રાજકોટ: રાજકોટ ભાવનગર હાઇવે પર ત્રંબા ગામ નજીક ગણેશ વિસર્જન કરવા આવેલા ત્રિવેણી નદીમાં 4 લોકો ડૂબ્યા હતા. જેમાં ગામ લોકો દ્વારા તેમને બચાવવામાં આવ્યા હતા. ત્રણ લોકોને હેમખેમ બહાર કાઢવામાં આવ્યા છે. ગામના તરવૈયા યુવાનો દ્વારા ત્રણ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. એકની હાલત ગંભીર હોવાથી તેને 108માં સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો. તેનુ સારવાર દરમિયાન મોત થયું છે. મામલતદાર સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. ઘટનાસ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.
રાજકોટમાં 8 સ્થળો પર વિસર્જન
રાજકોટમાં આઠ સ્થળો પર 5 હજારથી વધુ ગણેશ મૂર્તિનું આજે વિસર્જન કરવામાં આવ્યું છે. લોકોને તેમના હાથે વિસર્જન નહીં કરવા દેવાય, ફાયર સ્ટાફને મૂર્તિ સોંપી દેવાની રહેશે. અકસ્માત અટકાવવા રેસ્ક્યૂ બોટ-એમ્બ્યુલન્સ રાખવામાં આવી હતી.
ભાવિકોએ વાજતે ગાજતે ઘરોમાં અને શેરીએ શેરીએ ગણેશજીની સ્થાપના કર્યા બાદ હવે વિઘ્નહર્તાની ભાવભેર વિદાય આપી રહ્યા છે. રાજકોટમાં નાની-મોટી આશરે 5 હજારથી વધુ ગણેશ મૂર્તિઓનું આજે જુદા જુદા 8 સ્થળે વિસર્જન કરવાની વ્યવસ્થા મનપા દ્વારા કરવામાં આવી છે. રાજ્યમાં ગણપતિ વિસર્જન દરમિયાન અત્યાર સુધીમાં ઘણા અકસ્માતમાં લોકોના મૃત્યુ થયા છે ત્યારે સાવચેતીના ભાગરૂપે અકસ્માત અટકાવવા માટે રાજકોટમાં પણ જુદા જુદા 8સ્થળે રેસ્ક્યૂ બોટ અને એમ્બ્યુલન્સ રાખવામાં આવી છે.
આ ઉપરાંત આકસ્મિક સંજોગો માટે ફાયર સ્ટાફ, પોલીસ બંદોબસ્ત અને ડોક્ટરને પણ સ્ટેન્ડ ટુ રાખવામાં આવનાર છે. મનપાએ નક્કી કરેલા 8 સ્થળએ લોકોને તેમના હાથે ગણપતિની મૂર્તિ વિસર્જન નહીં કરવા દેવાય, પરંતુ ભાવિકોએ ફાયર સ્ટાફને મૂર્તિ સોંપી દેવાની રહેશે તેઓ વિસર્જન કરશે. પાણીની નજીક કોઇપણ વ્યક્તિને જવા દેવામાં આવશે નહીં તેના માટે બેરિકેડ પણ રાખવામાં આવ્યા છે.
મનપા દ્વારા જણાવાયું હતું કે, 8 સ્થળોએ ગણેશજીની પ્રતિમાઓના વિસર્જન માટે ફાયર શાખા દ્વારા સલામતીની દૃષ્ટિએ 8 સ્થળે ક્રેન, રેસ્ક્યૂ બોટ, એમ્બ્યુલન્સ અને લાઇફ બોયા, લાઇફ જેકેટ સાથે સ્ટેશન ઓફિસર, લીડિંગ ફાયરમેન, ફાયરમેન સહિત વ્યક્તિઓનો સ્ટાફ સવારે 7 વાગ્યાથી રખાશે. દરેક સ્થળે બેરિકેડ લગાવી ફાયર શાખા દ્વારા વિસર્જન કરવામાં આવશે. લોકોને તેમના હાથે વિસર્જન કરવા દેવામા આવશે નહીં. વિસર્જન સ્થળ પર મૂર્તિ પધરાવવાની થાય ત્યારે સ્થળ પર પહોંચ્યા બાદ ફાયર સ્ટાફને મૂર્તિ સોંપી દેવાની રહેશે. મનપા દ્વારા જાહેર કરવામાં આવેલા આઠ સ્થળ સિવાયના અન્ય કોઈ સ્થળે ગણેશ વિસર્જન નહીં કરવા અનુરોધ કરાયો છે.
આજી ડેમ સહિત આ 8 સ્થળે જ ગણેશ વિસર્જન કરી શકાશે
આજી ડેમ ઓવરફ્લો પાસે ખાણ નં.1
આજી ડેમ ઓવરફ્લો પાસે ખાણ નં. 2
આજી ડેમ ઓવરફ્લો ચેક ડેમ
પાળ ગામ, જખરાપીરની દરગાહ પાસે, મવડી ગામથી આગળ
ન્યારાના પાટિયા પાસે ન્યારા રોડ, ખાણમાં, જામનગર રોડ
રંગપર ડેમ પાસે આવેલ કોઝવે, જામનગર રોડ
બાલાજી વેફર્સની સામે વાગુદળ પાટિયા પછીના પુલ નીચે, કાલાવડ રોડ
એચ.પી.ના પેટ્રોલપંપ સામે, રવિવારી બજારવાળું ગ્રાઉન્ડ આજી ડેમ પાસે, ભાવનગર રોડ
રાજકોટમાં લોકોને તેમના હાથે વિસર્જન નહીં કરવા દેવાય, ફાયર સ્ટાફને મૂર્તિ સોંપી દેવાની રહેશે. વિસર્જન સ્થળે 1500થી વધુ પોલીસ જવાનો ખડેપગે રહેશે. રાજકોટમાં જુદા-જુદા 8 સ્થળે આજે ગણપતિ વિસર્જન થઈ રહ્યું છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા આ તમામ સ્થળો પર 1500થી વધુ પોલીસ જવાનોનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. રાજ્યમાં કેટલાક દિવસથી ગણેશ મહોત્સવ દરમિયાન કાયદો-વ્યવસ્થાની સ્થિતિ ડહોળવા પ્રયાસ થઇ રહ્યા છે. ત્યારે આગમચેતી પગલા રૂપે રાજકોટના તમામ વિસર્જનના સ્થળે ચાપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
10 દિવસ સુધી ગણપતિ ગજાનનની સેવા-પૂજા કર્યા બાદ આજે ગણપતિને ભાવિકો ભાવભેર વિસર્જિત કરવાના છે ત્યારે શહેરમાં જુદા જુદા સ્થળે ગણપતિ મહોત્સવના છેલ્લા દિવસે પણ મહાઆરતી, ભોજનપ્રસાદ, બટુકભોજન, હવન સહિતના આયોજનો થવાના છે. આ ઉપરાંત જાહેર સ્થળે જુદા જુદા સમાજ, સંસ્થા, સ્થાનિકો દ્વારા કરાયેલા ગણેશ મહોત્સવના આયોજકો આજે શોભાયાત્રા સાથે ગણપતિને વિદાય આપશે. અબીલ ગુલાલની છોળ, રાસ-ગરબાની રમઝટ, ઢોલ-નગારા સાથે વિઘ્નહર્તાને આજે ભાવિકો વિદાય આપશે.