રાજકોટ: રાજ્યમાં હાર્ટએટેકથી સતત મોત થઈ રહ્યા છે. ત્યારે રાજકોટમાં વધુ ચાર લોકો હૃદયના ધબકારા ચૂકી ગયા છે. હાર્ટ એટેકના કારણે રાજકોટમાં ચાર લોકોના મોત થયા છે. હાર્ટએટેકથી મોત બાદ  તેમના પરિવારજનોમાં ગમગીની વ્‍યાપી ગઇ હતી. રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી નાની ઉંમરે લોકોને હાર્ટ એટેક આવી રહ્યા છે. જેથી હાલ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. 
 
ભીચરીમાં આવેલી એચ એન શુક્‍લા કોલેજના ક્‍વાર્ટરમાં રહેતાં અને ત્‍યાં જ ડ્રાઇવર તરીકે નોકરી કરતાં જીવાભાઇ લઘરાભાઇ લેલા (ઉ.વ.49) સવારે પાંચેક વાગ્‍યે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત જાહેર કરાતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. મૃત્‍યુ પામનાર જીવાભાઇ ત્રણ ભાઇ અને એક બહેનમાં મોટા હતાં. સંતાનમાં એક પુત્રી અને બે પુત્ર છે. પુત્ર સાગરે જણાવ્‍યું હતું કે રાત્રે તેમને થોડુ થોડુ છાતીમાં દુઃખતું હતું તેઓ દવા લઇ સુઇ ગયા બાદ સવારે એકાએક બેભાન થઇ ગયા હતાં. હાર્ટએટેક આવતા તેમનું મૃત્‍યુ થયું હતુ.


બીજા બનાવમાં જામનગર સ્‍વસ્‍તીક સોસાયટીમાં સત્‍સસાંઇ સ્‍કૂલ સામે સિધ્‍ધાર્થ એપાર્ટમેન્‍ટમાં રહેતાં નીરૂબેન બીપીનભાઇ વારીયા (ઉ.વ.63) ગત રાત્રે ડો. યાજ્ઞિક રોડ સર્વેશ્વર ચોક રાજકોટમાં તેમના ભાઇ હરેશભાઇ મહેતાના ઘરે શ્રધ્‍ધા એપાર્ટમેન્‍ટ ખાતે હતાં ત્‍યારે બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્‍યુ નિપજ્‍યું હતું. હાર્ટએટેક આવી ગયાનું તબિબે જાહેર કર્યુ હતું. મૃત્‍યુ પામનારના પતિ બીપીનભાઇને આજે રાજકોટમાં દાંતનું ઓપરેશન કરવાનું હોઇ તેમની સાથે અહિ આવ્‍યા હતાં અને આ બનાવ બની ગયો હતો. 


ત્રીજા બનાવમાં મવડી જસરાજનગર બાપા સિતારામ ચોક શેરી નં. 3માં રહેતાં કિરણબેન કિશોરભાઇ અઘેરા (ઉ.વ.49) બેભાન થઇ જતાં મોત થયું હતુ. હાર્ટએટેક આવી ગયાનું જણાવાયું હતું. તેમને સંતાનમાં એક પુત્ર છે. બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો. 


ચોથા બનાવમાં જંગલેશ્વર ભવાની ચોક આવાસ યોજના ક્‍વાર્ટરમાં રહેતાં ધીરૂબેન પ્રફુલભાઇ વાડોલીયા (ઉ.વ.45 ) સવારે બાથરૂમમાં બેભાન થઇ ઢળી પડયા હતાં. લાંબો સમય સુધી બહાર ન આવતાં દરવાજો તોડીને જોતાં બનાવની ખબર પડી હતી. તેમને 108ના તબિબે મૃત જાહેર કરતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો. ભક્‍તિનગર પોલીસે કાર્યવાહી કરી હતી.  


Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial