રાજકોટમાં કોરોનાના એક પછી એક કેસો વધતાં જઈ રહ્યા છે. જેને લઈને લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે. પરંતુ આ ભયના માહોલ વચ્ચે કોર્પોરેશન કોરોનાને ડામવા માટે અનેક પ્રયાસો કરી રહ્યું છે. જેના ભાગરૂપે એક એવું મશીન બનાવીને મુકવામાં આવ્યું છે જેની અંદરથી પસાર થતાં જ કોઈપણ વ્યક્તિ વાયરસથી બચી શકે છે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. તો આવો આ ડિસઇન્ફેક્શન મશીન વિશે જાણીએ કેવી રીતે કામ કરે છે,



રાજકોટમાં કોરોનાના એક પછી એક પોઝિટિવ કેસ વધતા જઈ રહ્યા છે. ત્યારે કોરોનાને ડામવા માટે હવે સરકારની સાથે-સાથે તંત્ર પણ એક્શન મોડમાં આવી ગયું છે. રાજકોટ કોર્પોરેશને પોતાના કર્મચારીઓને કોરોનાથી બચાવવા માટે એક મશીન બનાવીને લગાવ્યું છે. જે મશીનમાંથી પસાર થતાં જ કર્મચારી કોઈપણ પ્રકારના વાયરસથી બચી શકો છે. કારણ કે, આ મશીન ગણતરીની સેકન્ડોમાં જ કરોડો વાયરસ ખતમ કરવાની ક્ષમતા ધરાવે છે.



એક પછી એક લોકો મશીનમાંથી પસાર થાય છે કે, તેમના પર હાઈડ્રોજન પેરોક્સાઇડનો છંટકાવ થાય છે. જે અનેક વાયરસને ખતમ કરે છે. આ મશીનને વોક થ્રુ માસ ડિસઇન્ફેક્ટ મશિન તરીકે ઓખળવામાં આવે છે. જે મશીન લોકોને 10 સેકન્ડમાં ડિસઈન્ફેક્ટ કરે છે. આ 10 સેકન્ડમાં તે 1 મિલિયન વાયરસને મારવાની ક્ષમતા ધરાવે છે. આ મશીનમાં હાઈડ્રોજન પેરોક્સાઇડ લિક્વીડનો ઉપયોગ થાય છે.



યુનિવર્સલ ડિઝાઇનોવેશન લેબ, કાવ્યમ એનર્જી અને નચિકેતા ગ્રૃપ દ્વારા આ મશિનને તૈયાર કરવામાં આવ્યું છે. હાલ આ મશિનને રાજકોટ કોર્પોરેશનને ભેટ તરીકે આપવામાં આવ્યું છે. જેને શહેરમાં મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે લગાવવામાં આવ્યું છે.



હાલ વિશ્વમાં કોરોનાની કોઈ દવા શોધાઈ નથી તેવામાં આ મશીન ખૂબ અગત્યનું માનવામાં આવી રહ્યું છે. જેને હાલ ટ્રાયલ બેઝ પર મુકવામાં આવ્યું છે. પરંતુ આગામી દિવસોમાં શહેરમાં અનેક જગ્યાઓ પર આ પ્રકારે ડિસઇન્ફેક્ટ મશિન લગાવવામાં આવી શકે છે.