રાજકોટ:  સૌરાષ્ટ્ર જિલ્લામાં વરસાદી માહોલના કારણે ડેમ, નદી અને ચેકડેમમાં પાણીની આવક થઈ છે. રાજકોટ અને આસપાસના વિસ્તારમાં સારા વરસાદને કારણે રાજકોટની પીવાના પાણીની સમસ્યા દૂર થઈ છે. રાજકોટ મનપાના કમિશનર અમિત અરોરાએ જણાવ્યું કે સારો વરસાદ વરસતા આજી, ન્યારી અને ભાદર ડેમમાં ભરપૂર પાણીની આવક થઈ છે. રાજકોટના જીવાદોરી સમાન આજીડેમમાં 15 માર્ચ 2022 સુધી ચાલે એટલો 970 MCFT પાણીનો જથ્થો પહોંચી ચુક્યો છે. 


ભાદર એક ડેમમાં સતત પાણીની આવકના કારણે ડેમના 10 દરવાજા ખોલવામાં આવ્યા છે. ભાદર 1 ડેમના 10 દરવાજા 3 ફૂટ ખોલવામાં આવ્યા છે. ગોંડલ સહિત ઉપરવાસમાં વધુ વરસાદ થતા વધુ દરવાજા ખોલાયા છે.  નિચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.  આ તરફ જ્યારે ન્યારી 30 એપ્રિલ 2022 સુધી ચાલે એટલો 1250 MCFT કરતા વધુ પાણીનો જથ્થો પહોંચી ચુક્યો છે. જ્યારે ભાદર ડેમમાં 31 જુલાઈ, 2022 સુધી ચાલે એટલો 6500 MCFT પાણીનો જથ્થો ઉપલબ્ધ થઈ ગયો છે. છેલ્લા 15 દિવસમાં પાણીની સમસ્યા હલ થતા શહેરીજનોએ પણ રાહતનો શ્વાસ લીધો છે. 


સીઝનનો 82.40 ટકા વરસાદ


રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો 82.40 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. નજર કરીએ ક્યાં ઝોનમાં કેટલો વરસાદ વરસી ચૂક્યો છે તેના પર તો સૌરાષ્ટ્રમાં સૌથી વધુ 93 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જ્યારે કચ્છમાં 88 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. તો દક્ષિણ ગુજરાતમાં 82 ટકા અને મધ્ય ગુજરાતમાં 74 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સૌથી ઓછો ઉત્તર ગુજરાતમાં 67 ટકા વરસાદ વરસ્યો છે.


ગુજરાતમાં આગામી ચાર દિવસ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી


ગુજરાતમાં આગામી ચાર દિવસ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદની શક્યતા છે.  હવામાન  વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં હજુ પણ વરસાદી માહોલ રહેશે.  28 તારીખે દક્ષિણ ગુજરાતમાં વરસશે ભારેથી અતિભારે વરસાદ. તો સૌરાષ્ટ્રમાં વરસશે ભારે વરસાદ. જ્યારે 29 તારીખે સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યભરમાં વરસશે ધોધમાર વરસાદની આગાહી છે.


દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર સૌરાષ્ટ્રમાં પણ છુટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં હવે માત્ર 10 ટકા જ વરસાદની ઘટ છે.  મહેસાણામાં ભારે વરસાદ બાદ અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.