Rajkot Onion Price: રાજકોટ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની જંગી આવત થતા ભાવ તળિયે આવી ગયા છે. યાર્ડમાં ડુંગળીની 1.50 લાખ કટ્ટાની આવક નોંધાઈ હતી. યાર્ડમાં ડુંગળીની આવક થાય તે પહેલા યાર્ડ બહાર બંને બાજુ વાહનોની 3 થી 4 કિલોમીટર લાંબી કતારો જોવા મળી હતી. ડુંગળીની નિકાસબંધી અને આવક વધુ થતા હરાજીમાં ડુંગળીના ભાવમાં કડાકો બોલી જવા પામ્યો છે. હરાજીમાં ડુંગળીના 20 કિલોના ભાવમાં રૂપિયા 200નો ઘટાડો જોવા મળ્યો છે. હરાજીમાં ડુંગળીના 20 કિલોના ભાવ રૂપિયા 100/- થી લઈને 300/- સુધીના બોલાયા છે. ડુંગળીના ગગડતા ભાવે જગતાતને રાતા પાણીએ રડાવ્યા છે.
કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીની નિકાસ પર પ્રતિબંધના કારણે તેની જથ્થાબંધ કિંમતો સતત ઘટી રહી છે. જેના કારણે છૂટક બજારમાં પણ ડુંગળીના ભાવમાં ઘટાડો થયો છે. મહારાષ્ટ્રની લાસલગાંવ એગ્રીકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટી (APMC)માં ગુરુવારે સતત ત્રીજા દિવસે ડુંગળીના સરેરાશ જથ્થાબંધ ભાવમાં ઘટાડો નોંધાયો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે ગુરુવારે આ બજારમાં ડુંગળીના જથ્થાબંધ ભાવમાં લગભગ 10 ટકાનો ઘટાડો નોંધાયો હતો. વેપારીઓનું કહેવું છે કે આગામી દિવસોમાં ડુંગળીના ભાવમાં વધુ ઘટાડો થઈ શકે છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર સોમવારે જે ડુંગળી 2100 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે વેચાઈ રહી હતી તે ગુરુવારે ઘટીને 1900 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થઈ ગઈ હતી. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે ડુંગળીના ભાવમાં ઘટાડાનો આ ટ્રેન્ડ આગળ પણ ચાલુ રહી શકે છે. જેના કારણે ડુંગળી ઉત્પાદક ખેડૂતોને યોગ્ય નફો મળી રહ્યો નથી. જ્યારે સામાન્ય જનતાને મોંઘવારીમાંથી ઘણી હદે રાહત મળી છે. તેમનું બગડેલું રસોડું બજેટ હવે ધીમે ધીમે પાટા પર આવી રહ્યું છે.
કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ લાદ્યા બાદ 7 ડિસેમ્બરથી ઘટાડો શરૂ થયો હતો. 6 ડિસેમ્બરે ડુંગળીનો સરેરાશ જથ્થાબંધ ભાવ 3900 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ નોંધાયો હતો. હવે છેલ્લા 15 દિવસમાં કિંમતમાં લગભગ 50 ટકાનો ઘટાડો થયો છે. APMCના એક અધિકારીએ જણાવ્યું કે નિકાસ પર પ્રતિબંધના કારણે ડુંગળીની માંગમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.
એક અધિકારીએ જણાવ્યું કે નિકાસ પર પ્રતિબંધના કારણે મંડીઓમાં ડુંગળીની આવક પણ વધી છે. લાસલગાંવમાં તાજી ખરીફ ડુંગળીની આવક વધીને 15,000 ક્વિન્ટલ પ્રતિદિન થઈ ગઈ છે. પરંતુ તે હજુ પણ માંગ કરતા ઓછું છે. તેના કારણે ડુંગળીના સરેરાશ જથ્થાબંધ ભાવમાં ઘટાડો થયો છે. ગુરુવારે લાસલગાંવમાં ડુંગળીના લઘુત્તમ અને મહત્તમ જથ્થાબંધ ભાવ અનુક્રમે 800 રૂપિયા અને 2,100 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ નોંધાયા હતા. દરમિયાન નિકાસ પર પ્રતિબંધના નિર્ણયને લઈને ખેડૂતોએ નિરાશા વ્યક્ત કરી છે. એક ખેડૂતે કહ્યું કે ડુંગળીના જથ્થાબંધ ભાવમાં વધારો થવાને કારણે અમને બમ્પર નફાની અપેક્ષા હતી. પરંતુ હવે લાગે છે કે અમારે નુકસાન સહન કરવું પડશે.