રાજકોટના પડધરીના ઉકરડા ગામના કૂવામાંથી મૃત નવજાત મળતા ચકચાર મચી ગઇ હતી.  જિલ્લાના પડધરી તાલુકાના ઉકરડા ગામમાં આવેલા એક કૂવામાં મૃત હાલતમાં નવજાત મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. ઘટનાની જાણ થતા જ પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને નવજાતના મૃતદેહને કૂવામાંથી બહાર કાઢ્યો હતો. મૃત નવજાત કૂવામાંથી મળતા ગામમાં ખળભળાટ મચ્યો હતો.


ખેતરમાં કામ કરી રહેલા મજૂર પર વીજળી પડતા મોત


જિલ્લામાં એક તરફ વાતાવરણમાં પલટો આવ્યો છે અને અનેક વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો છે. જેના કારણે ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. તો બીજી તરફ ગોંડલ તાલુકાનાં મોટા મહિકા ગામે ખેતરમાં કામ કરતા પરપ્રાંતિય મજૂર ઉપર વિજળી ત્રાટકતા અરરેટી મચી છે. નાના મહિકાથી મોટા મહિકા ગામે સંજય માવજીભાઈ સગપરીયાની વાડીએ કામે ગયેલા મજૂર ઉપર વિજળી ત્રાટકી હતી. નાના મહિકા ગામે રહેતા સુનિલ મોહનસિંહ પરમાર નામના 32 વર્ષના યુવક ઉપર વીજળી પડતા મોત નીપજ્યું છે. મૃતકને પ્રથમ ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે અને બાદમાં સરકારી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે. પેટીયુ રળવા આવેલા મજૂર પર વીજળી પડવાથી મોતને લઈને પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.


રાજકોટમાં ડમ્પરે મહિલા તબીબને કચડી નાંખી


રાજકોટમાં અકસ્માતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. ડમ્પરે મહિલા તબીબને અડફેટે લેતાં ઘટના સ્થળે જ મોત થયું હતું. કોઠારીયા રોડ પર આવેલા રાણુજા મંદિર પાસે બનાવ બન્યો હતો. જેમાં ડો.આયુષી વડોદરિયાનું મોત થયું હતું. અકસ્માત બાદ ચાલક ડમ્પર મૂકી ફરાર થયો હતો. સમગ્ર મામલે આજીડેમ પોલીસે ડમ્પર ચાલકને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે.

કોઠારીયા રોડ પર હુડકો ચોકડી પાસે સ્કુટર પર કામ સબબ જઈ રહેલી આયુષીબેન જગદિશભાઈ વાડોદરીયા નામની 24 વર્ષની ડેન્ટિસ્ટને ડમ્પર ચાલકે હડફેટે લઈ કચડી નાખી ફરાર થઈ જતા ગંભીર રીતે ઘાયલ આયુષીબેનનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. આજી ડેમ પોલીસે આ મામલે મૃતકના પિતા જગદીશભાઈની ફરિયાદ આધારે અકસ્માત બાદ ભાગી ગયેલા ડમ્પરના ચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કરી ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.