રાજકોટ: રાજકોટ શહેરના સયાજી હોટલ પાછળ TRP ગેમ ઝોનમાં લાગેલી ભયાનક આગમાં 24 લોકોના મોત થયા છે. મૃતકોમાં મોટાભાગના બાળકો છે. મૃતદેહો પુરેપુરા ભડથું થઇ ગયા છે.

  આગ  એટલી ભીષણ છે કે, તેને કાબુમાં લેવા મોટી સંખ્યામાં ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે મોકલવામાં આવ્યા છે. આ ઉપરાંત ઘાયલોને સારવાર માટે લઈ જવા 15થી વધુ એમ્બ્યુલન્સ સ્થળે તૈનાત કરાઈ છે. ફાયર સેફ્ટીના સાધનોમાં ખામી હોવાનું પ્રાથમિક તારણ જણાઈ રહ્યું છે. આગ સંપૂર્ણ કાબૂમાં આવ્યા બાદ જ મૃત્યુઆંકની સાચી જાણકારી સામે આવશે.


તમને જણાવી દઈએ કે, નાના મોવા વિસ્તારમાં TRP ગેમઝોનમાં આગની ઘટનાથી અરેરાટી મચી ગઈ છે. ઘટનાની ગંભીરતા જોઈને, પોલીસ કમિશ્નર અને કલેક્ટર પણ ઘટનાસ્થળે હાજર છે. ગેમઝોનનો મોટાભાગનો ભાગ બળીને ખાક થઈ ગયો છે. ત્રણ માળના ગેમઝોનમાં કેટલા લોકો ફસાયા છે તે કહેવુ મુશ્કેલ છે. હાલમાં ભીડ ન કરવાની પોલીસે અપીલ કરી છે. આગના સમયે 5 કિમી દૂર સુધી ધૂમાડા દેખાયા હતા.


સિવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સની લાઈનો લાગી



રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 24 મૃતદેહ પહોંચ્યા છે. મૃતકોમાં મોટાભાગના બાળકો છે. રાજકોટમાં TRP ગેમઝોનમાં ભયંકર આગ લાગવાની ઘટનાને સમગ્ર શહેરને હચમચાવી નાખ્યું છે. સિવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સની લાઈનો લાગી છે.   


તમામ ગેમઝોન બંધ રાખવા આદેશ 



રાજકોટમાં આગકાંડમાં 24 લોકોના મોત થયા હતા. નાના મૌવામાં TRP ગેમઝોનમાંથી 24ના મૃતદેહ બહાર કઢાયા હતા. હજુ પણ મૃત્યુઆંક વધવાની આશંકા છે. આગકાંડ બાદ ગેમઝોનનો માલિક ભૂગર્ભમાં ઉતરી ગયો છે. ઘટના બાદ રાજકોટમાં તમામ ગેમઝોન બંધ રાખવાના આદેશ કરાયા હતા.


ગેમઝોન માલિકોના નામ આવ્યા સામે



રાજકોટ ગેમ ઝોનના માલિકોની ઓળખ થઇ છે.  યુવરાજસિંહ સોલંકી, માનવિજયસિંહ સોલંકી, પ્રકાશ જૈન અને રાહુલ રાઠોડ ગેમઝોનના માલિક છે. ગેમઝોનનો માલિક યુવરાજસિંહ ફરાર થઇ ગયો છે.


DNA ટેસ્ટ બાદ મૃતદેહોની ઓળખ કરવામાં આવશે



રાજકોટ ગેમ ઝોનમાં અગ્નિકાંડમાં અત્યાર સુધી 24 મૃતદેહો સિવિલ હોસ્પિટલમાં લવાયા હતા. એક કલાકમાં 24 મૃતદેહ રાજકોટ સિવિલમાં લવાયા હતા. મૃતદેહો એટલી હદે સળગ્યા કે ઓળખવા પણ મુશ્કેલ બન્યા હતા. DNA ટેસ્ટ બાદ મૃતદેહોની ઓળખ કરવામાં આવશે.


ગેમઝોનના માલિકોએ ફાયર NOC લીધું નથી



રાજકોટ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને મોટો ખુલાસો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ગેમઝોનના માલિકોએ ફાયર NOC લીધું નથી. ગેમઝોન ફાયરની NOC વગર ચાલતું હતું.