ગોંડલઃ ગઈ કાલે આશાપુરા રોડ ઉપર રહેતી અને દોઢ માસ પહેલા જ સગાઈના બંધને બંધાયેલી 17 વર્ષીય સગીરાએ આશાપુરા ડેમમાં ઝંપલાવી આત્મહત્યા કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ છે. સગીરાની આત્મહત્યાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. સગીરાએ ફોન પર વાત કરતાં કરતાં ડેમમાં ઝંપલાવી દીધું હતું. સગીરાની લાશ ડેમમાંથી કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવી છે. સિટી પોલીસે સગીરાએ કેમ આપઘાત કર્યો અને ફોન પર કોની સાથે વાત કરતી હતી, તે અંગે તપાસ હાથ ધરી છે.

આ અંગેની વિગતો એવી છે કે, ગઈ કાલે બોપરના સમયે આશાપુરા રોડ પર રહેતી પૂજા રમેશભાઈ ડાભી (ઉ.વ. 17)આશાપુરા ચેકડેમ પાસે મોબાઈલ ફોન વાત કરી રહી હતી. તેમજ વાત કરતાં કરતાં અચાનક જ તેણે ડેમમાં ઝંપલાવી દીધું હતું. સગીરાએ ડેમમાં ઝંપલાવતા બુમાબુમ મચી જતા પાલિકાના કર્મચારીઓ અને પોલીસે દોડી જઇ સગીરાના મૃતદેહને બહાર કાઢી કાર્યવાહી હાથ ધરી હતી.

ઘટના અંગે સીટી પોલીસેતપાસ હાથ ધરી હતી અને ફોન પર તેણે કોની સાથે વાત વાત કરી હતી અને તે શું વાતચીત કરી રહી હતી, એ તમામ વિગતો મેળવવા તજવીજ હાથ ધરી છે.પાલિકા તંત્ર દ્વારા આશાપુરા ડેમ ખાતે ફિટ કરાયેલા સીસીટીવી કેમેરામાં સગીરાની આત્મહત્યાની ઘટના કેદ થઈ ગઈ છે.

સીસીટીવીમાં દેખાય છે કે, સગીરા આત્મહત્યા પહેલા મોબાઈલ પર કોઈ સાથે વાત કરી રહી હતી. આ પછી અચાનક પાળી પર બેસી પાણીમાં કુદીને આપઘાત કરી લીધો હતો. સગીરાની દોઢ માસ પહેલાં જ પાડોશમાં રહેતા યુવાન સાથે સગાઈ થઈ હતી.