Rajkot News: રંગીલા રાજકોટમાં કોલેજના પ્રોફેસરની પત્નિને એક યુવક સાથે મિત્રતા કરવાનું ભારે પડ્યું. યુવકે પ્રોફેસરની પત્નિ સાથે મિત્રતા કેળવીને દુષ્કર્મ આચર્યું હતું. અરૂણ જોષી નામના શખ્સની ગાંધીગ્રામ પોલીસે ધરપકડ કરી હતી. યુવકે મહિલા સાથે મિત્રતા કરીને તેના નગ્ન ફોટા અને રેકોર્ડિંગ કરી લીધા હતા. બાદમાં આ ફોટો અને રેકોર્ડિંગ તેના પતિને મોકલવાની ધમકી આપીને અનેક વખત દુષ્કર્મ ગુજાર્યુ હતું.
શું છે મામલો
મહિલાએ પોલીસને જણાવ્યું કે તેને સંતાનમાં એક પુત્ર છે. પતિ શિક્ષક તરીકે નોકરી કરે છે. 2003માં તેણે લવમેરેજ કર્યા હતા. દસેક વર્ષ પહેલા જયાં રહેતી હતી તે કવાર્ટરમાં પાડોશી મારફત તેનો આરોપી અરૂણ સાથે પરીચય થયો હતો. એક દિવસ અરૂણે પાડોશી મહિલાના મોબાઈલમાંથી તેને કોલ કરી વાતચીત કરી હતી. આ રીતે બાદમાં ત્રણથી ચાર વખત વાતચીત કરી હતી. જે બાદ પાડોશી મહિલાએ તેનો નંબર અરૂણને આપ્યો હતો. જેથી બંને અવાર-નવાર વાતચીત કરતા હતા.
આ દરમિયાન અરૂણે તેને ફોસલાવીને ફ્રેન્ડશીપ કરી હતી. એક વખત ડો.યાજ્ઞિાક રોડ પર આવેલા મોબાઈલના શોરૂમ કે જયાં અરૂણ નોકરી કરતો હતો ત્યાં મળવા બોલાવી હતી. જયાં તેઓ પાડોશી મહિલા સાથે મળવા ગઈ હતી. બીજીવાર પણ પાડોશી મહિલા સાથે મળવા ગઈ હતી. એક દિવસ અરૂણે તેની પાસેથી તેના નિર્વસ્ત્ર ફોટા માંગ્યા હતા જે માંગ તેણે નહી સ્વીકારતા ફોનમાં વાતચીતનું જે રેકોર્ડીંગ છે તે પતિને સંભાળવવાની ધમકી આપી હતી.
જેનાથી ડરી જતા પોતાના નિર્વસ્ત્ર ફોટા મોકલ્યા હતા. ત્યારબાદ અરૂણે મળવા બોલાવી તેના પુત્ર અને પતિને જાનથી મારી નાખવાની ધમકી આપી ઉપરાંત પોતાના ફોનમાં તેના ફોટા અને રેકોર્ડીંગ વાયરલ કરવાની ધમકી આપી ડરાવી હતી. એટલુ જ નહી તે જયાં રહેતી હતી તે કવાર્ટરમાં તેના પતિની ગેરહાજરીમાં આવી દુષ્કર્મ ગુજાર્યું હતું. તે વખતે તેના નિર્વસ્ત્ર ફોટા પતિને દેખાડવાની અને વાયરલ કરવાની ધમકી આપતા પોતે ચુપ થઈ ગઈ હતી. બાદમાં તેની સાથે પરાણે વાતચીત ચાલુ રાખી હતી.
બીજે રહેવા જતા ત્યાં પણ પતિની ગેરહાજરીમાં આવી દુષ્કર્મ ગુજારતો હતો. આ રીતે પંદેરેક વખત તેનું શારીરીક શોષણ કર્યું હતું. એક વખત પોતાના ઘરે બોલાવી પરીવારના સભ્યોની ગેરહાજરીમાં શરીર સંબંધ બાંધ્યો હતો. એટલુ જ નહી તેના મિત્રો સાથે પણ શરીર સંબંધ બાંધવા દબાણ શરૂ કર્યું હતું. પરંતુ તેણે સાફ ઈન્કાર કરી દીધો હતો. થોડા પહેલા પતિએ તેના ફોનમાં અરૂણ સાથેની વોટસએપ ચેટ જોઈ લેતા જાણ થઈ હતી. પતિએ આ બાબતે પૂછતા તેણે હકીકતો જણાવી હતી. જે સાંભળ્યા બાદ પતિએ તેને સાથ આપી સમજાવટ કરવાની સાથોસાથ હિંમત પણ આપી હતી. જેને કારણે તેણે આખરે ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે આરોપી અરૂણ (ઉ.વ. 28, રહે. અક્ષરનગર શેરી નં.1, ગાંધીગ્રામ)ની ધરપકડ કરી હતી. આરોપી વોટર સપ્લાયર તરીકે કામ કરે છે. અને તેની પાસે પાણીનું ટેન્કર પણ છે તેમ પોલીસ જણાવ્યું હતું.