રાજકોટ: રાજકોટ શહેરના કાલાવડ રોડ પર આવેલી વોકહાર્ટ હોસ્‍પિટલમાં નર્સ તરીકે નોકરી કરતી પાયલબેન મેરામભાઇ પરમાર (ઉ.વ.24) નામની યુવતી ગત સાંજે પુષ્‍કરધામ રોડ પર અમૃત બિલ્‍ડીંગમાં આવેલી હોસ્‍પિટલની હોસ્‍ટેલના ચોથા માળેથી પડી જતાં કમકમાટી ભર્યુ મોત થયું હતું. ઘટના અકસ્‍માતે બની હોવાની પ્રાથમિક માહિતી પોલીસ સમક્ષ આવી હતી. આ ઘટના કઈ રીતે બની તે જાણવા પોલીસ દ્વારા તપાસ યથાવત રાખવામાં આવી છે.


વોકહાર્ટ હોસ્‍પિટલની પુષ્‍કરધામ રોડ પરની હોસ્‍ટેલમાં રહેતી મુળ જસદણના દહીસરાની વતની પાયલબેન પરમાર ચોથા માળેથી પડી જતાં ગંભીર ઇજા થતાં સારવાર માટે બેભાન હાલતમાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ તેનુ મોત નિપજ્યું હતું. આ બનાવની જાણ થતાં યુનિવર્સિટી પોલીસ મથકના ASI વાય. ડી. ભગત, હેડકોન્‍સ. એમ. એસ. મકવાણા અને જયશ્રીબેને હોસ્‍પિટલે અને ઘટના સ્‍થળે પહોંચી કાર્યવાહી કરી હતી.


પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્‍યા મુજબ  પાયલબેન હોસ્‍પિટલમાં છેલ્લા કેટલાક સમયથી પુષ્‍કરધામ મેઈન રોડ પર અમળત બિલ્‍ડીંગમાં વોકહાર્ટ હોસ્‍પિટલની હોસ્‍ટેલમાં અન્‍ય મહિલા કર્મીઓ સાથે રહી નર્સીંગ સ્ટાફમાં નોકરી કરતી હતી. ગત સાંજે તે બિલ્‍ડીંગના ચોથા માળેથી પડી જતા ગંભીર ઈજા થતા સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાઈ હતી. જયાં તેનું મૃત્‍યુ નિપજ્‍યું હતું. મૃત્‍યુ પામનાર ત્રણ બહેન અને એક ભાઇમાં નાની હતી. બે વર્ષથી તે રાજકોટ રહેતી હતી. બનાવ આકસ્‍મિક છે કે કેમ પોલીસ તેની તપાસ કરી રહી છે. 


આંતર રાજ્ય ચોરી કરતી ગિલોલ ગેંગના 5 શખ્સોને રાજકોટ ક્રાઈમ બ્રાંચે દિલ્હીથી ઝડપ્યા


રાજકોટમાં આંતર રાજ્ય ચોરી કરતી ગિલોલ ગેંગના 5 ઈસમોને પકડી પાડવામાં આવ્યા છે. મૂળ તામિલનાડુના રાજીવાસીઓને દિલ્હીથી ઝડપી પાડવામાં આવ્યા છે. રાજકોટ ક્રાઈમ બ્રાંચ દ્વારા દિલ્હી ખાતેથી ઝડપી પાડવામાં આવ્યા છે. આરોપીઓએ રાજકોટમાં ગત 2 માર્ચના રોજ 150 ફુટ રોડ પર કારમાંથી રોકડની ચોરી કરી હતી. કારના કાચ તોડી 10 લાખ ભરેલ બેગની ચોરી કરવામાં આવી હતી. 


રાજકોટના 150 ફૂટ રીંગ રોડ પરથી કારમાંથી ચોરી થઈ હતી. સીસીટીવીના આધારે આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે. દિલ્હી,મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો. 60 થી 65 લોકોની આ ગેંગ હોવાનું તપાસમાં સામે આવ્યું છે.પોલીસે હાલ 5 લેપટોપ અને 5 મોબાઇલ ફોન કબજે કરવામાં આવ્યા છે.આંતર રાજ્ય ગેંગના 5 સભ્યો હાલ રાજકોટ પોલીસના સકંજામાં આવ્યા છે.આ તમામ આરોપીઓ તમિલનાડુના અલગ-અલગ જિલ્લાના છે. સમગ્ર મામલે રાજકોટ પોલીસ કમિશનર દ્વારા માહિતી આપવામાં આવી હતી. 


કારના મજબુત કાચ માત્ર ગણતરીની સેકન્‍ડોમાં જ તોડી મીનીટોમાં અંદર પડેલી રોકડ સહીતની માલમતા તફડાવવામાં માહેર આ ગેંગની પુછપરછ માટે દુભાષીયો રાખવાની ક્રાઇમ બ્રાન્‍ચની ટુકડીને ફરજ પડી છે. ગેંગના સભ્‍યોની ભાષા સરળતાથી સમજી શકાતી ન હોવાથી પોલીસને વિગતો ઓકાવવામાં અડચણ પડતી હોવાથી ગેંગની ભાષા જાણતા દુભાષીયાની મદદ લેવામાં આવી હતી.