રાજકોટમાં એક યુવાનનું હાર્ટ અટેકથી મોત થયું છે. મળતી જાણકારી અનુસાર, રાજકોટમાં નાની ઉંમરમાં વધુ એક યુવાનનું હાર્ટ અટેકથી મોત થયું છે. કલ્પેશ પ્રજાપતિ નામના 28 વર્ષીય યુવાનનું હાર્ટ અટેકના કારણે મોત થયું છે. યુવાન VVP એન્જિનિયરિંગ કોલેજમાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતો હતો. કલ્પેશ મૂળ તાપી જિલ્લાનો હતો પરંતુ રાજકોટમાં અભ્યાસ કરતો હતો.


કોલેજના પ્રિન્સિપાલ અને વિદ્યાર્થીઓ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. કોલેજના પ્રિન્સિપાલ દેવાંગ પારેખે કહ્યું હતું કે વિદ્યાર્થી અચાનક ઢળી પડ્યો હતો. તે ખાનગી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર માટે પહોંચે તે પહેલા તેનું મૃત્યુ થયું હતું. યુવાનના પિતા વ્યારાના બાજીપુરા ગામમા કરિયાણાની દુકાન ચલાવે છે. કલ્પેશ પ્રજાપતિના પરિવારમાં માતા પિતા અને એક મોટા બહેન છે. વીવીપી એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યામાં સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. 


રાજકોટમાં ડમ્પરે મહિલા તબીબને કચડી નાંખી


 રાજકોટમાં અકસ્માતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. ડમ્પરે મહિલા તબીબને અડફેટે લેતાં ઘટના સ્થળે જ મોત થયું હતું. કોઠારીયા રોડ પર આવેલા રાણુજા મંદિર પાસે બનાવ બન્યો હતો. જેમાં ડો.આયુષી વડોદરિયાનું મોત થયું હતું. અકસ્માત બાદ ચાલક ડમ્પર મૂકી ફરાર થયો હતો. સમગ્ર મામલે આજીડેમ પોલીસે ડમ્પર ચાલકને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે.

કોઠારીયા રોડ પર હુડકો ચોકડી પાસે સ્કુટર પર કામ સબબ જઈ રહેલી આયુષીબેન જગદિશભાઈ વાડોદરીયા નામની 24 વર્ષની ડેન્ટિસ્ટને ડમ્પર ચાલકે હડફેટે લઈ કચડી નાખી ફરાર થઈ જતા ગંભીર રીતે ઘાયલ આયુષીબેનનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. આજી ડેમ પોલીસે આ મામલે મૃતકના પિતા જગદીશભાઈની ફરિયાદ આધારે અકસ્માત બાદ ભાગી ગયેલા ડમ્પરના ચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કરી ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે. 


મૃતક ડોકટર યુવતિના પિતા છે રત્ન કલાકાર


જગદિશભાઈએ પોલીસને જણાવ્યું કે તે હિરા ઘસવાનું કામ કરે છે. તેને સંતાનમાં એક પુત્રી આયુષી (ઉં.વ.24) છે, જે ડેન્ટિસ્ટ છે. આજે બપોરે તે ઘરે હતા ત્યારે 108ના તબીબે તેની પુત્રીના નંબર પરથી કોલ કરતા તે રિસીવ કર્યો હતો અને કોલ કરનારે 'આ ફોનવાળા બહેનનું કોઠારીયા રોડ પાસે અકસ્માત થયો છે.' તેમ જણાવતા તે ત્યાં તત્કાલ પહોંચી ગયા હતા. ત્યાં જઈને જોતા તેની પુત્રી લોહીલુહાણ હાલતમાં પડેલી જોવા મળી હતી. 


ડમ્પરનું વ્હીલ ફરી વળતાં સ્થળ પર જ મોત


આ સમયે ત્યાં હાજર લોકો પાસેથી તેને જાણવા મળ્યું હતું કે આયુષી તેનું સ્કુટર લઈને જઈ રહી હતી ત્યારે કોઠારીયા ગામ તરફથી હુડકો ચોકડી તરફ જતી વખતે પુરપાટ વેગે ઘસી આવેલા ડમ્પરના ચાલકે તેને પાછળથી હડફેટે લેતા આયુષી નીચે પડી જતા ડમ્પરનું વ્હીલ તેના પર ફરી વળ્યું હતું. કોઈએ 108ને જાણ કરતા તેના તબીબે આયુષીને મૃત જાહેર કરી હતી. જાણ થતા આજી ડેમ પોલીસના સ્ટાફે ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પી.એમ. માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતા. ડેન્ટિસ્ટ આયુષી તબીબી કામ સબબ જઈ રહ્યા હતા ત્યારે અકસ્માત સર્જાતા નિધન થયું હતું. જેના કારણે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. 


Join Our Official Telegram Channel:


https://t.me/abpasmitaofficial