રાજકોટ: શહેરના મોટામવા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં આવેલા પેન્ટાગોન નામના એપાર્ટમેન્ટમાં 3 વર્ષની બાળકીનું ભો ટાંકામાં પડી જવાથી મોત નિપજ્યું છે. એપાર્ટમેન્ટમાં ચોકીદારી કરતા નેપાળી પરિવારની બાળકીનું મોત નિપજતા ચકચાર મચી જવા પામી છે. મળતી માહિતી પ્રમાણે આ નેપાળી પરિવાર ગ્રાઉન્ડ ફ્લોર પર જ રૂમમાં રહેતો હતો. પાણી ખાલી કરીને ટેન્કર ચાલકે ઢાંકણું ખુલ્લું રાખી દેતા આ દુર્ઘટના સર્જાઈ હતી. રમતા રમતા બાળકી ખુલ્લા ભો ટાંકામાં પડી જતા મોતને ભેટી હતી. બાળકનું મોત થતા પરિવારમાં માતમ છવાયો છે.


નદીમાં હાથ ધોવા ગયેલા આધેડને મગર પાણીમાં ખેંચી ગયો


વડોદરા: ડભોઇ પારાગામ ઓરસંગ નદીમાં આધેડને મગર ખેંચી જવાની ઘટના સામે આવી છે. આધેડ નદી કિનારે ભેંસો ચરાવવા ગયા હતા. જે બાદ નદીમાં હાથ ધોવા ગયા ત્યારે આધેડને મગર ખેંચી ગયો હતો. ચાંદોદ પોલીસ જવાનો ડભોઇ વન વિભાગ સહિત ફાયર ટીમ દ્વારા મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો છે. આધેડ સિતપુર વસાહતના લાલજી છગનભાઇ વસાવા હોવાની વાત સામે આવી છે. ડભોઇ અને વડોદરા ફાયર ટીમ દ્વારા મૃતદેહને નદીમાંથી બહાર કાઢી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મૃતકના પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.


કાલુપુર રેલવે સ્ટેશન પરથી પ્રતિબંધિત વસ્તુઓનુ પાર્સલ મળી આવતા હડકંપ



અમદાવાદ: કાલુપુર રેલવે સ્ટેશન પાર્સલ કોચમાંથી પ્રતિબંધિત વસ્તુઓનુ પાર્સલ મળી આવતા હડકંપ મચી ગયો છે. પાર્સલમાંથી ભારતીય બનાવટની કરન્સી,ગોલ્ડ અને અન્ય વસ્તુઓ મળતા પોલીસ વિભાગ દોડતું થયું છે. આજે અચાનક રાખેલી ડ્રાઇવમાં રેલવેના પોલીસ જવાને બોડી કેમેરાને સાથે દરોડા પાડ્યા હતા.


પશ્ચિમ રેલવેમાં વિવિધ ટ્રેનોમાં ડ્રગ્સ રોકડા રૂપિયા અને ભારતીય બનાવટ વિદેશી દારૂઓ ગુજરાતમાં ઘુસાડવામાં આવતો હોય છે. મોટેભાગે રેલવેના પાર્સલ કોચમાં પ્રતિબંધિત વસ્તુઓની હેરાફેરી થતી હોવાની જાણ ગુજરાતના રેલવેના એડિશનલ ડીજીપી ડો રાજકુમાર પાંડીયનને થતા જ ગુજરાતના અમદાવાદ, બરોડા, સુરત, રાજકોટ વગેરે રેલવે સ્ટેશન પર બોડી કેમેરા સાથે ટ્રેનોમાં જીઆરપીના જવાન પાર્સલ કોચ પણ ચેકિંગ કરવાના આદેશ બાદ આજે વધુ મોટી સફળતા અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર પાર્સલ કોચમાંથી મળી હોવાનું જાણવા મળ્યું છે.


પશ્ચિમ રેલવેમાં વિવિધ રાજ્યોમાંથી આવતી લાંબા અંતરની ટ્રેનોમાં પાર્સલોમાં અનઅધીકૃત રીતે ડ્રગ્સ ભારતીય બનાવટનો વિદેશી દારૂ તેમજ ભારતીય ચલણ અને સોનાની તસ્કરી થતી હતી. અવારનવાર રેલવે પોલીસ દ્વારા વિવિધ ટ્રેનોમાંથી મોટી સંખ્યામાં પાર્સલ આવતા અનઅધિકૃત પ્રતિબંધિત વસ્તુઓ પકડી પાડી હતી. ગુજરાતના રેલવેના એડિશનલ ડીજીપી ડોક્ટર રાજકુમાર પંડિયાનને ધ્યાન પર આવતા જ તાત્કાલિક અમદાવાદ ડિવિઝન અને બરોડા ડિવિઝનના રેલવેના એસ.પી કડક સૂચના આપીને વિવિધ પાર્સલ કોચ બોડી કેમેરા સાથે જવાનોએ ચેકિંગ કરવાનો આદેશ આપ્યો હતો.