રાજકોટ: ભર ઉનાળે પાણી કાપની જાહેરાત કરવામાં આવતા આજે અડધા રાજકોટને પાણી નહીં મળે. એક બાજુ વેકેશનનો માહોલ તો બીજી બાજુ વારંવાર ટેક્નિકલ કારણોને લીધે પાણી કાપ મુકવામાં આવી રહ્યો છે. બુધવારના દિવસે જ પાણી કાપ મુકવામાં આવતા ફેકટરીમાં કામ કરતા લોકોને રજાના દિવસે પાણીકાપ ભોગવવો પડશે. મહાનગરપાલિકા દ્વારા પાણી કાપ માટે ફરી ટેકનિકલ કારણ આગળ ધરવામાં આવ્યું છે. મનપા દ્વારા પહેલા 6 વોર્ડમાં બુધવારે પાણી કાપ મુકવામાં આવ્યો હતો. ટેક્નિકલ કારણોને લીધે વધુ 4 વોર્ડમાં પાણીકાપ ઉમેરવામાં આવ્યો જેના લઈને લોકો પરેશાન છે. આજે વોર્ડ ન.1,2,3,4,5,7,9,10 અને 14માં પાણી નહીં મળે.


દરેક વોર્ડમાં અમુક વિસ્તારમાં પાણી કાપ રાખવામાં આવ્યો છે. આજે કુલ 18 વોર્ડમાંથી 10 વોર્ડમાં પાણી કાપની જાહેરાત કરવામાં આવી છે. રાજકોટ સ્થિત એઈમ્સને પાણીનું કનેક્શન આપવા માટે જોબ વર્ક કરવાનું હોવાથી પાણી કાપ મૂકવામાં આવ્યો હોવાની વાત સામે આવી છે. 


રાજ્યમાં ચોમાસાને લઈ હવામાન વિભાગે કરી આગાહી, ક્યારે શરુ થશે ચોમાસું અને કેટલો વરસાદ પડશે


અમદાવાદઃ કેરળમાં નેઋત્યનું ચોમાસું ત્રણ દિવસ વહેલું જ શરુ થઈ ગયું હતું ત્યારે હવે ગુજરાતમાં ચોમાસું ક્યારે આવશે અને વરસાદ કેવો થશે તેને લઈ અમદાવાદ હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. રાજ્યમાં ચોમાસાને લઈ હવામાન વિભાગની આગાહીથી ખેડૂતો માટે સારા સમાચાર છે. હવામાન વિભાગે ખેડૂતો માટે વાવણી લાયક વરસાદ સારો રહેશે એવું અનુમાન કર્યું છે.


હવામાન વિભાગની આગાહીઃ
આજે અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું છે કે, આ વર્ષે દેશમાં સારો વરસાદ પડવાનું અનુમાન છે. આ વર્ષે દેશમાં 103 ટકા સરેરાશ વરસાદ પડશે. આ ઉપરાંત ગુજરાતમાં જૂન મહિનામાં ચોમાસાની શરુઆત થઈ જશે. જૂન મહિનામાં રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડશે. હવામાન વિભાગના અનુમાન પ્રમાણે આ વર્ષે રાજ્યમાં ખૂબ સારો વરસાદ પડશે. આ સાથે હવામાન વિભાગે એવી પણ આગાહી કરી છે કે, આગામી પહેલી અને બીજી જૂનના રોજ રાજ્યમાં ગરમીનો પ્રકોપ જોવા મળશે. ત્યાર બાદ બે દિવસ બાદ ગરમીથી આંશિક રાહત રહેશે. ઉલ્લેખનીય છે કે, કેરળમાં નેઋત્યનું ચોમાસું 29 મેના રોજ શરુ થયું હતું અને દરવખતની જેમ કેરળમાં ચોમાસું બેસે તેના પછી 15 દિવસ બાદ ગુજરાતમાં ચોમાસાની શરુઆત થતી હોય છે. ત્યારે 15 જૂન સુધીમાં ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા છે.


10 જૂનથી વરસાદી ઝાપટાંઃ
ગુજરાતમાં ચોમાસું ક્યારે બેસસશે તેને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પોતાનું અનુમાન વ્યક્ત કર્યું છે કે, રાજ્યમાં 10 જૂન સુધીમાં વરસાદી ઝાપટા પડશે. 14 અને 15 જૂન આસપાસ સારો વરસાદ થશે. જુલાઈ મહિનામાં અને ઓગસ્ટની શરૂઆતમાં વરસાદ સારો રહેશે. તો સપ્ટેમ્બરમાં થોડો ઓછો વરસાદ પડશે. વરસાદ કેટલો પડશે તેની પણ ધારણા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે.