રાજકોટ: રાજકોટ જિલ્લાના ધોરાજીમાં બે કારમાં આગ લાગવાની ઘટના બની છે. ધોરાજી શહેરમાં  અકસ્માતે બે કારમાં  અચાનક ભીષણ આગ લાગી હતી.  આગની ઘટના અંગે જાણ થતાં તુરંત નગરપાલિકાની ફાયર ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી.  ધોરાજી શહેરના જમનાવડ રોડ પર આવેલા લેઉઆ પટેલ સમાજ પાસે  આ ઘટના બની હતી.



આગની ઘટના બનતા અફરાતફરી મચી ગઈ હતી. આગ લાગી તે સ્થળે  લોકોના ટોળા એકઠા થયા હતા.  લગ્ન પ્રસંગે ફોડવામાં આવેલ ફટાકડાના તણખા ઉડતા આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન સામે આવ્યું છે.  એક ઈનોવા અને એક વેગનઆર કારમાં આગ લાગી હતી. બંને કારમાં ખૂબ જ મોટું નુકશાન થયું છે.  આગની ઘટના બાદ ફાયર ટીમે તુરંત ઘટના સ્થળ પણ પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી,  જો કે બંને કારમાં ભારે  નુકસાન થયું છે. આગ લાગવા અંગે હાલ તો કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી. આ આગની ઘટનામાં બંને કારના આગળના ભાગ બળી ગયા છે.  


રાજકોટ શહેરના અલગ-અલગ ત્રણ વોર્ડમાં પાણી કાપ


રાજકોટના શહેરીજનોને ફરી એક વાર પાણી કાપ સહન કરવાનો આવરો આવ્યો છે. રાજકોટ શહેરના અલગ-અલગ ત્રણ વોર્ડમાં આવતીકાલે એટલે કે 15 એપ્રિલે પાણી  વિતરણ નહિ થાય.નાના મવા સર્કલ પાસે નવા બનતા બ્રિજના કારણે પાઈપલાઈન જોડાણને કારણે ત્રણ વોર્ડમાં અમુક ભાગમાં માં પાણીકાપ મુકવામાં આવ્યો છે. રાજકોટ શહેરના વોર્ડ નંબર 8, 10 અને 11ના મોટાભાગના વિસ્તારોમાં આવતીકાલે પાણી વિતરણ નહીં થાય. શહેરના પુનિતનગર, ચંદ્રેશનગર સહિતના વિસ્તારોની  100થી વધારે સોસાયટીઓમાં આવતીકાલે પાણી વિતરણ નહી થાય.


ગત મહિને 6 વોર્ડમાં પાણી કાપ મુકાયો હતો 
ગત માહીએં રાજકોટ શહેરના 6 વોર્ડમાં પાણી કાપ મુકવામાં આવ્યો હતો, જેના કારણે અંદાજે 70 થી વધુ સોસાયટીઓમાં પાણી વિતરણને અસર થઇ હતી. ગત 20 માર્ચે શહેરમાં 711 mmની સપ્લાય લાઈન શિફ્ટ કરવાનું કામ કરવામાં આવ્યું હતું. આ કામગીરીને કારણે વોર્ડ 2,3,7, 8, 10 અને 11માં પાણી કાપ મુકવામાં આવ્યો હતો. જો કે કામગીરી પૂર્ણ થયા બાદ તમામ વોર્ડમાં પાણી પુરવઠો યથાવત કરવામાં આવ્યો હતો.