રાજકોટ: શહેરના મોરબી રોડ પર આવેલા જીએમએસસીએલના ગોડાઉનમાં સરકારી દવાના ગેરકાયદેસર ધંધાનો પર્દાફાશ થયો છે. જેને લઈને ગાંધીનગરની આરોગ્ય વિભાગની ટીમ તાબડતોબ રાજકોટ પહોંચી હતી. મુખ્ય સૂત્રધારની પૂછપરછ કરવામાં આવી હતી. ગોડાઉનના મેનેજરનો પોતાનો મેડિકલ સ્ટોર હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. તો બીજી તરફ સિવિલ હોસ્પિટલના નામે પહોંચ મળતા સિવિલ સુપ્રીટેન્ટે ખુલાસો કરતા કહ્યું કે, અમારે આ મામલે કંઈ લેવાદેવા નથી.
GMSCL માં કૌભાંડ
મફત સરકારી દવાનો ગેરકાયદે ધંધાનો પર્દાફાશ રાજકોટના મીડિયા દ્વારા કરવામાં આવ્યો છે. GMSCLના વેર હાઉસમાં કૌભાંડ થતું હતું. ખાનગી કંપનીની દવાઓમાં સ્ટીકર મારીને સરકારી દવા બારોબાર વેચવાની શંકાના આધારે ગાંધીનગરની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી છે. વેરહાઉસ મેનેજર પ્રતીક રાણપરાની દેખરેખમાં આ ગોરખધંધો ચાલતો હતો. સ્ટોક ચોપડે ચડી ગયા બાદ સ્ટીકર ફરી ઉખેડી બારોબાર દવા વેચવામાં આવતી હોવાની શંકા છે. GMSCL સરકારી દવાખાનાઓ અને આરોગ્ય કેન્દ્રમાં આ દવા મોકલે છે. આ દાવાઓમાં ગુજરાત સરકારના ઉપયોગ માટેનું લેબલ લાગેલું હોય છે. GMSCL વેરહાઉસથી મોકલેલી દવાઓમાં કિંમત છપાયેલી ન હોય પણ આ દવામાં કિંમત લખેલી હતી. સમગ્ર કોભાંડમાં જેની પૂછપરછ કરવામાં આવી છે તે પ્રતિક રાણપરાએ મીડિયાને ગોળ ગોળ જવાબ આપ્યો હતો.
આ ગોડાઉનમાં જ કર્મચારી તરીકે કામ કરતા ઇન્દ્રજીત સોલંકીએ સમગ્ર બાબતે મીડિયા અને માહિતી આપી હતી અને સરકારી દવાનું કૌભાંડ કઈ રીતે ચાલતું હતું તે બાબતે વાત કરી હતી. સાથે જ તેમને સ્ટીકર લગાડવાના 500 થી 600 રૂપિયા આપવામાં આવતા હતા,તેવી પણ કબુલાત પણ મીડિયા સમક્ષ કરી હતી. સરકારી દવા અને બાટલાઓમાં સ્ટીકર લગાડવા માટે મેનેજર પ્રતિક રાણપરા જ સૂચના આપી હતી તેમ પણ આ કર્મચારીએ જણાવ્યું હતું. રાજકોટના સ્થાનિક મીડિયાએ સમગ્ર બાબત ઉજાગર કરી હતી અને ત્યારબાદ રાતોરાત ગાંધીનગરની આરોગ્યની ટીમ રાજકોટ આવી પહોંચી હતી. ગોડાઉન ખાતે ગાંધીનગરની ટીમ દ્વારા અલગ અલગ મુદ્દે તપાસ કરવામાં આવી હતી. સાથે જ મુખ્ય સૂત્રધાર પ્રતિક રાણપરાની પણ પૂછપરછ કરવામાં આવી હતી. અધિકારીઓ દ્વારા રાજકોટ GMSCL ના ગોડાઉન પર સ્ટાફની પણ પૂછપરછ કરવામાં આવી હતી. ગાંધીનગર આરોગ્ય વિભાગના અધિકારીઓ ડી.ડી. શાહ, મેનેજર અને ડી. કે. વણકર, ઇન્ચાર્જ નાયબ જનરલ મેનેજર દ્વારા કલાકો સુધી પ્રતિક રાણપરાની પૂછપરછ કરવામાં આવી હતી.
GMSCL મા કૌભાંડનો મામલો આરોગ્ય વિભાગની પણ બેદરકારી સામે આવી છે. વેર હાઉસમાં CCTV કેમેરા બંધ હતા સાથે જ અપૂરતા પણ કેમેરા જોવા મળ્યા હતા. લાંબા સમયથી CCTV બંધ હોવાનું સામે આવ્યું હતું. શું પ્રતિક રાણપરા CCTV બંધ કરીને કૌભાંડ આચરતો હતો તે બાબતે પણ તપાસ કરવામાં આવશે.
ગાંધીનગરની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી છે ત્યારે તપાસમાં અનેક હકીકતો સામે આવી છે. આજે તપાસ દરમિયાન ગોડાઉનના મેનેજર પ્રતીક રાણપરાના ઠેલામાંથી બે અલગ અલગ પહોંચ મળી હતી. હેત્વિક હેલ્થકેરની પહોંચ મળી આવી છે. રૂપિયા પાંચ હજાર અને સાત હજારની પહોંચ મળી છે. સરકારી દવાનો જથ્થો હેત્વિક હેલ્થ કેરમાં પહોંચાડવામાં આવતો હતો. ગાંધીનગર આરોગ્યની ટીમ દ્વારા પહોંચને લઈને તપાસ કરવામાં આવી છે. સાથે જ અલગ અલગ ડેઈલી ગુડ્સ રજીસ્ટરની પણ તપાસ કરવામાં આવી છે. દરરોજ કેટલો જથ્થો આવતો હતો અને ક્યાં ક્યાં જતો હતો તે બાબતે પણ ગાંધીનગરના અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે રાજકોટના પેડક રોડ પર આવેલા હેત્વિક હેલ્થ કેર પ્રતીક રાણપરાની માલિકીનું છે. આ હેલ્થ કેરનું સંચાલન પ્રતિક રાણપરા અને તેની પત્ની કરી રહી છે. તેમ સ્થાનિક વેપારીએ જણાવ્યું હતું.
હેત્વિક હેલ્થ કેરની પહોંચમાં સિવિલ હોસ્પિટલ લખેલું હોવાના કારણે રાજકોટના સિવિલ સુપ્રિટેન્ડન્ટ એ પણ આ બાબતે નિવેદન આપ્યું હતું,કે GMSCL અને સિવિલ હોસ્પિટલને કોઈ સીધો સંપર્ક નથી.સમગ્ર મામલે ઝીણવટભરી તપાસ કરવામાં આવશે. કૌભાંડમાં સિવિલ હોસ્પિટલનાં કર્મચારીની સંડોવણી જણાશે તો કડક પગલાં લેવાની ખાતરી આપી હતી.