રાજકોટ: રાજકોટ જિલ્લાના શાપર વેરાવળ નજીક આવેલા કારખાના પાસેથી  ગ્રામ્ય એસઓજીની ટીમે એક ટ્રકમાંથી 11 કિલોથી વધારે ગાંજાના જથ્થો ઝડપી પાડ્યો છે. આ સાથે જ  ટ્રકચાલકની પોલીસે ધરપકડ કરી છે. રાજકોટ  જિલ્લાના ભાયાવદરમાં રહેતા ટ્રક ચાલકે ટ્રકની કેબિનમાં ડ્રાઇવરની સીટના પાછળના ભાગે ગાંજાનો જથ્થો છુપાવ્યો હતો. પોલીસે આરોપી પાસેથી ગાંજાનો જથ્થો,  મોબાઈલ ફોન અને ટ્રક સહિત કુલ રૂપિયા 31, 29,400 રુપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.  આરોપી ગાંજો કોની પાસેથી લાવ્યો હતો અને કોને આપવાનો હતો તેને લઈ પોલીસે તપાસ શરુ કરી છે.  


સમગ્ર અહેવાલ અનુસાર,  રાજકોટ ગ્રામ્ય એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી આ દરમિયાન બાતમી મળી હતી કે, ભાયાવદરમાં રહેતો સલીમ નારેજા નામનો ટ્રક ચાલક પોતાના ટ્રકમાં માદક પર્દાર્થના જથ્થા સાથે હેરફેર કરી રહ્યો છે અને હાલ આ ટ્રક ચાલક શાપર નજીક આવેલા કારખાનામાં ટ્રકમાં ભરેલ માલસામાન ખાલી કરવા માટે આવ્યો છે.પોલીસને મળેલી બાતમીના આધારે અહીં પહોંચી અને ટ્રકની તલાશી લેતા તેમાં ડ્રાઇવર સીટના પાછળના ભાગમાં ગાંજાનો જથ્થો છુપાવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. 


પોલીસે  11 કિલોથી વધારે ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ગાંજાના જથ્થા સાથે ટ્રક ચાલક સલીમ બસીરભાઈ નારેજાને ઝડપી લેવામાં આવ્યો છે. મોબાઈલ ફોન અને ટ્રક સહિત કુલ રૂપિયા 31 લાખથી વધુનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે. ટ્રક ચાલકની  સામે શાપર વેરાવળ પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટની કલમ મુજબ ગુનો નોંધવા તજવીજ હાથ ધરી હતી.  


જેતપુરમાં આંગડિયા પેઢીમાં થયેલી 1 લાખની ચોરીમાં છારા ગેંગના બે શખ્સો ઝડપાયા


રાજકોટ જિલ્લાના જેતપુરમાં આંગડિયા પેઢીમાં થયેલી 1 લાખ રુપિયાની ચોરીના કેસમાં છારા ગેંગના બે શખ્સો ઝડપાયા છે. પોલીસે  તેમની પાસેથી મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. 


અહેવાલ અનુસાર, જેતપુરના જુના પીપળીયા રોડ પર રહેતા અને ઈશ્વર બેચર નામની આંગડીયા પેઢીમાં નોકરી કરનારા હરિભાઈ ગોસાઈ દ્વારા જેતપુર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે તારીખ 4ના રોજ સાંજે તેઓ આંગડીયા પેઢીની દુકાનમાં તાળુ મારી રહ્યા હતા અને રોકડ ભરેલી બેગ બાઈકમાં રાખી હતી. આ દરિયાન બાઈકમાં આવેલા બે અજાણ્યા શખ્સો રોકડ ભરેલી બેગ લઈને નાસી છૂટ્યા હતા. 


ચોરીના આ બનાવને લઈ જેતપુર પોલીસે અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી.  આ દરિયાન ચોરીમાં જેતપુર જૂનાગઢ રોડ પર સુજીત નનજીભાઈ ઈન્દ્રેકર  અને ચેતન ઉર્ફ ચિન્ટુ વિજયભાઈ ધમન્ડે (રહે બંને છારા નગર)  ને ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી એક લાખ અને બાઈક સહિત 1.40 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.