રાજકોટ: ગુજરાતમાં કોરોના વાયરસ પોઝિટિવ કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે રાજકોટ ગ્રામ્યમાં કોરોના વાયરસ પોઝિટિવનો કેસ નોંધાયો છે. આ સાથે ગીર સોમનાથ અને પોરબંદરમાં પણ એક-એક કેસ પોઝિટવ આવ્યા છે. અમદાવાદ અને સુરતમા પણ આજે એક-એક  કેસ પોઝિટિવ સામે આવ્યો છે.  કોરોના વાયરસના કુલ પાંચ  કેસ પોઝિટિવ આવતા રાજ્યમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા 63 પર પહોંચી છે.


રાજકોટ ગ્રામ્યમાં જે કેસ પોઝિટિવ નોંધાયો છે તેની ફ્રાન્સની ટ્રાવેલ હિસ્ટ્રી છે. 36 વર્ષીય યુવકને કોરોના વાયરસ પોઝિટિવનો કેસ નોંધાયો છે. રાજકોટમાં કોરોનાના કુલ નવ પોઝિટિવ કેસ અત્યાર સુધીમાં નોંધાયા છે. ગીર સોમનાથમાં આજે વધુ એક કેસ નોંધાતા ત્યાં કુલ 2 કેસ થયા છે. જ્યારે પોરબંદર જિલ્લામાં પ્રથમ કોરોના વાયરસનો કેસ નોંધાયો છે.

આજે સવારે વધુ ત્રણ કેસ સામે આવ્યા હતા. કોરોના વાયરસના કારણે રાજ્યમાં અત્યાર સુધીમાં પાંચલોકોના મોત થયા છે. અમદાવાદની એસવીપી હોસ્પિટલમાંથી એક વ્યક્તિ સ્વસ્થ થઈ જતા તેને રજા આપવામાં આવી છે.

અમદાવાદમાં 47 વર્ષના પુરુષનો નવો કેસ નોંધાયો હતો, દુર્ભાગ્યવશ આજે આ વ્યક્તિનું નિધન થયું છે. આ પુરુષમાં ડાયાબિટીસના લક્ષણો પણ જોવા મળ્યા હતા. આ ઉપરાંત અમદાવાદમાં 67 વર્ષના એક મહિલા પણ પોઝિટિવ જણાયા છે જેને લોકલ ટ્રાન્સમિશનથી ચેપ લાગ્યો હતો. આ ઉપરાંત 34 વર્ષના અમદાવાદના એક પુરુષને પણ કોરોના પોઝિટિવ જણાયો છે. આ યુવાનમાં મુંબઈની ટ્રાવેલ્સ હિસ્ટ્રી જણાઈ છે.

ગુજરાતમાં આ સાથે પાંચ વ્યક્તિઓના મૃત્યુ નીપજ્યાં છે. આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો. જયંતિ રવિએ આજે સવારે આ વિગતો આપતાં જણાવ્યું હતું કે, વડોદરામાં ત્રણ વ્યક્તિઓ કે જેમને પોઝિટિવ કેસ હતા તેઓ સારવાર પછી હવે સારા થઈ ગયા છે. આમ છતાં તેમને પ્રોટોકોલ પ્રમાણે 14 દિવસના આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે.