Rajkotરાજકોટઃ રાજકોટમાં જન્માષ્ટમી નિમિત્તે યોજાતો સૌરાષ્ટ્રના સૌથી મોટો લોક મેળાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ વર્ષે આ લોકમેળો 5થી 9 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે. જન્માષ્ટમી નિમિત્તે રાજકોટના રેસકોર્સ મેદાનમાં સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો યોજાય છે.


જોકે આ વખતે આ લોકમેળામાં યાંત્રિક રાઈડની ટિકિટના ભાવમાં વધારો થઈ શકે છે. યાંત્રિક રાઇડના સંચાલકોએ આ માગ કરી છે. આજ કારણે જિલ્લા કલેકટર કચેરી ખાતે યાંત્રિક રાઈડના પ્લોટની હરાજી મોકૂફ રખાઈ છે. યાંત્રિક રાઈડમાં હજુ રૂ.10નો વધારો અને લોકમેળો રાત્રે 12 વાગ્યા સુધી ચાલુ રાખવાની માંગ કરી છે. નિર્ણય જાહેર કર્યા બાદ જ હરાજીમાં ભાગ લેશું તેવું અલ્ટીમેટમ આપ્યું છે. આ તમામ મામલે જિલ્લા કલેકટર અંતિમ નિર્ણય કરશે.


રાજકોટના આ લોકમેળામાં પાંચ દિવસ દરમિયાન 15 લાખ કરતા વધારે લોકો ઉમટી પડશે. વરસાદનું વિઘ્ન ન આવે તો આ વર્ષે લોકમેળો જમાવટ કરશે. લોકમેળામાં 25,000 ની અપસેટ સામે સ્ટોલની એક લાખ બોલી લાગી છે.  


શ્રાવણમાસમાં યોજાતા તરણેતર લોકમેળાનું વિષેશ મહત્વ છે. સૌરાષ્ટ્રમાં શ્રાવણ અને ભાદરવા માસમાં નાના મોટા મેળા યોજાતા હોય છે. સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમીના મેળા ખૂબ જ પ્રસિદ્ધ છે અને લાખો લોકો જન્માષ્ટમીના મેળામાં ભાગ લેતા હોય છે.


આમ તો લોકમેળો એ મનોરંજનનું ઉત્તમ માધ્યમ છે. થોડી વાર માટે પણ દુ:ખ, દર્દ દૂર કરી નવી આશા - ઉમંગ જગાવે છે. એટલે જ તો આ લોકમેળામાં ગરીબથી લઈ શ્રીમંત, અબાલથી લઈ વૃધ્ધ આવે છે અને આનંદ ભરીને ઘરે પરત ફરે છે.


ગુજરાતના લોકમેળા


ગુજરાતમાં યોજાતા લોકમેળાઓ મહદઅંશે ધાર્મિક તહેવારો પ્રસંગો કે માન્યતાઓના અનુસંધાનમાં યોજાય છે. ભગવાન શંકર, રામ,કૃષ્ણ, હનુમાન, તથા અંબાજી, બહુચરાજી, સીતા માતા, ખોડીયાર માતા જેવા દેવી-દેવતાઓના પર્વ પ્રસંગે યોજાતા હોય છે, એવી જ રીતે સહજાનંદ સ્વામી, કબીર, ઓઘડદાદા ભાથી-ખત્રી, જલારામ બાપા જેવા સંતો તથા મુસ્લિમ પીર-ઓલિયા મીરા દાતાર, હઝરતપીર, નરુદ્દીન ઓલિયા વગેરેની યાદમાં ભરાય છે.


મેળાઓ સામાન્ય રીતે ધાર્મિક ભાવનાને કેન્દ્રમાં રાખી લોકલ્યાણ માટે બલિદાન આપનાર પુરુષોને અંજલિ આપવા તથા શ્રદ્ધા, ભક્તિનું અર્ધ્ય અર્પવા ભરાય છે. તેની સાથે સામાજિક તથા આર્થિક હેતુઓ પણ જોડાયેલા છે. તેમાં અનેક ચીજ વસ્તુઓનું ખરીદ-વેચાણ થાય છે. ખેડૂતો પોતાની ગાયો, ઘોડા, ઊંટ કે બળદો જેવા પશુઓની લે-વેચ કરતા હોય છે.