Rajkot News: રાજ્યમાં જીવલેણ અકસ્માતનો સિલસિલો યથાવત છે. રાજકોટ ભાવનગર હાઇવે પર અકસ્માત સર્જાયો છે. જેમાં એક બાળકનું મોત થયું છે અને 4 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.
સરધારના હલેન્ડા પાસે અકસ્માત સર્જાયો છે. બંધ ટ્રક પાછળ ઇક્કો કાર ધડાકાભેર ઘૂસી જતાં 11 વર્ષીય હર્ષિલ ચૌહાણનું ઘટના સ્થળે મોત થયું હતું. 4 લોકો ને ગંભીર ઇજા પહોંચતા હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. અમરેલીનો ચૌહાણ પરિવાર રાજકોટ લગ્ન પૂર્ણ કરી પરત અમરેલી જતો હતો ત્યારે અકસ્માત સર્જાયો હતો.
હજુ ખેડૂતો પરથી નથી ટળ્યું માવઠાનું સંકટ. આગામી ચાર દિવસ જ નહીં પછી પણ કમોસમી વરસાદ પડશે. આ આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગના અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે આગામી પાંચ દિવસ પડશે કમોસમી વરસાદ. એટલું જ નહીં આજથી ફરી નવું એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે અને કમોસમી વરસાદ પડવાનું યથાવત રહેશે.
આજે ડાંગ, તાપી, નર્મદા, અમરેલી, ભાવનગર, દ્વારકા, જામનગર અને કચ્છમાં આગાહી કરવામાં આવી છે. તો આવતીકાલે રાજકોટ, અમરેલી, ભાવનગર, કચ્છ, તાપી, નર્મદા, ડાંગમાં માવઠાની આગાહી છે. તો ત્રણ મેએ અરવલ્લી, સાબરકાંઠા, દાહોદ, મહીસાગર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જામનગર અને રાજકોટમાં વરસાદ રહેશે.
તો ચોથી મેએ અમરેલી, ભાવનગર, દ્વારકા, જામનગર, રાજકોટ, અરવલ્લી, સાબરકાંઠા, વલસાડ, તાપી, ડાંગ અને મહીસાગરમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના મતે વરસાદની સાથે 40 કિમીની ઝડપે ભારે પવન પણ ફૂંકાશે. પવન ફૂંકાવાને લઈ સાવચેતીના પગલા લેવા હવામાન વિભાગે ખેડૂતોને સૂચના આપી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 3 મે સુધી તમિલનાડુ અને કર્ણાટકના ઘણા ભાગોમાં ભારે વરસાદની આશંકા છે. આ સિવાય કેરળમાં આગામી 4 દિવસ સુધી ભારે વરસાદની સંભાવના છે. રાજસ્થાનના જયપુર, ભરતપુર, અજમેર, બિકાનેર અને જોધપુરના કેટલાક વિસ્તારોમાં વરસાદ સાથે પવન (40-50 કિમી પ્રતિ કલાક) ની શક્યતા છે. જયપુરમાં કેટલીક જગ્યાએ કરા પડવાની સંભાવના છે. ઉત્તર પ્રદેશમાં પણ ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની સાથે કરા પડવાની સંભાવના છે. શિમલામાં આગામી કેટલાક દિવસો સુધી હિમવર્ષા ચાલુ રહેશે. ઉત્તરાખંડના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની સાથે હિમવર્ષા થઈ શકે છે. મળતી માહિતી મુજબ 3500 મીટરથી વધુ ઉંચાઈવાળા વિસ્તારોમાં હિમવર્ષા થવાની સંભાવના છે. હવામાન વિભાગ ભોપાલ કેન્દ્રના જણાવ્યા અનુસાર આજે જબલપુર, મંડલા, ડિંડોરી, ઈન્દોર, ઉજ્જૈન, ગ્વાલિયરમાં વરસાદની સંભાવના છે. આ ઉપરાંત ઘણા વિસ્તારોમાં વરસાદને કારણે વિભાગે 'ઓરેન્જ એલર્ટ' જાહેર કર્યું છે. હવામાન વિભાગે બિહાર, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, ઓડિશામાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.