Rajkot Game Zone Fire: રાજકોટ આગ દુર્ઘટના મામલે ગુજરાત સરકારે સહાયની જાહેરાત કરી છે. ટીઆરપી આગકાંડ મામલે સીએમ ભૂપેન્દ્ર પટેલે દુખ વ્યક્ત કર્યું છે અને સહાયની જાહેરાત કરી છે. સીએમએ સોશિયસ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરતા લખ્યું,


 






રાજકોટમાં આગની દુર્ઘટના હૃદય કંપાવનારી છે. આ ઘટનામાં જીવ ગુમાવનાર વ્યક્તિઓ અને તેમના પરિવારજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. ઈજાગ્રસ્તો સત્વરે સાજા થાય તેવી ઈશ્વરને પ્રાર્થના કરું છું.


રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનોને રૂપિયા ૪ લાખ અને ઈજાગ્રસ્તોને રૂપિયા ૫૦ હજારની સહાય કરશે.


આવી ઘટના ફરી ન સર્જાય તે સુનિશ્ચિત કરવું ખૂબ જરૂરી છે. આ ઘટનામાં કોઈપણ પ્રકારની લાપરવાહીને સાંખી લેવામાં આવશે નહીં. આ અંગે સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ની રચના કરીને સમગ્ર ઘટનાની તપાસ સોંપવામાં આવી છે.


સીએમ ભૂપેન્દ્ર પટેલે સાથે પીએમએ વાત કરી


 






સીએમએ લખ્યું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ રાજકોટમાં સર્જાયેલી આગની ઘટના સંદર્ભમાં મારી સાથે ટેલીફોનીક વાતચીત કરીને ઘટનાની વિગતો જાણી હતી અને આ અંગે દુ:ખની લાગણી વ્યક્ત કરી હતી. તેઓએ આ દુઘર્ટનાની સંપૂર્ણ તપાસ કરીને કસૂરવાર લોકો સામે કડક કાર્યવાહી હાથ ધરવા માટે પણ દિશાનિર્દેશ આપ્યા છે.


પોલીસે 4 લોકોની અટકાયત કરી


રાજકોટ અગ્નિકાંડ મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. અત્યાર સુધી 24 લોકોના મોત થયા છે. આ મામલે પોલીસે 4 લોકોની અટકાયત કરી છે. રાજકોટ પોલીસે ટીઆરપી ગેમ ઝોનના 4 લોકોની અટકાયત કરી છે. હજુ પણ ગેમઝોન અગ્નિકાંડમાં મૃત્યુઆંક વધી શકે છે. જે લોકોની અટકાયત કરવામાં આવી છે તેમાં યુવરાજસિંહ સોલંકી, પ્રકાશ જૈન, રાહુલ રાઠોડ, મહેંદ્રસિંહ સોલંકીનો સમાવેશ થાય છે.