ગાંધીનગર: હાલ ગુજરાતમાં વરસાદી માહોલ જામેલો છે ત્યારે હવામાન વિભાગ આજે અને કાલે એમ બે દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. વરસાદની આગાહી વચ્ચે આજે સવારે ગુજરાતમાં અનેક જગ્યાએ ધોધમાર વરસાદ વરસ્યો હતો. આજે સવારે 6 વાગ્યાથી 10 વાગ્યાથી ગુજરાતના 83 તાલુકાઓમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ત્યારે સૌરાષ્ટ્રના ધોરાજીમાં આજે ફક્ત એક જ કલાકમાં અઢી ઈંચ વરસાદ ખાબક્યો હતો. આજે સવારે ગુજરાતમાં સૌથી વધુ વરસાદ મહેસાણાના સતલાસણા, દેવભૂમિ દ્વારકાના ભાણવડ અને અરવલ્લીના ભિલોડામાં ખાબક્યો હતો. ભારે વરસાદને કારણે ભિલોડાની હાથમતિ નદી બે કાંઠે ગાંડીતૂર બની હતી.


સૌરાષ્ટ્રના ધોરાજીમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી હતી. ધોરાજીમાં એક કલાકમાં અઢી ઈંચ વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારમાં ગૂંટણસમા પાણી ભરાઈ ગયા હતાં. ધોરાજીના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા જેના કારણે લોકોને મુશ્કેલી પડી હતી. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા તંત્ર એલર્ટ થઈ ગયું છે.

સવારે 6 વાગેથી 8 વાગ્યા સુધી મહેસાણા જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. મહેસાણા જિલ્લામાં સતત ત્રણ દિવસથી અલગ-અલગ જગ્યાએ ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. ત્યારે આજે પણ વહેલી સવારે મહેસાણા જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે જેમાં સતલાસણામાં માત્ર બે કલાકમાં 5 ઈંચ વરસાદ ખાબક્યો છે. જેને કારણે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળ્યું હતું.

દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં પણ ચાર ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદને પગલે રસ્તાઓ, નદી-નાળા અને ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતાં. જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતાં જેના કારણે સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

અરવલ્લી જિલ્લાના ભિલોડામાં આજે સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં ચાર ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદને પગલે ભિલોડાની હાથમતી નદીમાં ઘોડાપૂર આવ્યું હતું જ્યારે બુઢેલી નદીમાં પણ ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી હતી. બંન્ને નદીઓ બે કાંઠે વહેતી થતાં લોકો જોવા ઉમટી પડ્યા હતાં. ભારે વરસાદને પગલે બજારમાં વરસાદી પાણી ભરી વળ્યાં હતાં. જ્યારે જંગલમાં હરીયાળી જોવા મળી હતી.