રાજકોટ: જિલ્લા ભાજપમાં વધુ એક વિવાદ સામે આવ્યો છે. પૂર્વ મંત્રી કુંવરજી બાવળિયા સામે ભાજપના પૂર્વ મહામંત્રીએ આક્ષેપ કર્યો છે. વીંછીયા ઉમિયા શૈક્ષણિક સંકુલને પાણીથી વંચિત રાખવાનો આક્ષેપ કર્યો છે. વીંછીયા તાલુકા ભાજપના પૂર્વ મહામંત્રી ભુપત કેરાળીયાએ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલને આ મામલે પત્ર પણ લખ્યો છે. કુંવરજી બાવળિયા જ્ઞાતિવાદમાં પોતાનું કામ કરે તેવા જ કાર્યકરોને આગળ કરતા હોવાનો આક્ષેપ લગાવામાં આવ્યો છે. નર્મદાનું પાણી ન મળે તે માટે થોરીયાળી ગામ તરફની નવી એક પાઇપ લાઈન નાખવા માટે કુંવરજી બાવળિયા પ્રયાસ કરતા હોવાનો પત્રમાં ઉલ્લેખ કર્યો છે. તમને જણાવી દઈએ કે, કુંવરજી બાવળિયા પહેલા કોંગ્રેસમાં હતા અને ત્યાર બાદ તેઓ ભાજપમાં જોડાયા હતા.


નરેશ પટેલ ભાજપના ક્યા નેતાઓ સાથે રથમાં બેસીને નિકળ્યા ?


જામનગર: ગુજરાતના જાણીતા પાટીદાર આગેવાન નરેશ પટેલ ક્યારે રાજકારણમાં જોડાશે તેને લઈને રોજે રોજ નવી નવી અટકળો થતી રહે છે. નરેશ પટેલ કોંગ્રેસ પાર્ટીમાં જોડાશે તેવી વાતો ઘણા સમયથી ચાલી રહી છે. જો કે, તેની તારીખ હજી સુધી સામે આવી નથી. તો બીજી તરફ હવે નરેશ પટેલ ભાજપના નેતાઓ સાથે જોવા મળતા રાજકારણ ગરમાયું છે.


હકિકતમાં નરેશ પટેલ જામનગરના મહેમાન બન્યા હતા. જ્યાં તેઓ જામનગરના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજાના યજમાન પદે શરૂ થયેલી ભાગવત સપ્તાહની પોથી યાત્રામાં જોડાયા હતા. સૌથી મોટી વાત એ છે કે આ પોથી યાત્રા દરમિયાન તેઓ જે રથમાં બેઠા હતા તેમા ભાજપના નેતા વરુણ પટેલ, અલ્પેશ ઠાકોર અને શંભુપ્રસાદ ટૂંડિયા પણ હાજર હતા. હવે આ પોથી યાત્રાની તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે. જેને લઈને ઘણી અટકળો પણ કરવામાં આવી રહી છે. આ સપ્તાહમાં ભાજપના અન્ય નેતાઓ પણ હાજર રહ્યા હતા જેમા વરિષ્ઠ નેતા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને આર.સી.ફળદુનો પણ સમાવેશ થાય છે. નરેશ પટેલે આ તમામ નેતાઓ સાથે વાતચીત કરી હતી અને એક જ રથમાં જોવા મળ્યા હતા.


હવે બધાની નજર નરેશ પટેલ દ્વારા કરવામાં આવી રહેલા સર્વે પર ટકી છે. નરેશ પટેલે પહેલા પણ કહ્યું હતું કે, મારા રાજકારણમાં પ્રવેશવાને લઈને સર્વે ચાલી રહ્યો છે. એ સર્વેનું પરિણામ આવશે ત્યાર બાદ રાજકારણમાં જોડાવા અંગે હું નિર્ણય લઈશ.