જેતપુર: તાલુકાના જૂની સાંકળી ગામમાં હાર્ટ એટેકની એક ચોકાવનારી ઘટના સામે આવી છે. જૂની સાંકળી ગામમમાં 18 વર્ષીય યુવકને હાર્ટ એટેક આવતા મોત થયું છે. યુવકને હાર્ટ એટેક આવતા ઘરે જ મોતને ભેટ્યો હતો. 18 વર્ષીય યુવક મજૂરીકામ કરી ઘરે પરત ફરી સ્નાન કરવા જતા એટેક આવ્યો હતો. યુવકને જેતપુર સરકારી હોસ્પિટલ ખાતેનાં હાજર તબીબે હાર્ટ એટેકથી મોત નિપજ્યું હોવાનું જણાવ્યું હતું.
જૂની સાંકળી ગામના સિંગલ હાર્દિક અતુલભાઈનું અવસાન થતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી મચી જવા પામી છે. નાની ઉંમરમાં એટેકના બનાવ વધતા લોકોમાં ચિંતા પ્રસરી છે. યુવકના મોતથી પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. યુવકની લાશને પીએમ અર્થે ખસેડવામાં આવી છે.
કારમાં દારૂની હેરાફેરી કરતા હતા 2 આર્મીના જવાન
વલસાડ જિલ્લાના વાપી ખાતે ડુંગરા પોલીસ દ્વારા 2 આર્મી મેનને દારૂ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે. બંને આર્મીમેન નવસારી ખાતેના બેઝ કેમ્પમાં આ દારૂનો જથ્થો લઈ જતા હોવાનું સામે આવ્યું છે. સંઘ પ્રદેશમાંથી ગુજરાતમાં દારૂ લાવવા પર પ્રતિબંધ છે જેને લઇને પોલીસ અવારનવાર બુટલેગરોને તો પકડે જ છે પરંતુ હાલ અત્યારે જે પ્રમાણે પ્રોહિબિશનને લઈને કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે પોલીસ દ્વારા આર્મીના બે જવાનોને કુલ 76 હજારના દારૂ સાથે ઝડપી પડ્યા છે. વલસાડ પોલીસે દારૂની હેરાફેરી કરતા 2 આર્મી જવાનને દબોચી લેતા ચકચાર જાગી છે. જેની પૂછપરછમાં જવાનોએ પાર્ટી માટે દારૂનો જથ્થો મંગાવ્યો હોવાનું બહાર આવ્યું હતું. આર્મીના જવાનો દારુની હેરાફેરી કરતા ઝડપાયા બાદ તેમને ડુંગરા પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા. કારમાંથી દારુનો જથ્થો ઝડપાયા બાદ આ ઘટનાને લઈ પોલીસ દ્વારા માહિતી આપવામાં આવી હતી.
દારૂની કિંમત કુલ 76,800 રૂપિયા થાય છે
ડુંગરા પોલીસના કોન્સ્ટેબલની બાતમીના આધારે સલવાઓ ખાતે મારુતિ કારમાં દારૂ લઈ બે ઈસમો આવી રહ્યા હોવાની માહિતી મળી હતી. જેને લઈને કાર આવતા તેમાં તપાસ કરતા કારમાંથી અલગ અલગ પ્રકારનો દારૂ મળી આવ્યો હતો. આ દારૂની કિંમત કુલ 76,800 રૂપિયા થાય છે. બંને પકડાયેલ આર્મીના જવાન ગણેશ સોમનાથ લાંગડે અને અર્જુન ભાવસાહેબ સોમવંશી છે.
બંને મરાઠા બટાલિયનમાં ફરજ બજાવતા
પોલીસે અટકાયત દરમિયાન બંને આર્મી યુનિફોર્મમાં જ હોય જેને લઈને પોલીસ સ્ટેશન લાવી બંનેની વધુ પૂછપરછ હાથ ધરી હતી. જેમાં તેઓ બંને મરાઠા બટાલિયનમાં ફરજ બજાવતા હતા અને આ દારૂ તેમના બેઝ કેમ્પ નવસારી ખાતે પાર્ટી માટે લઈ જવામાં આવી રહ્યો હોય તેઓ તેમના દ્વારા પોલીસને જણાવવામાં આવ્યું હતું. જેમાં તમામ પ્રકારની કાર્યવાહી કર્યા બાદ કાયદેસરની કાર્યવાહી ડુંગરા પોલીસ દ્વારા હાથ ધરાઈ છે. હાલ બંનેની ધરપકડ કરી વધુ તપાસ ડુંગરા પોલીસ દ્વારા કરાઈ રહી છે. આર્મીમેન દમણથી નવસારી તરફ જતા હતા આ દરમિયાન વલસાડ જિલ્લાના ડુંગરા પોલીસને શંકા જતા તેઓએ આર્મી ડિફેન્સ લખેલી કાર અટકાવી તલાશી લીધી હતી. આ દરમિયાન કારમાંથી દારૂની પેટીઓ પકડાતા પોલીસ ચોંકી ઉઠી હતી.