ખોડીયાર માતાજી અંગે બફાટ કરનાર વડતાલ સ્વામિનારાયણ મંદિરના બ્રહ્મસ્વરૂપ સ્વામીની શાન ઠેકાણે આવી હતી.  બ્રહ્મસ્વરૂપ સ્વામીએ માફી સાથે એક વીડિયો વાયરલ કર્યો અને લાગણી દુભાવવા બદલ માફી માંગી હતી. એટલું જ નહી તેમણે ભૂલનુ પુનરાવર્તન નહી થાય એવી ખાતરી પણ આપી હતી. સ્વામિનારાયણ સંપ્રદાયના બ્રહ્મસ્વરૂપદાસ સ્વામીએ ખોડિયાર માતાજીને લઈને આપેલા નિવેદનને લઈને ભક્તોની લાગણી દુભાઈ હતી. 


શું આપ્યું હતું નિવેદન ?


સ્વામિનારાયણના બ્રહ્મસ્વરૂપદાસ સ્વામી વાયરલ થયેલા વીડિયોમાં બોલે છે કે,ખોડિયાર માતા પર સ્વામીએ પાણી નિચવ્યું હતું.જોબનપગીના કુળદેવી ખોડિયાર મા છે, પણ હવે આપણા ભગત થયા એટલે તેમને કુળદેવી તરીકે મહાલક્ષ્મી કહેવા પડે. મહારાજ રંગોત્સવ કરીને જોબનપગીના ખેતરમાં ન્હાવા ગયા ત્યારે મહારાજે પૂછ્યું કે, આ કોણ છે ત્યારે તેમણે કહ્યું કે, આ અમારા કુળદેવી છે ત્યારે મહારાજે તેમના ભીના કપડા નીચોવી માતાજી ઉપર છાંટ્યા અને કહ્યું કે, તમારા કુળદેવીને અમે સત્સંગી કર્યા. આ નિવેદન બાદ ભક્તો અને વિવિધ સમાજ રોષે ભરાયા છે. સ્વામીએ નિવેદન કર્યા બાદ પોતાને એક રૂમમાં બંધ કર્યા છે તેમજ ભક્તોને અનુષ્ઠાન શરૂ કરવાનું બહાનું કરીને રૂમમાં ન આવવા આદેશ આપ્યો છે. 


સ્વામિના નિવેદન બાદ લોકગાયક રાજભા ગઢવીએ પણ કહ્યું હતું કે, હવે સુરાપુરા અને ઇષ્ટદેવથી દૂર કરવાની વાત કરનારની બોચી પકડો. હવે આપણે આ તૈયારી કરવી પડશે, ક્યા સુધી આપણે સહન કરીશુ. માતાજીએ રાક્ષસોને હણ્યા છે હવે તમારો વારો છે ખોડિયાર માતા વિશે બોલનારાઓને અને કુળદેવીથી દૂર કરનારાઓને માતાજી નાશ કરશે.


સ્વામિનારાયણ સંપ્રદાયે ફરી વિવાદ સર્જ્યો 


રાજકોટમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીએ ગણેશ મહોત્સવને લઇને ફરી વિવાદ સર્જ્યો છે. ઉલ્લેખનીય છે કે, ગણેશ ચતુર્થીને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે અહીં બાલાજી મંદિરના ગ્રાઉન્ડમાં ગજાનંદ ધામ મંડળ દ્રારા ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જો કે સ્વામીનારાયણ સંપ્રદાયના વિવેક સાગર સ્વામીએ  આ જગ્યા માટે ગજાનંદ ધામ મંડળે  દ્વારા ગ્રાઉન્ડનું ભાડું ભર્યું છતાં આયોજન ન કરવા દેવા દબાણ કરવામાં આવ્યું છે.આટલું  જ નહિ, વિવેક સાગર સ્વામીના માણસોએ આ સ્ટેજ તોડી પાડ્યું હતું. આ મામલે એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી છે, ઉપરાંત  આજે 11 વાગ્યે ગજાનંદ ધામ મંડળ દ્ધારા જિલ્લા કલેકટરને રજૂઆત કરવામાં આવી હતી. ઉલ્લેખનિય છે કે, અહીં બાલાજી મંદિરનું ગેરકાયદેસર બાંધકામને લઈને પણ એક વિવાદ ચાલી રહ્યો છે.