Rajkot AIIMS Member: કેન્દ્ર સરકારે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરની રાજકોટ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (એઈમ્સ)ના સદસ્ય તરીકે નિમણૂક કરી છે. આ નિમણૂક સાથે, ગેનીબેન ઠાકોર હવે દેશની પ્રતિષ્ઠિત મેડિકલ સંસ્થાના નિર્ણય લેવાની પ્રક્રિયામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. આ ઉપરાંત કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાની પણ એઈમ્સના સદસ્ય તરીકે પસંદગી કરવામાં આવી છે.
ગેનીબેન ઠાકોરની નિમણૂકને લઈને સ્થાનિક રાજકીય અને આરોગ્ય વર્તુળોમાં હકારાત્મક પ્રતિસાદ મળ્યો છે. ઘણા લોકોએ આશા વ્યક્ત કરી છે કે એઈમ્સના પદ પર રહીને ગેનીબેન દર્દીઓની સેવામાં અગ્રેસર રહેશે.
આ લોકસભા ચૂંટણી 2024માં બનાસકાંઠા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરને 67,1883 મત મળ્યા હતા, અને ભાજપના ઉમેદવાર ડૉ. રેખાબેન ચૌધરીને 64,1477 મત મળ્યા હતા. આ ચૂટણીમાં ગેનીબેન ઠાકોરે ભાજપના ઉમેદવારને 30,406 મતોની લીડથી હરાવી દીધા અને પ્રથમવાર બનાસકાંઠા બેઠક પર કબજો કર્યો. આ સાથે ગુજરાતમાં કોંગ્રેસી કાર્યકર્તાઓમાં નવો જુસ્સો અને જોમ ભરાયો છે. ગેનીબેને બાજી મારતા 62 વર્ષ બાદ બનાસકાંઠાને મહિલા સાંસદ મળ્યા છે. 1962 બાદ પ્રથમ વખત બનાસકાંઠા બેઠક પરથી મહિલાને સંસદમાં જવાનો મોકો મળ્યો. 1962માં ઝોહરાબેન ચાવડા કોંગ્રેસની ટિકિટ પર સાંસદ તરીકે ચૂંટાયા હતા.
ગેની ઠાકોર જેમનું પૂરું નામ ગેનીબેન નાગાજી ઠાકોર છે, ગેનીબેન ઠાકોર કોંગ્રેસ પક્ષના મહિલા રાજકારણી અને ઉમેદવાર છે જે ગુજરાત વિધાનસભાની વાવ બેઠકના ધારાસભ્ય પણ છે. ગેનીબેને ધોરણ 12 સુધીનો અભ્યાસ કર્યો છે. તેમણે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાંથી 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડી હતી અને ભારતીય જનતા પાર્ટીના શંકર ચૌધરી સામે વિજય મેળવ્યો હતો. 2017માં તેમણે વાવ મતવિસ્તારમાંથી કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડી હતી અને 6655 મતની સરસાઈ સાથે જીત મેળવી હતી. 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તેઓ ફરીથી વાવ બેઠક પરથી ચૂંટાયા હતા. ગેનીબેને ઠાકોર સમાજની અપરિણીત યુવતીઓ માટે મોબાઇલ ફોનના ઉપયોગ પર પ્રતિબંધ મુકવાના નિર્ણયને સમર્થન આપ્યું હતું.તેમણે કહ્યું હતુ કે યુવતીઓને માટે મોબાઈલના ઉપયોગ પર પ્રતિબંધ મુકવો કઈ ખોટો નથી સાથેના નિવેદનો બાદ તેઓ ચર્ચામાં આવ્યા હતા.