મોરબી શહેર અને જિલ્લામાં મેઘરાજા મનમૂકીને વરસ્યા છે. મોરબી શહેરમાં ચાર ઈંચ વરસાદ વરસ્યો તો હળવદમાં સાડા ત્રણ ઈંચ, માળિયા મિયાણામાં 3 ઈંચ, ટંકારામાં સવા બે ઈંચ વરસાદ વરસ્યો હતો. શહેરમાં ધોધમાર વરસાદ વરસતા શનાળા રોડ, રવાપર રોડ, રામચોક, દરબારગઢ, નાની બજાર, હોસ્પિટલ ચોક સહિતના વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી.
શહેરના લાયન્સ નગર અને રણછોડનગર વિસ્તારમાં તો ઘરમાં વરસાદી પાણી ભરાયા તો હળવદ તાલુકામાં વરસેલા સાડા ત્રણ ઈંચ વરસાદના પગલે શહેર અને ગામડાના રસ્તાઓ પાણી પાણી થયા. હળવદના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ. જિલ્લાના માળિયા મિયાણામાં પણ મેઘરાજા મનમૂકીને વરસ્યા હતાં. હરીપર-કેરાળી ગામના રસ્તા પર પાણી ફરી વળતા રસ્તો બંધ થઈ ગયો હતો.
હરીપરથી મોરબી જવાનો એકમાત્ર માર્ગ બંધ થતાં રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા હતાં તો માળિયા તાલુકાની ઘોડધ્રોઈ નદી બે કાંઠે વહેતા સુલતાનપુર, ચીખલી, રાપર ગામને સાવચેત રહેવા સૂચના આપવામા આવી છે.
મોરબીમાં વરસેલા ધોધમાર વરસાદથી મચ્છુ 2 ડેમ ઓવરફ્લો થયો છે. મચ્છુ બે ડેમના 12 દરવાજા ચાર ફુટ સુધી ખોલવામાં આવ્યા છે. હાલ મચ્છુ ડેમમાંથી 69 હજાર 616 ક્યુસેક પાણીની આવક અને જાવક થઈ રહી છે.