ગાંધીનગરઃ ગાંધીનગર પાસે રહેતા અને રાજકોટમાં ફરજ બજાવતા મેજિસ્ટ્રેટે પોતાની પત્નિ સામે જ સાડા ચાર લાખ રૂપિયાની ઠગાઈની ફરિયાદ નોંધાવી છે. ગાંધીનગર પાસે રાંદેસણમાં રહેતા અને રાજકોટ કોર્ટમાં ફરજ બજાવતા સાતમા જ્યુડીશ્યલ મેજિસ્ટ્રેટે ફરિયાદ નંધાવી છે કે, સાળાને કેનેડા જવા માટે બેલેન્સ બતાવવાની જરૂર હોય મેજિસ્ટ્રેટ પાસેથી એફ.ડી. કરાવી લીધા બાદ પત્નિ પૈસા પરત નથી આપતી. મેજિસ્ટ્રેટે પોતાના પત્ની, સાળા અને સસરા સામે ઇન્ફોસિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથધરી છે.

રાજકોટ કોર્ટમાં સાતમા જ્યુડીશ્યલ મેજિસ્ટ્રેટ તરીકે ફરજ બજાવતા સંદિપભાઇ મનહરભાઇ ક્રિસ્ટીએ ઇન્ફોસિટી પોલીસ મથકમાં પોતાના પત્ની પ્રગતિ મનુભાઇ ક્રીશ્ચિયન, સસરા મનુભાઇ મણીલાલ ક્રીશ્ચિયન (રહે. ન્યુલાલભાઇ સેન્ટર, ખોખરા) તથા સાળા જેમ્સ મનુભાઇ ક્રીશ્ચિયન (રહે. 403, ગ્રીનઓરી ત્રાગડ) વિરૂધ્ધ છેતરપીંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી છે.

મેજિસ્ટ્રેટે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે સંદિપભાઇના લગ્ન 11 વર્ષ પુર્વે પ્રગતિબેન મનભાઇ ક્રીશ્ચિયન સાથે થયા હતા. લગ્નજીવન બાદ પત્નીના કહેવાથી તેઓએ રાંદેસણ ખાતે અલગથી ઘર લઇ દીધુ હતું. તેમણે 2 જુલાઇ 2017થી ઓગષ્ટ 2019 દરમિયાન પત્નીના બેંક એકાઉન્ટમાં ચેકથી 9.46 લાખ રૂપિયા જમા કરાવ્યા હતા. જે રકમ તેઓ કહે ત્યારે તેમના એકલાના નામે રોકાણ કરવાનું કહેવામાં આવ્યુ હતું. આ દરમિયાન સાળા જેમ્સને કેનેડા જવા માટે દસ લાખ રૂપિયાનું બેલેન્સ બતાવવાનું હોય સબંધના નાતે તેઓ તૈયાર થયા હતા. તેમણે પત્ની અને સાળાના સંયુક્ત નામે પોસ્ટઓફિસમાં એક વર્ષ માટે સાડા ચાર લાખ રૂપિયા રોક્યા હતા. જે પાકતી મુદતે પરત આપવાની તેમણે બાંહેધરી આપી હતી. આ રકમ પાકી ગઈ હોવા છતાં તેમણે પાછી ના આપતાં મેજિસ્ટ્રેટે ફરિયાદ નોંધાવી છે.