રાજકોટઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. રાજ્યમાં દૈનિક કેસો છેલ્લા કેટલાય દિવસોથી 1300ને પાર થઈ ગયા છે, ત્યારે હવે સૌરાષ્ટ્રમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. એમાં પણ રાજકોટમાં કોરોનાનું સૌથી વધુ કોરોનાનું સંક્રમણ છે. કોરોનાના સંક્રમણ વચ્ચે રાજકોટવાસીઓ માટે મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. આજે રાજકોટ શહેરમાં કોરોનાના નવા 99 કેસ નોંધાયા છે. જોકે, તેની સામે 193 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. આમ, નવા આવેલા કેસો કરતા વધુ દર્દીઓ રિકવર થયા છે.


રાજકોટમાં આજે 99 લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે. સવારે 42 અને સાંજે વધુ 57ને કોરોના પોઝિટિવ આવ્યો છે. કુલ આંક 4731 પર પહોંચ્યો છે. આ ઉપરાંત રાજકોટવાસીઓ માટે મોટા રાહતના સમાચાર એ છે કે, જિલ્લાના 259 ગામો કોરોનામુક્ત છે. માર્ચથી સપ્ટેમ્બર મહિના સુધી આ ગામોમાં કોરોનાનો એક પણ કેસ આવ્યો નથી.

કોરોનાનું સંક્રમણ વધતા હળવદ તાલુકાના ટીકર ગામે લોકડાઉન કરવામાં આવ્યું છે. મોરબી જિલ્લામાં વધતા જતા સંક્રમણને લઈને ગામડાઓ ફરી સતર્ક થયા છે. તા.17 થી 23 સુધી ટીકર ગામમાં લોકડાઉન કરવામાં આવ્યું છે. ટિકર ગામે બજારો સવારના 7 થી 12 વાગ્યા સુધી ખુલી રહેશે અને ફેરિયાઓને ગામમાં આવવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.