Accident: રાજકોટ જિલ્લાના  ધોરાજી ઉપલેટા વચ્ચે  હિટ એન્ડ રનની ઘટનાએ એક મહિલાનો જીવ લીધો. અહી હાઇવે પર આવતી કારે મહિલાને અડફેટે લેતા, મહિલાનું  મોત નિપજ્યું છે. ધોરાજીના ઉપલેટા નેશનલ હાઈવે ITI ની સામે આ ઘટના બની હતી.  અહીં ઓવર સ્પીડમાં આવતી  ઈકો કાર  42 વર્ષીય મહિલાને અડફેટે લેતા મહિલાને ગંભીર ઇજા પહોંતી હતી, જેના કારણે મહિલાનું કમકમાટીભર્યુ મોત નિપજ્યું છે. અકસ્માતની ઘટના બાદ ડ્રાઇવર ફરાર થઇ ગયો હતો.


મૃતક મહિલાની ઓળખ સોનલબેન ગંગાજાળિયા તરીકેની થઇ છે. જે ધોરાજીના મહાલક્ષ્મી કોમ્પ્લેક્ષમા રહેતા હતા અને હોટલમાં રસોઇ બનાવવાનું કામ કરતા હતા. રાત્રિના સમયે તેઓ હોટેલથી કામ કરીને પરત ફરતા હતા ત્યારે તેઓ કારની રફતારનો ભોગ બનતા મોતને ભેટ્યાં. મૃતક મહિલાનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે  ધોરાજીની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. સમગ્ર ઘટનાને લઇને  ધોરાજી પોલીસે તપાસ હાથ ધરી છે.


 તો બીજી તરફ સુરતમાં  પતંગની દોરી બની મોતનું કારણ, જી હાં કાતિલ દોરીથી મોત થવાની ઘટના સામે આવી છે. ઘટના નાના વરાછા બ્રિજની છે. જ્યાં એક્ટિવા લઈને પસાર થતી યુવતીના ગળાના ભાગે પતંગની દોરી આવી જતા ગળાના ભાગે ગંભીર ઈજા પહોંચી અને નીચે પટકાઈ હતી. યુવતીને ગંભીર ઈજા થતા આસપાસના સ્થાનિકોએ સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં પ્રાથમિક સારવાર દરમિયાન તેનું મૃત્યુ નિપજ્યું હતું. મૃતક 22 વર્ષીય દિક્ષીતા ઠુમ્મર હોવાનું સામે આવ્યું છે.  યુવતીના અકાળે મોતથી પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.                         



પતંગ ઉડાવવી એ પણ કેટલાક લોકો માટે સમસ્યા બની જાય છે. ખરેખર, લોકો પતંગ ઉડાવવા માટે માંઝાનો ઉપયોગ કરે છે. આ એકદમ ખતરનાક છે, અને ઘણા કિસ્સાઓમાં તે બાઇક અથવા સ્કૂટર સવારોની ગરદન કાપી નાખે છે.