રાજકોટ: ગુજરાત કોંગ્રેસ દ્વારા પોરબંદરથી સાબરમતિ આશ્રમ અને દાંડીથી સાબરમતિ આશ્રમ સુધી ગાંધી સંદેશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેને લઇને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની પત્રકાર પરિષદ રાજકોટમાં યોજાઇ હતી. ગુજરાતમાં પેટા ચુંટણીની જાહેરાત અલગ-અલગ રીતે કરતા અમિત ચાવડાએ આક્ષેપ લગાવ્યા છે. તેમણે કહ્યું, પ્રજા ભાજપની સરકારને ચૂંટણીમાં બતાવી દેશે. પેટા ચૂંટણીમાં કોંગ્રેસ સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતારશે.


કેન્દ્રીય ચૂંટણી પંચે આજે ગુજરાતની 2 વિધાનસભા બેઠકો રાધનપુર અને બાયડની પેટા ચૂંટણી જાહેર કરી છે. આ પહેલા ચાર બેઠકોની પેટા ચૂંટણીની જાહેરાત કરી હતી. આ તમામ બેઠકો પર આગામી 21મી ઓક્ટોબરના રોજ મતદાન થશે. જ્યારે 24મી તારીખે પરિણામ જાહેર કરવામાં આવશે.

અમિત ચાવડાએ કહ્યું, ચૂંટણીની જાહેરાત નિષ્પક્ષ રીતે નથી થઈ, ગુજરાતના ગૃહ પ્રધાને ચૂંટણી પંચ પહેલા જ જાહેરાત કરી દીધી હતી. ઉલ્લેખનીય છે કે ગઈકાલે જ ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું હતું કે બાકીની બેઠકોની એક બે દિવસમાં ચૂંટણીની જાહેરાત થશે.