રાજકોટ: રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી તાલુકાના સાંઢવાયા ગામે એક કરુણ ઘટના સામે આવી છે, જ્યાં ફૂડ પોઈઝનિંગના કારણે 30 કરતા વધારે ગાયોના મૃત્યુ થયા છે. ગામમાં આવેલી ગૌશાળામાં ગઈકાલે અચાનક ગાયોના મૃત્યુ થતાં હાહાકાર મચી ગયો હતો.
જિલ્લાના અધિકારીઓ સાંઢવાયા ગામે દોડી ગયા
આ ઘટનાની જાણ થતાં જ જિલ્લાના અધિકારીઓ સાંઢવાયા ગામે દોડી ગયા હતા. જિલ્લાના પશુ અધિકારીઓ ઉપરાંત ડીડીઓ (જિલ્લા વિકાસ અધિકારી) સહિતના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા. તેમણે આસપાસના આગેવાનો ઉપરાંત સ્થાનિક આગેવાનો પાસેથી સમગ્ર ઘટના અંગે વિગતવાર માહિતી મેળવી રહ્યા છે.
વર્ષોથી કાર્યરત છે આ ગૌશાળા
ઉલ્લેખનીય છે કે, આ ગૌશાળા ગામના લોકો દ્વારા ગૌ સેવા ટ્રસ્ટના નામે વર્ષોથી ચલાવવામાં આવે છે. વહીવટી તંત્ર દ્વારા ગાયોના મૃત્યુના ચોક્કસ કારણો જાણવા અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ ઘટનાની જાણ થતા મોટી સંખ્યામાં લોકો ગૌશાળા ખાતે દોડી આવ્યા હતા. જો કે, ગાયોને ફૂડ પોઈઝનિંગ શું ખાધા બાદ થયું હતું તે સામે આવ્યું નથી. આ અંગે અધિકારીઓ દ્વારા જીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. આ ઘટનાનું સત્ય તપાસ બાદ જ સામે આવશે. અચાનક 30 ગાયોના મોતથી ગૌપ્રેમીઓમાં દુખની લાગણી છવાઈ છે.
તો બીજી તરફ અન્ય એક ઘટના આંગે વાત કરીએ તો, વાઘોડિયા તાલુકાના નિમેટાથી ચંપાલીયાપુરા રોડ પર એક અકસ્માતમાં યુવકનું મોત થયું છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર રાત્રે ગાયના કારણે અકસ્માત સર્જાયો હતો જેંમાં એક યુવાને પોતાનો જીવ ગુમાવ્યો છે, જ્યારે અન્ય એક યુવક ઘાયલ થયો છે.
આ ઘટના અંગે વિગતે વાત કરીએ તો, નિમેટા ગામના રહીસ નિલેશ કુબેરભાઈ સોનારા જેઓ એસઆરપીમાં ફરજ બજાવતા હતા, તેઓ તેમના મિત્ર સાથે નાસ્તો લેવા બાઈક પર નીકળ્યા હતા. આ દરમિયાન રાત્રે લગભગ પોણા દસ વાગ્યાની આસપાસ, બંને મિત્રો ઘનશ્યાપુરાથી ચંપાલીયાપુરા તરફ જતા હતા ત્યારે બંગલી નજીક રોડ પર અચાનક એક ગાય રસ્તા વચ્ચે આવી ચઢી હતી. પશુ સાથે ટક્કર ન થાય તે માટે બાઈક ચલાવી રહેલા નિલેશભાઈએ તાત્કાલિક બ્રેક લગાવી હતી.
જોકે, અચાનક બ્રેક વાગવાથી બાઈક થોડી નિયંત્રણ બહાર જતી રહી અને પાછળથી પુરપાટ ઝડપે આવી રહેલા અન્ય વાહન ચાલકે બાઈકે જોરદાર ટક્કર મારી દીધી. આ ટક્કર એટલી જોરદાર હતી કે બાઈક પાછળ બેઠેલા યુવકને ગંભીર ઈજા પહોંચી. જેને તાત્કાલિક હોસ્પિટલે ખસેડવામાં આવ્યા પરંતુ તેમનો જીવ બચાવી શકાયો નહીં.