Accident: રાજકોટમાં ફરી એકવાર રફતારનો કહેર જોવા મળ્યો હતો. પૂરઝડપે દોડતી કારે એક્ટિવા ચાલકને ટક્કર મારી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી. મળતી જાણકારી અનુસાર, શહેરના રૈયા ચોકડી વિસ્તારમાં બેફામ દોડતી કારે એક્ટિવા ચાલકને અડફેટે લીધો હતો. અકસ્માત બાદ કાર ચાલક સ્થળ પરથી ફરાર થઇ ગયો હતો. આ અકસ્માતમાં એક્ટિવા ચાલકને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી હતી.
તાજેતરમાં જ રાજકોટમાં ડમ્પર અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. રાજકોટમાં ડમ્પર અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા પિતા અને પુત્રનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. શહેરના કુવાડવા રોડ પર ગ્રીનલેન્ડ ચોકડી પાસે રિક્ષા અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અચાનક રિક્ષા વચ્ચે આવી જતા ડમ્પર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં પિતા-પુત્રનું સ્થળ પર મોત થયુ જ્યારે અન્ય ચાર લોકોને ઈજા પહોંચી હતી. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.
અન્ય એક ઘટનામાં મોરબીની હળવદ ચોકડી પાસે બેફામ દોડતા ટ્રકે બાઈકને ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે બાઈક પર સવાર બે યુવકો 200 મીટર સુધી ઢસડાયા હતા. આ અકસ્માતમાં એકનું સ્થળ પર જ મોત નિપજ્યુ જ્યારે અન્ય એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. હળવદ ચોકડી પાસે અકસ્માતની આ પ્રથમ ઘટના નથી. અગાઉ પણ અનેક વાહન ચાલકો જીવ ગુમાવી ચૂક્યા છે.મહેસાણા જિલ્લામાં પણ જૂની શેઢાવી ગામમાં બેફામ દોડતા માટીના ડમ્પરે એક વ્યક્તિને કચડ્યો હતો. આ ઘટનામાં વૃદ્ધનું સ્થળ પર જ મોત નિપજ્યુ હતુ. આ ઘટનાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે. ડમ્પર ગામમાંથી ન દોડાવવા માટે સ્થાનિકોએ હજુ ત્રણ દિવસ અગાઉ જ ડમ્પર ચાલકોને વિનંતી કરી હતી પરંતુ મનમાની કરતા ડમ્પર ચાલકો માન્યા નહીં અને હવે આ ઘટના બની હતી.