ગોંડલ: કોઈપણ ચૂંટણી હોય ગોંડલ હંમેશા ચર્ચામાં રહે છે. રાજકોટ જિલ્લાના ગોંડલ નાગરિક સહકારી બેંકની ચૂંટણી ચાલી રહી છે. આશરે 500 કરોડનો વહીવટ ધરાવતી બેંક ગોંડલ અને આજુબાજુના તાલુકાની ખેડૂતો માટેની સૌથી મોટી બેન્ક બનીને ઉભરી છે. ગોંડલ અને આજુબાજુના તાલુકાના 56 હજાર જેટલા સભાસદો આજે મતદાન કરશે. જો કે, આ બેન્કની ચૂંટણીની ચર્ચા એટલા માટે પણ વધારે છે કારણ કે, આ ચૂંટણીમાં ગણેશ જાડેજા જેલમાંથી ચૂંટણી લડી રહ્યા છે.


 



પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને ભાજપ ગણેશ જાડેજા વધુમાં વધુ લીડ મેળવે તેવા પ્રયાસ કરી રહ્યા છે. ગણેશ જાડેજા જેલમાંથી મોટી લીડથી ચૂંટણી જીતે તે વિરોધીઓને મોટો સંદેશ રહેશે. ગોંડલ સહકારી બેંકની ચૂંટણીને પર સમગ્ર સૌરાષ્ટ્રની નજર છે. તો બીજી તરફ કોંગ્રેસના સહકારી નીડર આગેવાન યતિષ દેસાઈ ચૂંટણી લડી રહ્યા. 11 ડિરેક્ટરો માટે 23 ઉમેદવારો મેદાનમાં છે. ભાજપની પ્રગતિશીલ પેનલના 11 ઉમેદવારો તો કોંગ્રેસ પ્રેરિત નાગરિક સહકાર સમિતિના 11 ઉમેદવારો ઉમેદાનમાં છે.


ભાજપના જયરાજસિંહ જાડેજા અને કોંગ્રેસના યતિશ દેસાઈ વચ્ચે પ્રતિષ્ઠાનો જંગ છે. તમને જણાવી દઈએ કે, કોંગ્રેસના યતિશ દેસાઈ ગત વિધાનસભાની ચૂંટણીમાં ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજા સામે લડી ચૂક્યા છે. જેલમાં રહેલા જયરાજસિંહ જાડેજાના પુત્ર જ્યોતિરાદિત્ય જાડેજા ઉર્ફે ગણેશ જાડેજાના રાજકીય ભાવીને લઈને પણ આ ચૂંટણી મહત્વની ગણાય છે. ગોંડલના ભાજપ કોંગ્રેસના રાજકીય આગેવાનો સહકારી બેંકની ચૂંટણીમાં મેદાનમાં છે.


તો બીજી તરફ રાજકોટ જિલ્લાના સહકારી આગેવાનોની સમજાવટ બાદ  અગ્રણીઓએ ઉમેદવારી પાછી ખેંચી છે. બેંકના પૂર્વ ચેરમેન જયંતિભાઈ ઢોલનાં પત્નિ શારદાબેન તથા સહકારી અગ્રણી  જગદીશભાઈ સાટોડીયાએ પોતાની ઉમેદવારી પાછી ખેંચી હતી.


કોણ છે ભાજપના ઉમેદવાર


ભાજપ પ્રેરીત પેનલમાં પ્રહલાદ પારેખ,અશોક પીપળીયા,પ્રફુલ ટોળીયા,કિશોર કાલરીયા,હરેશ વાડોદરીયા,ઓમદેવસિંહ જાડેજા,દિપક સોલંકી,ભાવનાબેન કાસોદરા,નિતાબેન મહેતા,ડો.પ્રમોદભાઇ પટેલ તથા ગણેશ ઉર્ફ જ્યોતિરાદિત્યસિંહ જાડેજાનો સમાવેશ થાય છે.


કોણ છે કોંગ્રેસ પ્રેરિત પેનલના ઉમેદવાર


યતિષ દેસાઈની નાગરિક સહકાર સમિતીની પેનલમાં યતિષ દેસાઈ, લલીત પટોડીયા,કલ્પેશ રૈયાણી,રમેશ મોણપરા, સંદીપ હીરપરા,જયદીપ કાવઠીયા,ક્રીષ્નાબેન તન્ના,જયશ્રીબેન ભટ્ટી,વિજયભાઈ ભટ્ટ, કિશોરસિહ જાડેજા,જયસુખ પારઘીનો સમાવેશ થાય છે.
જ્યારે યુથ કોંગ્રેસના પ્રતિપાલસિંહ ઝાલાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે.


આ પણ વાંચો...


Gujarat Rain Forecast: રાજ્યમાં આગામી 5 દિવસ આ 11 જિલ્લામાં રહેશે મેઘમહેર, હવામાન વિભાગે કરી આગાહી