Rajkot : ગુજરાતમાં ડ્રગ્સ સપ્લાયરો અને વેચનારાઓ પર મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગઈકાલે 30 મેં ના રોજ અમદાવાદમાંથી એમડી ડ્રગ્સના જથ્થા સાથે ત્રણ ડ્રગ્સ પેડલરોની અટકાયત કરવામાં આવી હતી, જયારે આજે 1 મે ના રોજ રાજકોટમાંથી એમડી ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે.
રાજકોટમાંથી ઝડપાયું MD ડ્રગ્સ
રાજકોટમાં SOGએ મોટી કાર્યવાહી કરી એમડી ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. રાજકોટના રામનાથ પરા વિસ્તારમાં રહેતા વસિમ નામના શખ્સને એમડી ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી લેવામાં આવ્યો છે. આરોપીએ પોતાના પગરખાંના તળિયામાં આ ડ્રગ્સ સંતાડ્યું હતું. વિદ્યાર્થીઓ અને યુવાઓને ડ્રગ્સનો જથ્થો પહોંચાડવામાં આવનાર હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહૈ છે.
અમદાવાદમાં ડ્રગ્સ સાથે ત્રણ શખ્સ ઝડપાયા
ગુજરાતના દરિયાકાંઠેથી છેલ્લા ઘણા સમયથી ડ્રગ્સનો જથ્થો ઝડપાઈ રહ્યો છે. આ કડીમાં હવે સિંધુભવન રોડ પર એમડી ડ્રગ્સનું વેચાણ કરતા પેડલરો ઝડપાયા છે. ક્રાઈમ બ્રાન્ચે ત્રણ પેડલરોની ધરપકડ કરી છે. 18.96 ગ્રામ એમડી ડ્રગ્સના જથ્થા સાથે આરોપીઓને ઝડપી પાડ્યા છે. મળતી માહિતી પ્રમાણે પોલીસે આરોપીઓ પાસેથી કુલ 9 લાખ રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડયો છે.
ગુજરાતમાં એક અઠવાડિયામાં જ 2180 કરોડનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું
ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયામાં 2180 કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે. ગુજરાત ATS, DRI અને કસ્ટમ્સના સંયુક્ત ઓપરેશનમાં આ ડ્રગ્સ ઝડપાયું હતું. છેલ્લા એક અઠવાડિયામાં જુદા જુદા દરોડામાં 436 કિલો ડ્રગ્સ ઝડપાયું હતું. ગુજરાતના DGP આશિષ ભાટિયાએ જણાવ્યું હતું કે આજે ગુજરાતના અમરેલીમાં પીપાવાવ પોર્ટ પર એક કન્ટેનરમાંથી 395 કિલો સૂતળી મળી આવી હતી, જેમાં 80-90 કિલો ડ્રગ્સ સૂતળીમાં મૂકવામાં આવ્યું હતું. વાહનમાંથી હેરોઈનનો આ જથ્થો ઝડપાયો છે.
ગુજરાત ડીજીપીએ જણાવ્યું હતું કે ATS અને ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા ઈન્ટરનેશનલ મેરીટાઇમ બાઉન્ડ્રી લાઈન પાસે એક ઓપરેશનમાં 9 પાકિસ્તાનીઓ સાથે 'અલ હજ' નામની બોટની ધરપકડ કરવામાં આવી છે. તેની પાસેથી 56 કિલો હેરોઈન મળી આવ્યું છે. આરોપીને રિમાન્ડ પર લઈ પૂછપરછ ચાલી રહી છે. DGPના જણાવ્યા અનુસાર આ મામલે એક ટીમ દિલ્હી મોકલવામાં આવી છે. મુઝફ્ફરનગરમાંથી 35 કિલો હેરોઈન જપ્ત કરવામાં આવ્યું છે. આ ઉપરાંત એસિટિક એનહાઇડ્રાઇડના બેરલ પણ મળી આવ્યા છે. 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ ATS-NCBનું સંયુક્ત ઓપરેશન હતું.