Accident:  રાજકોટમાં ડમ્પર અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. મળતી જાણકારી અનુસાર, રાજકોટમાં ડમ્પર અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા પિતા અને પુત્રનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. શહેરના કુવાડવા રોડ પર ગ્રીનલેન્ડ ચોકડી પાસે રિક્ષા અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અચાનક રિક્ષા વચ્ચે આવી જતા ડમ્પર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં પિતા-પુત્રનું સ્થળ પર મોત થયુ જ્યારે અન્ય ચાર લોકોને ઈજા પહોંચી હતી. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિકના જામના દ્રશ્યો સર્જાયા હતા.




રાજકોટ શહેરના કુવાડવા રોડ પર ગ્રીનલેન્ડ ચોકડી પાસે રવિવારના સાંજે 6:15 વાગ્યાના અરસામાં રિક્ષા અને ડમ્પર ચાલક વચ્ચે અકસ્માત સર્જાતા પિતા પુત્રના મૃત્યુ નીપજ્યું હતું. 44 વર્ષીય પ્રવીણભાઈ ગરસોંધિયા અને 18 વર્ષ પુત્ર મયંક ગરસોંધિયાનું મૃત્યુ થયું છે. જ્યારે કે પતિ પત્ની સહિત ચાર અન્ય ઇજાગ્રસ્ત થયા હતા. ઘટનાની જાણ થતા બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.


ઈજાગ્રસ્ત થયેલા જનકબા પરમાર, મધુબેન જાદવ (ઉવ.40), નારણભાઈ જાદવ (ઉવ.43) તેમજ એક અન્ય વ્યક્તિને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. બનાવની જાણ થતા 108 ની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. બી ડિવિઝન પોલીસ દ્વારા ફરિયાદ નોંધવા સહિતની તજવીજ હાથ ધરવામાં આવી છે. સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે જેમાં અચાનક રિક્ષા વચ્ચે ટ્રકની સામે આવી જતા અકસ્માત થયો હતો.


 સુરતમાં કતારગામ વિસ્તારમાં BRTS બસે અકસ્માત સર્જ્યો છે. સામે આવેલી વિગતો અનુસાર BRTS બસે બાઈક પર જઈ રહેલા 9 જેટલા લોકોને અડફેટે લીધા હતા. જેમાં 1નું ઘટના સ્થળે જ મોત થયું છે જ્યારે અન્યને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. હોસ્પિટલે ખસેડવામાં આવેલા લોકોની હાલત પણ ગંભીર હોવાની માહિતી સામે આવી છે.


સુરતમાં BRTSની અડફેટે અનેક લોકો કચડાયા છે.  કતારગામમાં BRTS બસે 9થી વધુ વાહનોને અડફેટે લીધા છે. આ અકસ્માતમાં 9 લોકો ઘાયલ થયા છે આમાં 3ની હાલત  ગંભીર હોવાની વાત સામે આવી છે. હાલમાં 7 લોકોને કિરણ હોસ્પિટલમાં અને એકને સ્મીમેરમાં ખસેડાયો છે. ઘટનાની જાણ થતા શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયા હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે.આ ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ પ્રફુલ પાનસેરિયા સાથે ફોન પર વાતચીત કરી છે. કતારગામના ગજેરા સર્કલ પાસે આ દુર્ઘટના ઘટી છે. તો બીજી તરફ ઉશ્કેરાયેલા લોકોએ બસમાં તોડફોડ કરી છે. ભીડને દૂર કરવા પોલીસની ટીમ પહોંચી છે. 


મેયર પણ થોડીવારમાં હોસ્પિટલ પહોંચશે તેવી માહિતી સામે આવી છે. મંત્રી પ્રફુલ પાનસેરિયા, સ્થાનિક ધારાસભ્ય કાંતિ બલર હાલમાં હોસ્પિટલે પહોંચ્યા છે. શિક્ષણ રાજ્યમંત્રી કાર્યક્રમ છોડીને હોસ્પિટલે પહોંચ્યા હતા. આ ઉપરાંત પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા છે. દુર્ઘટનાસ્થળે સર્જાયેલા ટ્રાફિકજામને દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સ્થાનિક લોકોએ એમ્બ્યુલંસ બોલાવી ઈજાગ્રસ્તોને હોસ્પિટલે પહોંચાડ્યા હતા.