Gujarat Rain: રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. સવારથી લઈને અત્યાર સુધીમાં એકથી દોઢ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. હજી પણ રાત સુધીમાં ભારે વરસાદ પડે તેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે. તો બીજી તરફ જિલ્લામાં સૌથી વધુ ગોંડલ તાલુકામાં ત્રણ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. ગોંડલ તાલુકાના અનેક ગામડાઓમાં ધોધમાર વરસાદ પડ્યો છે. તો ગોંડલ શહેરના અલગ અલગ વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે. લોકોને અવર જવર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.




ગોંડલમાં ધોધમાર 3 ઈચ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદથી શહેરના રસ્તા પાણી પાણી થયા છે. અંડર પાસમાં કેડ સમાં પાણી ભરાયા છે. પાણી ભરાયેલ અંડરપાસમાં કાર ફસાઈ છે. આ ઉપરાંત ગોંડલમાં મકાનની દિવાલ પડતા કાર દબાઈ છે.  ગોંડલના અલગ અલગ પુલોમાં ત્રણથી ચાર ફૂટ સુધી પાણી ભરાયા છે.


ગોંડલ તાલુકાના કોલીથડ, બિલિયાળા, ભુણાવા, ભરૂડી, શાપર વેરાવળ, સડકપીપળીયા સહિતના વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. પંથકમાં પવન સાથે ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ગોંડલ રાજકોટ નેશનલ હાઇવે પર ભારે વરસાદના કારણે વિઝીબિલિટી ઘટી છે. ધોધમાર વરસાદના પગલે હાઇવે પર વાહન ચાલકો લાઈટ ચાલુ કરી વાહન ચલાવવા મજબુર બન્યા છે. 


 



ગોંડલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. સુલતાનપુર દેવચડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. ભારે વરસાદના કારણે દેવચડી ગામના મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાયા છે. યુવાનોએ પણ વરસાદમાં ન્હાવાની મજા માણી હતી.


 



તો બીજી તરફ રાજકોટના જેતપુરમાં ભારે વરસાદ પડી રહ્યો છે. છેલ્લા એક કલાક થયા ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ધોધમાર વરસાદને લઈ શહેરના ત્રાકુડી પરામાં રોડ ઉપર પાણી ભરાયા છે. રોડ ઉપર પાણી ભરાતા લોકોની દુકાનો સુધી પહોંચ્યા છે. રવિવાર હોઈ દુકાનો બંધ હોઈ દુકાનોના સટર અંદર પાણી ઘુસી ગયા છે. જેતપુરના વડલી ચોક, લાદી રોડ, એમજી રોડ, કણકિયા પ્લોટ હોસ્પિટલ વિસ્તાર સહિત વિસ્તારોમાં પાણી ભરાયા છે. પ્રિ મોન્સૂન કામગીરી માત્ર કાગળ ઉપર થઇ હોઈ તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.


Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial