રાજકોટ:  રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત છે.  ગોંડલના રાણસીકીમાં બે બાળકના શંકાસ્પદ મોત થયા છે.   અત્યાર સુધીમાં વાયરસથી શંકાસ્પદ મૃત્યુઆંક 32 પર પહોંચ્યો છે. રાજકોટ જિલ્લાના ગોંડલના તાલુકાના રાણસીકી ગામના બે બાળકોના મોત થયા છે.  ગામના સરપંચ ઘનશ્યામ કાછડીયાએ ચાંદીપુરા વાયરસના કારણે મોત થયાની આશંકા વ્યક્ત કરી છે.  એક બાળકના સેમ્પલ લેવાયા હતા.  સારવાર દરમિયાન મોત થયાનું નિવેદન આપ્યું છે.  બીજા બાળકનું ઘરે જ મોત થયું હોવાનું નિવેદન આપ્યું છે.  રાણસીકી ગામના સીમ વિસ્તારમાં આવેલા મકાનમાં બે બાળકના  મોત થયા છે.  આરોગ્ય તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સરપંચ દ્વારા કરવામાં આવી છે.  


રાજસ્થાનમાં પણ ચાંદીપુરાએ  હાહાકાર મચાવ્યો


આરોગ્ય વિભાગની ટીમ તરફથી અત્યાર સુધીમાં રાજ્યમાં 17 હજાર 248 ઘરમાં કુલ 1 લાખ 21 હજાર 826 વ્યકિતઓના સર્વેલન્સની કામગીરી કરાઈ છે. આ તરફ ગુજરાત અને તેને અડીને આવેલા મધ્યપ્રદેશ તથા રાજસ્થાનમાં પણ ચાંદીપુરાએ  હાહાકાર મચાવ્યો છે. ત્યારે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર મંત્રાલયે નિષ્ણાંતો સાથે ચર્ચા કરી હતી. ચાંદીપુરાના કેસો અને એક્યુટ એન્સેફેલાઈટીસ સિન્ડ્રોમના કેસોની સમીક્ષા કરી છે. 


ચાંદીપુરા વાયરસના લક્ષણો 



ચાંદીપુરા વાયરસના કેસોમાં દર્દીને તાવ આવે છે, ઉલટી થાય, શ્વાસમાં તકલીફ પડે, મગજનો તાવ આવે જેવા લક્ષણો જોવા મળે છે. આ રોગના મહત્તમ લક્ષણો અન્ય વાયરસ જેવા જ હોય છે. જેથી પ્રાથમિક તબક્કે રોગની ઓળખ કરવામાં મુશ્કેલી પડે એમ છે. જોકે ચાંદીપુરા વાયરસ મોટાભાગે 10 વર્ષની નીચેના બાળકોમાં જ જોવા મળે છે. આ વાયરસ ખૂબ જ જીવલેણ છે, જેથી તેનો ભોગ બનેલાને જલદીથી ટ્રીટમેન્ટ મળવી જરૂરી છે. દર્દીઓમાં એન્સેફાલીટીસના લક્ષણો પણ દેખાવા લાગે છે, જેનાથી દર્દી કોમામાં પણ જઇ શકે છે.


ચાંદીપુરા વાયરસ ચેપની સારવાર -  



- ચાંદીપુરા વાયરસ માટે અત્યારે કોઈ ખાસ સારવાર નથી.
- જો કે, આ વાયરસ ખતરનાક છે અને તેના લક્ષણો એન્સેફાલીટીસ (મગજના તાવ) જેવા જ હોવાથી દર્દીએ જેટલી જલ્દી થાય તેટલી જલ્દીની ડોક્ટર સાથે મુલાકાત લેવી જોઈએ. 
- ચાંદીપુરા વાયરસથી બચવા માટે મચ્છર અને માખીઓથી બચવું અને તંદુરસ્ત ખોરાક લેવો મહત્વપૂર્ણ છે.
- ચોમાસામાં ખુલ્લામાં ઉપલબ્ધ ખોરાક પર માખીઓ બેસી જાય છે, જેના કારણે આ ખાદ્ય પદાર્થો તમને આ જીવલેણ રોગનો શિકાર પણ બનાવી શકે છે.
- આ વાયરસથી પોતાને બચાવવા માટે સ્વચ્છતા અને સાવચેતી જરૂરી છે.