રાજકોટઃ કોરોના સંકટ વચ્ચે રાજકોટમાં વધુ એક ઈંજેક્શન કૌભાંડનો પર્દાફાશ થયો છે. વધુ એક એજંસીએ રાજકોટમાંથી બોગસ બીલ બનાવી 24 રેમડેસિવિર ઈંજેક્શન સગેવગે કર્યા હોવાનો ખૂલાસો થયો છે. પોલીસ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે વધુ એક એજન્સીમાં તપાસ કરતા એજન્સીના સંચાલક અને એમઆરે મળી એક ક્લિનિકના નામના બોગસ બિલ બનાવી 46 હજાર 473ની કિંમતના 24 ઇન્જેક્શન સગેવગે કરી નાખ્યાનું ખુલ્યું છે.


મોટીટાંકી ચોક પાસે આવેલી દવાની ન્યૂ આઇડલ નામની એજન્સીમાં તપાસ કરવામાં આવી હતી. જ્યાં કઇ કંપનીમાંથી કેટલા ઇન્જેક્શન આપ્યા, તે ઇન્જેક્શન કોને કોને અપાયા તે સહિતના મુદ્દે તપાસ હાથ ધરાઈ હતી. એજન્સીના સંચાલક પરેશ ઝાલાવડિયાએ જુદી જુદી હોસ્પિટલ અને ક્લિનિકના બિલ રજૂ કર્યા. જેમાં 24 રેમડેસિવિર ઇન્જેક્શન દ્વારકેશ પાર્કમાં રહેતા અને આનંદ ક્લિનિક ધરાવતાં ડોક્ટર આનંદભાઇ હસમુખભાઇ ચૌહાણને આપ્યાનું અને તેના નામનું બિલ પણ રજૂ કર્યું, જે બિલ શંકાસ્પદ લાગતાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે ડો.આનંદભાઇ ચૌહાણનો સંપર્ક કરતાં તે બિલ નકલી હોવાનો ધડાકો થયો હતો.

આ અંગે ડો. આનંદભાઇએ ફરિયાદ નોંધાવતાં ક્રાઇમ બ્રાંચે ન્યૂ આઇડલ એજન્સીના સંચાલક પરેશ ઝાલાવડિયાને ઉઠાવી લઇ તેની પૂછપરછ શરૂ કરી, પૂછપરછમાં બહાર આવ્યું કે, આવા પ્રકારના જ ગુનામાં જેલમાં રહેલા એમઆર રજનીકાંત ફળદુએ ઇન્જેક્શનનો જથ્થો સગેવગે કર્યો. પોલીસે રજનીકાંત ફળદુનો જેલમાંથી કબજો મેળવવાની કવાયત શરૂ કરી હતી.