Rajkot News: રાજકોટમાં ફાસ્ટફૂડ ખાતા પહેલા સાવધાન. અલગ અલગ બે સ્થળોએથી 10 કિલો અખાધ જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે. રાજકોટ વાસીઓ પરિવાર સાથે ફાસ્ટફૂડ ખાતા પહેલા 100 વખત વિચાર કરજો. રાજકોટ મહાનગરપાલિકા ફાસ્ટ ફૂડનાં બે વેપારીઓને ત્યાં આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. યાજ્ઞિક રોડ પર આવેલા શ્રીનાથજી ફાસ્ટ ફૂડમાં તપાસ કરતા ચાર કિલો વાસી અને સડેલા બટેટા તેમજ એક કિલો એક્સપાયરી ચોકલેટ સોસ મળી આવ્યો હતો. કાલાવડ રોડ પર પ્રેમ મંદિર પાસે આવેલા ભોલા ફાસ્ટફૂડમાં વાસી પાઉ પિઝા સહિત પાંચ કિલો વાસી જથ્થો મળી આવ્યો હતો. બંને ફાસ્ટ ફૂડમાંથી ચીઝ,બટર અને લીલી ચટણીના પણ સેમ્પલ લેવામાં આવ્યા છે. જે બાદ કાર્યવાહી કરવામાં આવશે.


રાજકોટમાંથી અખાદ્ય વસ્તુઓ મળવાની આ પ્રથમ ઘટના નથી. આ પહેલા પણ રાજકોટમાં ભેળસેળયુક્ત વસ્તુઓ મળી આવી છે. આજકાલ લોકો બહારનું ખાવાનું વધારે પસંદ કરે છે. તેવામાં લોકોની આ આદતનો લાભ લઈને વેપારીઓ અનેક વસ્તુઓમાં ભેળસેળ કરીને વેચતા હોય છે. દૂધ હોય, જીરૂ હોય, પનીર હોય આવી અનેક વસ્તુઓ છે જેમાં ભેળસળ થતી આવી છે. થોડા સમય પહેલા રાજકોટમાં ટોસ્ટના નમૂના ફેઈલ મળી આવ્યા હતા. રાજકોટની નામાંકીત ભારત બેકરીનાં ટોસ્ટના નમૂના ફેઇલ થયા હતા. ટોસ્ટમાંથી સેકરીન, સિન્થેટિક કલરની ભેળસેળ મળી આવી છે. આ ભેળસેળ વાળી વસ્તુ ખાવાથી આંતરડા, ચામડી અને પેટને લગતા રોગ થાય છે.


લાંબો સમય સુધી ખાવાથી આંતરડાનું કેન્સર પણ થઈ શકે. ઑગસ્ટ મહિનામાં RMC ના ફૂડ વિભાગ દ્વારા સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેનો 4 મહિના બાદ રિપોર્ટ આવ્યો છે. 19 ઓગસ્ટના રોજ ટોસ્ટ ઉપરાંત બ્રાઉન બ્રેડના સેમ્પલ લેવાયા હતા. અને કેકમાં પણ ઈંડાનો ઉપયોગ કરાતો હોવાની શંકાના આધારે નમૂના લેવાયા હતા. જેનો કોઈ પણ પ્રકારનો રિપોર્ટ નથી આવ્યો. માત્ર ટોસ્ટનો જ રિપોર્ટ આવ્યો છે અને તેમા ભેળસેળ હોવાનું બહાર આવ્યું છે.


આ પહેલા વિજાપુર ખાતેથી પકડાયેલા મરચાના સેમ્પલ ફાઈલ આવ્યા હતા. વિજાપુરનાં મુકેશ મહેશ્વરીના ઉમિયા ગોડાઉનમાં ગત 8 મેના રોજ શંકાસ્પદ મરચું ઝડપાયું હતું. રેડ દરમિયાન હલકી ગુણવત્તાના મરચા પર લાલ કલર ચડાવીને ભેળસેળ થતી હોવાનું બહાર આવ્યું હતું. જેને લઈને રૂ.10.45 લાખનો શંકાસ્પદ મરચાનો 3849 કિલો જથ્થો સિઝ કરવામાં આવ્યો હતો.


સેમ્પલનો રિપોર્ટ આરોગ્યને હાનિકર્તા, અસુરક્ષિત હોવાનો અનસેફ આવ્યો છે. મરચાનાં ભેળસેળ મામલે મુકેશ મહેશ્વરી નામના વેપારી સામે કાર્યવાહી કરવામાં આવશે. આ વેપારીને ત્યાં પણ ભેળસેળ મામલે બે વખત દરોડા પડી ચૂક્યા છે.