ગાંધીનગર: છેલ્લા ત્રણ-ચાર દિવસથી વરસાદી માહોલ જામ્યો છે ત્યારે છેલ્લા ત્રણ દિવસથી સૌરાષ્ટ્રમાં મનમુકીને વરસાદ વરસી રહ્યો છે. ત્યારે સોમવારે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં સામાન્યથી ભારે વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ વરસાદ જામનગરના કાલાવમાં મૂશળધાર 14 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જેને કારણે નદી અને નાળાઓ છલકાઈ ગયા છે.
સૌરાષ્ટ્રમાં મેઘરાજા છેલ્લા ત્રણ દિવસથી મન મૂકીને વરસી રહ્યા છે. જામનગરના કાલાવડમાં મૂશળધાર 16 ઈંચથી વધુ વરસાદ નોંધાતા નદી અને નાળા છલકાઈ ગયા છે. ગઈ કાલે દ્વારકામાં 11 ઈંચ, કલ્યાણપુરમાં 11 ઈંચ, માણવદરના ફલ્લા-કેશોદમાં 8 ઈંચ, રાજકોટમાં 9 ઈંચ વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદને કારણે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળ્યું હતું.
રાજકોટમા પણ ગઈકાલે આખો દિવસ ક્યાક ઝરમર તો ક્યાંક ધોધમાર વરસાદ પડ્યો હતો જેના કારણે શહેરના અનેક માર્ગો પર પાણી વહેતા જોવા મળ્યા હતાં. રસ્તાઓ પર પાણી ભરાતાં ગાડીઓ ડુબી ગઈ હતી. રાજકોટ જિલ્લામાં પડધરી ખાતે ધોધમાર સાત ઈંચ, લોધિકામાં ત્રણ અને જામકંડોરણા બે ઈંચ, જસદણ, કોટડાસાંગાણી ખાતે એક-એક ઈંચ, ઉપલેટા, જેતપુર, ધોરાજીમાં અડધો ઈંચ તથા ગોંડલમાં અઢી ઈંચ નોંધાયો છે.
જામનગરમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ નોંધાયો છે. લાલપુર પંથકમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે અને રાત્રે 10 વાગ્યાથી સવાર છ વાગ્યા સુધીમાં 5 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જેના કારણે સ્થાનિક નદીઓમાં પાણીની આવક થઈ છે.
જામનગર શહેરમાં સાડા ત્રણ ઈંચ વરસાદથી ઠેકઠેકાણે પાણીનો ભરાવો થયો હતો. જ્યારે જિલ્લામાં જોડિયામાં અઢી અને જામંજોધપુર બે ઈંચ, લાલપુર ત્રણ, ધ્રોલ પાંચ ઈંચ, કાલાવડના નિકાવા ગામે 24 કલાકમાં 7 ઈંચ વરસાદ નોંધાયો હતો.
કાલાવડ નગરમાં તો સામટો બાર ઈંચ વરસાદ ખાબકી ગયો હતો. બપોરે વરસાદનું જોર વધ્યું હતું અને ચાર ઈંચથી વધુ પાણી વરસી ગયું હતું. નિકાવા આસપાસના બંડીયા, રાજડા આણંદપર સહિત ગામોમાં સારો વરસાદ થયો છે. ધ્રોલની બાવની નદીમાં પૂર આવ્યું હતું. જામનગર નજીકનાં ફલ્લામાં મૂશળધાર આઠ ઈંચ વરસી ગયો હતો.
દ્વારકામાં સોમવાર સવારથી ઝરમર વરસાદ ચાલુ થયા બાદ ગત રાત્રીનાં 8 વાગ્યા બાદ ગાજવીજ અને ભારે પવન સાથે મુશળધાર વરસાદ તૂટી પડ્યો હતો. રાત્રીનાં બે વાગ્યા સુધીમાં 6 કલાકમાં 11 ઈંચ પાણી વરસી જતાં ઠેરઠેર પાણી ભરાઈ ગયા હતાં. રવિવારે રાતે 10થી સોમવારે સાંજે 6 સુધીમાં ખંભાળિયામાં વધુ સાડા ચાર ઈંચ, ભાણવડમાં પાંચ ઈંચ, કલ્યાણપુરમાં સવા આઠ ઈંચ વરસાદ થઈ ગયો હતો.
જૂનાગઢ શહેરમાં ઝાપટાં ચાલુ રહ્યાં હતાં તો માણાવદરમાં સાડા ચાર ઈંચ સહિત 24 કલાકમાં 8 ઈંચ તથા ગ્રામ્ય પંથકમાં પણ 8થી 12 ઈંચ વરસાદને પગલે ડેમના દરવાજા ખોલવા પડ્યા હતા જેના કારણે છ ગામ વિખૂટાં પડી ગયા હતાં તો બૂરી જીલાણા માર્ગ બંધ થઈ ગયો હતો.
વંથલી અને માળિયા (હા) ખાતે અઢી - ત્રણ, માંગરોળમાં 3, વિસાવદર અને મેંદરડામાં સાડા ચાર ઈંચ તથા કેશોદમાં તો સાત ઈંચ વરસી ગયો છે. ગીર સોમનાથના જિલ્લા મથક વેરાવળમાં એક ઈંચ, તાલાલા - સુત્રાપાડામાં અડધો - પોણો ઈંચ, કોડીનાર એક ઈંચ તથા ગીરગઢડામાં મૂશળધાર અઢી ઈંચ વરસી જતાં ખેડૂતોમાં ખુશીની લહેર ફરી વળી છે.
ડોળાસામાં સતત ચોથા દિવસે બે ઈંચ વરસાદ પડયો છે. ઉના શહેર અને ગ્રામ્યમાં 24 કલાકમાં ચાર ઈંચ જેવો વરસાદ થયો, જે દરમિયાન સૈયદ રાજપરામાં દરિયાની રક્ષક દીવાલમાં ગાબડું પડયું હતું,તો બે માળનાં એક મકાનની દીવાલ તૂટી પડતાં ઘરવખરી તણાઈ ગઈ હતી. લોઢવામાં 48 કલાકમાં 7 ઈંચ વરસાદ થયો છે.
સૌરાષ્ટ્રમાં મેઘો: કાલાવડમાં મૂશળધાર 14 ઈંચ વરસાદથી જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી, બીજા કયા વિસ્તારમાં કેટલો વરસાદ નોંધાયો?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
07 Jul 2020 08:11 AM (IST)
છેલ્લા ત્રણ-ચાર દિવસથી વરસાદી માહોલ જામ્યો છે ત્યારે છેલ્લા ત્રણ દિવસથી સૌરાષ્ટ્રમાં મનમુકીને વરસાદ વરસી રહ્યો છે. ત્યારે સોમવારે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં સામાન્યથી ભારે વરસાદ નોંધાયો
- - - - - - - - - Advertisement - - - - - - - - -