રાજકોટઃ ગુજરાતમાં હાલ કોરોના મહામારી ચાલી રહી છે. તેમજ રાજ્યમાં દૈનિક કેસો 1300ને પાર થઈ ગયા છે. ત્યારે રાજકોટ કોરોનાનું એપી સેન્ટર બન્યું છે અને રાજકોટ શહેરમાં જ દૈનિક કેસો 100ની આસપાસ આવી રહ્યા છે. તેમજ કોરોનાની સારવાર દરમિયાન દરરોજ 20થી 25 લોકો મોતને ભેટી રહ્યા છે. ત્યારે પાટીદાર આંદોલનમાં સક્રીય ભૂમિકા ભજવનાર અને એનસીપીના મહિલા નેતા રેશ્મા પટેલની પોલીસે અટકાયત કરી છે.


રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે કોવિડ 19ના દર્દીઓના સ્વજનોને મળવા માટે રેશ્મા પટેલ આવ્યા હતા. જોકે, હોસ્પિટલમાં પ્રવેશે તે પહેલા પોલીસે તેમની અટકાયત કરી લીધી હતી. નોંધનીય છે કે, પાટીદાર આંદોલન દરમિયાન રેશ્મા પટેલ ભાજપમાં જોડાયા હતા. જોકે, આ પછી તેમણે ભાજપ સાથે છેડા ફાડી નાંખ્યો હતો. તેમજ તેઓ એનસીપીમાં જોડાયા હતા.

રેશ્મા પટેલે જણાવ્યું હતું કે, તે એનસીપીના કાર્યકરો સાથે રાજકોટ સિવિલ હોસ્પિટલ જઈ રહી છે. તેમના દ્વારા પોલીસ દ્વારા પીછો કરાતો હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો. તેમને સોશિયલ મીડિયા ફેસબૂક લાઈવ દ્વારા આ માહિતી આપી હતી. જોકે, તે સિવિલ હોસ્પિટલ પહોંચે તે પહેલા જ પોલીસે અટકાયત કરી લીધી હતી. રેશ્મા પટેલે એનસીપીના કાર્યકરોને નજરકેદ કરાયા હોવાનો આક્ષેપ પણ લાગ્વોય હતો.