રાજકોટ: ઉપલેટામાં ડબલ મર્ડરની ઘટના સામે આવી છે. પ્રેમપ્રકરણમાં યુવતીના પિતા અને ભાઈએ યુવતી અને તેના પતિની હત્યા કરી છે. હત્યાના બનાવને પગલે ઉપલેટામાં ઉચ અધિકારીઓ દોડી આવ્યા છે. રાજકોટ જિલ્લા પોલીસ વડા ઉપલેટા પહોંચ્યા છે.  મરનાર યુવક અને યુવતીની ઉપલેટા પોલીસે ઓળખ કરી છે.


મરનાર યુવક ઉપલેટા તાલુકાના અરની ગામનો રહેવાસી હોવાનું બહાર આવ્યું છે. મૃતક યુવકનું નામ અનિલ મહિડા અને મૃતક યુવતીનું નામ રીના સિંગખરિયા હોવાનું બહાર આવ્યું છે. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર યુવક યુવતીએ એક વર્ષ પહેલા લવ મેરેજ કર્યા હતા. જેનો યુવતી પરિવારને વિરોધ હતો. જ્યારે ઉપલેટા ખાતે બને પતિ પત્ની દાતની સારવાર અર્થે આવ્યા હતા ત્યારે યુવતી રીનાનો ભાઈ બન્ને જોઈ ગયો હતો અને બાદમાં પિતા સાથે મળીને ગુસ્સામાં આવી બન્નેના ઢીમ ઢાળી દીધા હતા. હાલમાં બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે અને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.


સુરતમાં 3 સંતાનોના પિતાએ 4 વર્ષની બાળકી સાથે આચર્યું દુષ્કર્મ


સુરત: શહેરમાં વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી છે. જ્યાં પાંડેસરા વડોદમાં 4 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર દુષ્કર્મ આચરનાર 3 સંતાનોનો પિતા છે. ઘટના બાદ હવસખોર અજય પટેલને પાંડેસરા પોલીસે રાતોરાત તેના ઘરેથી દબોચી લીધો હતો.


સુરત શહેરમાં દિન પ્રતિદિન ગંભીર બનાવો વધી રહ્યા છે. પુણામાં હજુ પાંચ વર્ષની માસુમ બાળકીના અપહરણ બાદ તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય બાદ હત્યાની ઘટનાની શાહી સુકાઈ નથી ત્યાં પાંડેસરામાં એક ચાર વર્ષની માસુમ બાળકીનું અપહરણ કરી બળાત્કારની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે. પાંડેસરા નજીકના વડોદ ગામ ફરી એક વાર ચર્ચામાં આવ્યું છે. 


આવાસમાં બનેલી ઘટનાના પગલે પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું, પાંડેસરામાં બપોરેના આરસામાં બાજુની બિલ્ડિંગમાં ઘર આંગણે રમતી ચાર વર્ષની માસુમ બાળકીને હવસનો શિકાર બનાવતા ચકચાર મચી જવા પામી છે. માસુમ બાળકી ઘરના આંગણામાં રમી રહી હતી ત્યારે નરાધમ અજયે તેનું અપહરણ કરી તેના રૂમમાં લઈ ગયો હતો અને માસુમ બાળકી પર બળાત્કાર ગુજાર્યો હતો. હવસનો શિકાર બનાવ્યા બાદ નરાધમ અજય બાળકીને પરત તેના ઘર પાસે મુકી ગયો હતો. 


હવસનો શિકાર બનેલી માસુમ બાળકી રડતા રડતા તેના ઘરે ગઈ હતી અને તેણીની માતાને હકીકત જણાવી હતી. જેથી બાળકીની માતાએ તાત્કાલિક પતિને ફોન કરી બનાવની જાણ કરતા પતિ ઘરે દોડી આવ્યો હતો. મોડી સાંજે બાળકીના માતા પિતા નરાધમ અજયના ઘરે ગયા હતા અને તેણીએ આવું શા માટે કર્યું કહી ઠપકો આપતા અજયે બાળકીના માતા-પિતા સાથે ઝઘડો કર્યો હતો. જેથી બાળકીના પિતાએ પોલીસને જાણ કરતા પાંડેસરા પોલીસ દોડતી થઈ હતી.  પાંડેસરા પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી નરાધમ અજયને ઝડપી પાડ્યો હતો. બનાવ અંગે ગુનો દાખલ કરી રાત્રે બાળકીને મેડીકલ માટે નવી સિવિલ હોસ્પિટલમા લઈ ગયા હતા. પાંડેસરા પોલીસે બાળકીની માતાની ફરિયાદ લઈ આરોપી અજયની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.