જાતના કારણ વગર કાર્યકરો અને આગેવાનોને પોલીસ ડરાવી રહી છે. વડાપ્રધાનના રોડ શોમાં લોકો આવે છે, રાહુલ ગાંધીના સમર્થન માટે આવતા લોકોને રોકવામાં આવે છે. કે સી વેણુગોપાલ, પ્રિયંકા ગાંધી સહિતના અમારા નેતા સુરત આવી રહ્યા છે. પોલીસ સરકારનો હાથો બનવાનું બંધ કરે, લોકશાહી, સંવિધાન બચાવવાની આ લડાઇ છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ જગદીશ ઠાકોરે કહ્યું, રાહુલ ગાંધીને ડરાવવાની વાતો કરનાર ડરી રહ્યા છે. ગુજરાતની ભાજપ સરકાર આજે ડરી રહી છે. અમારા આગેવાનો અને કાર્યકરોને રોકવામાં આવી રહ્યા છે. આગેવાનો અને કાર્યકરોના ઘરે પોલીસ ગોઠવી દેવામાં આવી છે. દેશની કોંગ્રેસ આજે સુરત આવી રહી છે. પરિવારના વડા ઉપર મુશ્કેલી આવે ત્યારે કુટુંબના સભ્યો સાથે જ હોય. દક્ષિણ ગુજરાતના દરેક આગેવાનોના ઘરે પોલીસ બેસાડી છે, દક્ષિણ ગુજરાતના 500 આગેવાનોને રોકવામાં આવ્યા છે.
બ્રેકગ્રાઉન્ડ
Rahul Gandhi Breaking News Updates: કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને તાજેતરમાં સુરત કોર્ટે માનહાનિના કેસમાં બે વર્ષની જેલની સજા ફટકારી હતી. જે બાદ લોકસભાના સાંસદ તરીકે ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા. રાહુલ સોમવારે આ સજા વિરુદ્ધ ગુજરાતની સુરત કોર્ટમાં જઈ શકે છે. અહીં તે પોતાની સજા વિરુદ્ધ અરજી દાખલ કરશે અને કોર્ટના નિર્ણયને પડકારશે. તેમની અરજીમાં, ગાંધી કોર્ટને 'મોદી અટક' કેસમાં દોષિત ઠેરવતા મેજિસ્ટ્રેટના આદેશને બાજુ પર રાખવા માટે કહે તેવી અપેક્ષા છે.
આજે સેશન્સ કોર્ટમાં રાહુલ ગાંધીના વકીલો અપીલ કરશે. રાહુલ ગાંધીના નિષ્ણાત વકીલોની ટીમ સુરત પહોંચી ચુકી છે. દિલ્હીના નિષ્ણાત વકીલો જ સમગ્ર કેસ પર નજર રાખશે. આજે ખુદ રાહુલ ગાંધી પણ સુરત સેશન્સ કોર્ટમાં હાજરી આપશે. રાજસ્તાના મુખ્યમંત્રી અશોક ગેહલોત સહિત કોંગ્રેસના રાષ્ટ્રીય અને પ્રદે નેતાઓ પણ સુરત પહોંચી ગયા છે.
અગાઉ, કોર્ટે તેને જામીન આપ્યા હતા અને 30 દિવસ માટે સજા સસ્પેન્ડ કરી હતી, જેથી તેને હાઈકોર્ટમાં અપીલ કરવાનો સમય મળે. ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદી વતી તેમની કથિત ટિપ્પણી માટે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી જેમાં લખ્યું હતું કે "બધા ચોરને મોદી કેવી રીતે અટક કરી શકાય?". આ પછી ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એચએચ વર્માની કોર્ટે 52 વર્ષીય ગાંધીને ભારતીય દંડ સંહિતા (આઈપીસી)ની કલમ 499 અને 500 હેઠળ દોષિત ઠેરવ્યા હતા.
ભાજપનો આરોપ
ભાજપે આરોપ લગાવ્યો છે કે રાહુલ ગાંધીની કાનૂની ટીમે કોર્ટના આદેશને પડકારવા માટે પૂરતી તત્પરતા દર્શાવી નથી કારણ કે પાર્ટી કર્ણાટક ચૂંટણી પહેલા તેનો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરી રહી છે. કોંગ્રેસના નેતા પવન ખેડાની ધરપકડ પર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી, પરંતુ રાહુલ ગાંધીને દોષિત ઠેરવ્યા પછી નહીં તેવા સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. જો કે આ અંગે કોંગ્રેસ તરફથી પણ સ્પષ્ટતા કરવામાં આવી હતી.
કોંગ્રેસ શું કહે છે?
આ મામલાને લઈને કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે અગાઉ કહ્યું હતું કે કાયદાકીય ટીમ તેના પર કામ કરી રહી છે. રાહુલને લોકસભામાંથી અયોગ્ય ઠેરવવા સામે વિરોધ પક્ષોએ તાજેતરમાં પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. રાજ્ય કોંગ્રેસના નેતાઓ અને વિવિધ પક્ષોના પદાધિકારીઓએ ગાંધી સાથે એકતા દર્શાવવા માટે શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કર્યું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -