Rajkot: રાજકોટમાં સરકારી દવાઓ બારોબાર વેચવાના કૌભાંડનો ખુલાસો થયો હતો. રાજકોટના કૌભાંડ બાદ રાજ્યભરમાં આરોગ્ય વિભાગે તપાસ શરૂ કરી હતી. રાજકોટ દવા કૌભાંડનો મુખ્ય સૂત્રધાર મેનેજર પ્રતિક રાણપરાનું રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સેટિંગ હોવાની પણ આશંકા છે. તે અધિકારીઓ સાથે મળી દવાનો કાળો કારોબાર કરતો હોવાની પણ આશંકા સેવાઇ રહી છે.




નોંધનીય છે કે પ્રતિક રાણપરા ખાનગી ઓફિસથી સરકારી દવાનું વેચાણ કરતો હતો. 3 ટકા પેનલ્ટી ન લગાડવા બદલ કંપનીઓ પાસેથી લાંચ લેતો હતો. પ્રાથમિક તપાસમાં મેનેજરે પેનલ્ટીથી બચાવવા કાંડ આચર્યાનું સામે આવ્યું છે. પ્રાથમિક તપાસ બાદ મેનેજર પ્રતિક રાણપરા અને સ્ટાફને છૂટ્ટા કરી દેવામાં આવશે.  ગાંધીનગરની ટીમ હવે સિવિલ હોસ્પિટલમાં તપાસ કરી રહી છે.


ગોડાઉનના મેનેજર પ્રતિક રાણપરા પોતાનો મેડિકલ સ્ટોર હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. તો બીજી તરફ સિવિલ હોસ્પિટલના નામે પહોંચ મળતા સિવિલ સુપ્રીટેન્ટે ખુલાસો કરતા કહ્યું કે, અમારે આ મામલે કંઈ લેવાદેવા નથી.


MSCLના વેર હાઉસમાં કૌભાંડ થતું હતું. ખાનગી કંપનીની દવાઓમાં સ્ટીકર મારીને સરકારી દવા બારોબાર વેચવાની શંકાના આધારે ગાંધીનગરની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી છે. વેરહાઉસ મેનેજર પ્રતીક રાણપરાની દેખરેખમાં આ ગોરખધંધો ચાલતો હતો. સ્ટોક ચોપડે ચડી ગયા બાદ સ્ટીકર ફરી ઉખેડી બારોબાર દવા વેચવામાં આવતી હોવાની શંકા છે. GMSCL સરકારી દવાખાનાઓ અને આરોગ્ય કેન્દ્રમાં આ દવા મોકલે છે. આ દાવાઓમાં ગુજરાત સરકારના ઉપયોગ માટેનું લેબલ લાગેલું હોય છે. GMSCL વેરહાઉસથી મોકલેલી દવાઓમાં કિંમત છપાયેલી ન હોય પણ આ દવામાં કિંમત લખેલી હતી.


આ ગોડાઉનમાં જ કર્મચારી તરીકે કામ કરતા ઇન્દ્રજીત સોલંકીએ સરકારી દવાનું કૌભાંડ કઈ રીતે ચાલતું હતું તે બાબતે વાત કરી હતી. સાથે જ તેમને સ્ટીકર લગાડવાના 500 થી 600 રૂપિયા આપવામાં આવતા હતા તેવી પણ કબૂલાત કરી હતી. અધિકારીઓ દ્વારા રાજકોટ GMSCL ના ગોડાઉન પર સ્ટાફની પણ પૂછપરછ કરવામાં આવી હતી. ગાંધીનગર આરોગ્ય વિભાગના અધિકારીઓ ડી.ડી. શાહ, મેનેજર અને ડી. કે. વણકર, ઇન્ચાર્જ નાયબ જનરલ મેનેજર દ્વારા કલાકો સુધી પ્રતિક રાણપરાની પૂછપરછ કરવામાં આવી હતી.