કોરોનાને કારણે અમદાવાદ, સુરત બાદ રાજકોટમાં સ્થિતિ બગડતી હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજકોટમાં 31 દર્દીઓના મોત નિપજ્યાં છે. જેમાં 24 રાજકોટ શહેરના, 4 ગ્રામ્યના અને 3 અન્ય દર્દીઓનો સમાવેશ થાય છે. કોવિડ મૃત્યુ અંગેનો નિર્ણય ડેથ ઓડિટ કમિટી લેશે.
નોંધનીય છે કે, હાલ રાજકોટમાં 1444 દર્દીઓ સારવાર હેઠળ છે. હાલ રાજકોટમાં રોજ પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. કોરોનાના કેસોમાં સતત વધારો થતાં દાણાપીઠના વેપારીઓએ અડધો દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યું છે. જે આજથી સવારે 8થી 3 વાગ્યા સુધી જ દુકાન ખુલ્લી રહેશે. બપોર બાદ તમામ દુકાનો બંધ રહેશે. પરિસ્થિતિ કાબૂમાં આવી જશે તો 20 સપ્ટેમ્બરથી દુકાન શરૂ કરી દેવાશે.
રવિવારે સુરત કોર્પોરેશનમાં 175, અમદાવાદ કોર્પોરેશનમાં 151, સુરત 106, જામનગર કોર્પોરેશનમાં 99, રાજકોટ કોર્પોરેશનમાં 99, વડોદરા કોર્પોરેશનમાં 85, રાજકોટમાં 52, ભાવનગર કોર્પોરેશનમાં 39, વડોદરા-39, મહેસાણા-32, ભાવનગર-30, પંચમહાલ-30, ગાંધીનગર-29, કચ્છ-28, અમરેલી-25, અમદાવાદ-21, ભરુચ-21 અને જામનગર-21 કેસ નોંધાયા હતા.