Amreli: રાજકોટની એક 22 વર્ષીય પરિણીતા અંધશ્રદ્ધાનો શિકાર બની હતી. મળતી જાણકારી અનુસાર, પરીણિતા પોતાના પતિથી છૂટાછેડા લીધા બાદ એકલી રહેતી હતી. તેણી પોતાના ત્રણ વર્ષના બાળકને પરત લેવા માટે અંધશ્રદ્ધાના ચક્કરમાં ફસાઇ ગઇ હતી. પરિણીતાને અંધશ્રદ્ધામાં ફસાવી અમરેલીના ભુવા સહિત 6 શખ્સોએ પરીણિતા પર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.


મળતી જાણકારી અનુસાર, રાજકોટમાં પતિથી અલગ થયા બાદ એક પરીણિતા મુશ્કેલીમાં ફસાઇ હતી. જેના કારણે અમરેલીના એક વ્યક્તિએ મેલી વિદ્યાના બહાને તેના પર દુષ્કર્મ આચર્યું હતું. ભુવા સિવાય અન્ય છ શખ્સોએ પણ પરીણિતા પર દુષ્કર્મ આચર્યું હતું. આખરે પરીણિતાએ અમરેલીના મુકેશ ભેસાણીયા અને તેની પત્ની રાધિકા ઉપરાંત વિસાવદરના સુનીલ રાવળદેવ, દિનેશ રીબડીયા અને એક અજાણ્યો ભુવો તથા રાજકોટની ભારતી પ્રકાશ ગોંડલીયા સામે અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.


આ મામલે અમરેલી ડીવાયએસપી જે.પી.ભંડારીએ  જણાવ્યું હતું કે રાજકોટના ભોગ બનનાર બહેન ને તેમના પતિ સાથે છૂટાછેડા થઈ ગયા હતા અને તેમના ત્રણ વર્ષનું બાળક તેમના પતિ સાથે રહેતું હતું. આ ઘટનાને લઇ તેમના ઘરમાં પણ ઝઘડાઓ થતા હતા. દરમિયાન ભારતીબેન નામની એક વ્યક્તિ આ પરીણિતા પાસે આવી હતી અને તેના ઘરમાં કોઈ વળગાડ છે તેને દૂર કરવો પડશે. તેમ કહી તેણે કહ્યું હતુ કે મુકેશભાઈ નામના મારા જમાઈ જે છે તે તાંત્રિક વિધિ જાણે છે અને તે અમરેલીમાં રહે છે તે તમારો આ વળગાડ અને પ્રશ્ન દૂર કરી આપશે અને તેણે મુકેશભાઈનો સંપર્ક કરાવ્યો હતો.


પોલીસે જણાવ્યું કે મુકેશભાઈ અને તેમના પત્ની રાધિકાબેન દ્વારા અલગ અલગ જગ્યાએ વિધિ કરાવી પરીણિતા પાસેથી રૂપિયા પડાવ્યા હતા. બાદમાં થોડા મહિનાઓ પછી મુકેશભાઇએ પીડિતાને વળગાળ દૂર કરવા માટે મોટા ભુવા પાસે જવાનું કહી પીડિતાનો સંપર્ક સુનિલ અને દિનેશ રિબડિયા સાથે કરાવ્યો હતો. ત્યારબાદ વિસાવદર ખાતે રહેતા સુરેશ રાવળ નામના ભુવા સાથે વાતચીત શરૂ કરવામાં આવી અને વિસાવદર ખાતે રહેતા સુરેશ રાવળે વિધિના નામે પૈસા પડાવ્યા હતા. બાદમાં દિનેશ રીબડીયા નામનો એક વ્યક્તિ પણ આમાં સામેલ થઇ ગયો હતો. આમ કુલ પાંચ વ્યક્તિઓ જેમાં તાંત્રિક મુકેશ અને તેમની પત્ની રાધિકા, ભૂવો સુનિલ તથા દિનેશ રિબડીયા અને ભારતી તેમજ 1 અજાણ્યા વ્યક્તિ દ્વારા આ તમામ દ્વારા પરીણિતાને અંધશ્રદ્ધામાં ફસાવી રૂપિયા પડાવ્યા હતા અને દુષ્કર્મ આચર્યું હતું.


પરીણિતા પર આચર્યું દુષ્કર્મ


 અંતમાં આ ટોળકીએ પીડિતાને જણાવ્યું હતું કે તમારા દીકરાનો જીવ જોખમમાં હોય તેને બચાવવો હોય તો તારે અમારી સાથે શારીરિક સંબંધ બાંધવો પડશે તેમ કહી તેના પર દુષ્કર્મ આચર્યું હતું. અંતે આ પાંચ લોકો અને એક અજાણી વ્યક્તિ સામે દુષ્કર્મ, ઠગાઈ સહિતના વિવિધ કલમો ઉમેરીને ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે છ પૈકી ચારને ઝડપી લીધા છે અને પૂછપરછ શરૂ કરાઇ હતી.