Ahir community decision: જકોટમાં હાલાર પંથકના આહિર સમાજ દ્વારા સમાજના સંગઠનમાં એક ઐતિહાસિક અને મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરના 150 ફૂટ રિંગ રોડ પર આવેલા અયોધ્યા ચોક ખાતે યોજાયેલા સ્નેહમિલન સમારોહમાં 1500થી વધુ પરિવારોની હાજરીમાં લગ્નના વધતા જતા ખર્ચાઓ પર નિયંત્રણ લાવવા માટે એક ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. આ ઠરાવનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં દેખાદેખી અને બિનજરૂરી ખર્ચને અટકાવીને સામાજિક જવાબદારી જાળવવાનો છે. આ નિયમોનો ભંગ કરનારને ₹1 લાખનો આકરો દંડ અથવા જાહેરમાં માફી માંગવાની ફરજ પાડવામાં આવશે.
લગ્ન ખર્ચ અને દાગીનાની મર્યાદા
આહિર સમાજે લગ્ન પ્રસંગે દાગીના અને રોકડના વ્યવહાર પર સ્પષ્ટ મર્યાદા નક્કી કરી છે:
સોનાની મર્યાદા: લગ્ન પ્રસંગમાં હવે માત્ર બે તોલા (2 Tola) સોનું જ ચડાવવાનું રહેશે.
કન્યાદાનમાં મર્યાદા: દીકરીના માતા-પિતાએ કન્યાદાનમાં વરપક્ષને બે તોલાથી વધુ સોનાના દાગીના આપવા નહીં.
વરપક્ષના દાગીના: વરપક્ષ દ્વારા પણ લગ્ન પ્રસંગે કન્યા માટે 8 તોલાથી વધુ દાગીના મૂકવા પર પ્રતિબંધ રહેશે.
મામેરામાં રોકડ: મામેરામાં ₹11,000થી વધુની રોકડ રકમ આપી શકાશે નહીં.
બિનજરૂરી પ્રથાઓ પર સંપૂર્ણ પ્રતિબંધ
સમાજમાં ખર્ચ અને દેખાદેખી વધારતી બિનજરૂરી પ્રથાઓને તાત્કાલિક અસરથી બંધ કરવાનો નિર્ણય લેવાયો છે:
પ્રિ-વેડિંગ શૂટ: લગ્ન પહેલાની પ્રિ-વેડિંગ પ્રથા સંપૂર્ણપણે બંધ કરવામાં આવી છે.
વ્યયવાળી પ્રથાઓ: વરઘોડા, ફૂલેકા, દાંડિયારાસ, ડીજે, મામેરા વગેરે પ્રસંગોમાં રૂપિયા ઉડાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
સાસરામાં નૃત્ય: વર કે કન્યાએ સસરા પક્ષમાં દાંડિયારાસ રમવા જવું નહીં.
અન્ય રસમો: કંકુ પગલા પ્રથા, દીકરી વધામણામાં ડેકોરેશન પ્રથા અને પેંડા વહેંચવાની પ્રથા પણ બંધ કરવામાં આવી છે.
બહેનોના રૂપિયા: કોઈ પણ પ્રસંગમાં બહેનોએ રૂપિયા પાછા વાળવાની પ્રથા પણ બંધ કરાઈ છે.
જમણવાર અને અન્ય પ્રસંગોની મર્યાદા
સામાજિક પ્રસંગોમાં જમણવારનો ખર્ચ ઓછો કરવા માટે પણ મહત્ત્વના નિયંત્રણો મુકાયા છે:
લાડવા/જમણવાર: સારા કે માઠા બંને પ્રસંગે જમણવાર માત્ર બહેન-દીકરીઓ પૂરતો જ મર્યાદિત રાખવાનો નિર્ણય લેવાયો છે.
શ્રાદ્ધ: શ્રાદ્ધનું જમણવાર પણ માત્ર ઘર પૂરતું રાખવાનું રહેશે.
કંકોત્રી/વાના રસમ: કંકોત્રી રસમ તથા વાના રસમમાં ડેકોરેશનનો ખોટો ખર્ચ નહીં કરવા અને તેને માત્ર પરિવાર પૂરતું જ રાખવા પર ભાર મુકાયો છે.
ફટાકડા: કોઈ પણ પ્રસંગમાં ફટાકડા ફોડવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકાયો છે.
નિયમભંગ પર આકરો દંડ અને શિક્ષા
આ ઠરાવને સખ્તાઈથી લાગુ કરવા માટે સમાજે આકરા નિયમો બનાવ્યા છે:
દંડ: ઠરાવ મુજબ નિયમનો ભંગ કરનારને ₹1,00,000 (એક લાખ)નો દંડ ભરવો પડશે.
જાહેરમાં માફી: જો કુટુંબ દંડ ન ભરે, તો જાહેરમાં માફી માગવાની ફરજ પાડવામાં આવશે.
સમાજમાંથી દૂર: જો કુટુંબ આ નિયમોનું સતત ઉલ્લંઘન કરશે, તો તે કુટુંબને સમાજમાંથી દૂર કરવાની પણ જોગવાઈ કરવામાં આવી છે.