રાજકોટ: રાજકોટના લોકોએ શું ખાવુ અને શું ન ખાવું તે સૌથી મોટો પ્રશ્ન બની ગયો છે. રાજકોટ શહેરમાં માવા બાદ મોટા પ્રમાણમાં મલાઈનો જથ્થો ઝડપાયો છે. એક્સપાયરીવાળા જથ્થાનો મહાનગરપાલિકા દ્વારા નાશ કરવામાં આવશે. માવાની જેમ મલાઈનો જથ્થો પણ રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં બનાવવામાં આવતો હતો. યુનિટ સીલ થાય ત્યાં સુધીની કાર્યવાહી મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી શકે. મલાઈના જથ્થાના નમૂના પરીક્ષણ માટે મોકલવામાં આવશે.
આઈસ્ક્રીમ ગોડાઉનમાં આરોગ્ય વિભાગના દરોડા
રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં આઈસ્ક્રીમ ગોડાઉનમાં આરોગ્ય વિભાગના દરોડા પાડવામાં આવ્યા હતા. રવિરાજ આઈસ્ક્રીમમાં આરોગ્ય વિભાગ ત્રાટક્યું હતું. 7000 કિલો એક્સપાયરી થયેલો મલાઈનો જથ્થો ઝડપાયો હતો. જનતા મિલ્ક એન્ડ ફૂડ પ્રોડક્ટ્સની મલાઈ હોવાનું આવ્યું સામે છે. જાન્યુઆરીથી માર્ચ મહિનામાં ઉત્પાદન કરેલું હોવાનું સામે આવ્યું છે. સરધાર રોડ પર આવેલ રફાળા ગામે મલાઈનું ઉત્પાદન કર્યું હોવાનું સામે આવ્યું છે. ધર્મેન્દ્રસિંહ ચાવડાએ ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલ રવિરાજ આઈસ્ક્રીમમાં કોલ્ડ સ્ટોરેજ કર્યું હતું.
7 ટન જેટલો જથ્થો ઝડપાયો
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા છેલ્લા આઠ દિવસમા રાજ્યમાં સૌથી મોટા અખાદ્ય જથ્થા પકડી પાડ્યા છે. આ પહેલા રાજકોટના મોરબી રોડ પર માવાનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો અને હવે મલાઈનો જથ્થો મોટા પ્રમાણમાં પકડી પાડવામાં આવ્યો છે. આ તમામ જથ્થાનો નાશ કરવામાં આવશે. આ સાથે જ ઉત્પાદક પેઢી અને કોલ સ્ટોરેજના માલિકને પણ નોટિસ ફટકારવામાં આવશે. 7000 કિલો એટલે કે 7 ટન જેટલો જથ્થો લોકોના પેટ સુધી પહોંચે તે પહેલા જ આરોગ્ય વિભાગ આ પાપીઓ સુધી પહોંચી ગયું છે. રાજકોટ-ભાવનગર હાઇવે પર આવેલા રફાળા ગામે જનતા ફૂડ પ્રોડક્ટમાં બનતો હતો ત્યાં પણ જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ દ્વારા તપાસ કરવામાં આવશે.
ફૂડ ઇન્સ્પેક્ટર,મનપા રાજકોટ હાર્દિક મેતાએ કહ્યું કે, રાજકોટ શહેરમાં દૂધ અને દૂધની બનાવટ મોટા પ્રમાણમાં છેલ્લા છ મહિનાથી પકડાઈ રહી છે તમને જાણીને નવાઈ લાગશે કે આ પહેલા માવાનો જથ્થો જે રાજકોટની ભાગોળે આવેલા રીબડા ગામની ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં બનતો હતો અને હવે મલાઈનો જથ્થો જે પણ રાજકોટના ગ્રામ્ય વિસ્તાર એવા રાજકોટ ભાવનગર હાઇવે પર આવેલા રફાળા ગામે બનતો હતો. રાજકોટ શહેરના આરોગ્ય વિભાગ દ્વારા તો વારંવાર કરવામાં આવે છે ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ છે તેમના દ્વારા પણ કડકમાં કડક કાર્યવાહી આવા તત્વો સામે કરવાની જરૂરિયાત છે.
એક સમયે ખાણીપીણી માટે પ્રખ્યાત એવા રાજકોટને હવે નજર લાગી ગઈ હોય તે પ્રમાણેનો માહોલ છેલ્લા બે ત્રણ વર્ષથી જોવા મળે છે. રાજકોટ શહેરમાં અત્યાર સુધીમાં અનેક એવી વસ્તુઓ પકડાઈ છે કે લોકો પણ વિચાર કરી રહ્યા છે કે શું ખાવું અને શું ન ખાવું ? કાયદાઓ પણ હવે કડક બનાવવાની જરૂરિયાત છે જેથી આવા તત્વો પર આરોગ્ય વિભાગ દાખલો બેસાડી શકે.